Western Times News

Gujarati News

અમદાવાદમાં માતાજીનાં ૧૪ મંદિરની AMTSની બસ મુલાકાત કરાવે છે

પ્રતિકાત્મક

એએમટીએસ ધાર્મિક વર્ધીઃ પાંચ દિવસમાં ૧૬૦૭ માઈ ભક્તોએ દર્શનનો લાભ લીધો

અમદાવાદ, એએમટીએસના સત્તાવાળાઓ દ્વારા હિંદુઓના પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક પ્રવાસ કરાવતી ખાસ યોજના બહાર પડાઈ હતી. હવે આ વર્ષે સત્તાધીશોએ જગતજનની મા જગદંબાના પવિત્ર નવરાત્રિ ઉત્સવ દરમિયાન માઈ ભક્તો માટે ખાસ ધાર્મિક પ્રવાસ યોજના શરૂ કરી છે.

પહેલી વખત નવરાત્રિમાં શહેરના ખૂણે ખૂણે આવેલાં માતાજીનાં મંદિરોનાં દર્શનનો લાભ અમદાવાદીઓ લઈ રહ્યા છે. તા.૭ ઓક્ટોબરના પહેલા નોરતાથી છઠ્ઠા નોરતા સુધીનાં છેલ્લા પાંચ નોરતામાં કુલ ૧૬૦૭ શ્રદ્ધાળુઓએ ધાર્મિક વર્ધી હેઠળ એએમટીએસ ભાડેથી લઈને વિવિધ સ્થળે માની ભક્તિ ભાવપૂર્ણ પૂજા-અર્ચનાનો લહાવો લીધો છે.

તા.૭ ઓક્ટોબરના પહેલાં નોરતાથી એએમટીએસના સત્તાવાળાઓએ શહેરનાં માતાજીનાં મંદિરોનો પ્રવાસ કરાવતી ધાર્મિક વર્ધી બસની અમલવારી કરી હતી. માઈ ભક્તોઅને લાલ દરવાજા, મણિનગર, સારંગપુર, વાડજ-એમ કુલ ચાર મહત્ત્વનાં ટર્મિનસથી બસ ઉપલબ્ધ થઈ રહી છે.

જાેકે પહેલા નોરતે એક પણ ટર્મિનસ પરથી એક પણ બસ બુક થઈ નહોતી. એએમટીએસના ચેરમેન પટેલ વધુમાં કહે છે, નવરાત્રિનાં પાવન પર્વના આ દિવસોમાં અત્યાર સુધીમાં કુલ ૪૦ બસથી ૧૬૦૭ માઈ ભક્તોએ માતાજીનાં વિવિધ મંદિરોની મુલાકાત લેતાં તંત્રને કુલ રૂ.૯૬,૩૯૦ની આવક થઈ હતી.

માઈ ભક્તોને નવરંગપુરા ગામનું હિંગળાજ મંદિર, લાલ દરવાજાનું ભદ્રકાળી મંદિર, બહેરામપુરાનું મેલડી માતાનું મંદિર, ભુલાભાઈ પાર્કનું બહુચરાજી મંદિર, રખિયાલ પમ્પિંગ સ્ટેશનનું હરસિદ્ધ માતા મંદિર, નિકોલનું ખોડિયાર મંદિર, નરોડા ગામનું પદ્માવતી મંદિર,

ચામુંડા બ્રિજ નીચેનું ચામુંડા મંદિર, અસારવા ચકલામાં માતર ભવાની વાવ, દુધેશ્વરમાં મહાકાળી મંદિર, સુઘડનું આઈમાતાનું મંદિર, એસજી હાઈવે પરનું વૈષ્ણોદેવી મંદિર અને જાસપુર રોડનાં ઉમિયા માતા મંદિરનાં દર્શન થાય છે. હજુ ત્રણ દિવસ આ યોજનાનો લાભ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.