Western Times News

Gujarati News

કોલકાતાને હરાવી ચેન્નઈ ચોથી વખત ચેમ્પિયન બન્યું

દુબઈ, ઓપનર ફાફ ડુપ્લેસિસની તોફાની અડધી સદી બાદ શાર્દૂલ ઠાકુર અને રવીન્દ્ર જાડેજાની ઘાતક બોલિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-૨૦૨૧નું ટાઈટલ પોતાના નામે કર્યું છે. ચેન્નઈ આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચોથી વખત ચેમ્પિયન બન્યું છે.

શુક્રવારે દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ચેન્નઈએ બેટિંગ અને બોલિંગમાં ધમાકેદાર પ્રદર્શન કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ ૨૭ રને વિજય નોંધાવ્યો હતો. અગાઉ ધોનીસેના ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૮માં પણ ચેમ્પિયન બની હતી. સૌથી વધુ આઈપીએલ ટાઈટલ જીતવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના નામે છે. રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈ ટીમ પાંચ વખત ચેમ્પિયન બની છે.

જ્યારે ત્રીજી વખત ફાઈનલમાં પહોંચેલી કોલકાતા ટીમ પ્રથમ વખત રનર-અપ બની છે. અગાઉ કોલકાતાની ટીમ ૨૦૧૨ અને ૨૦૧૪માં ફાઈનલમાં પહોંચી હતી બંને વખત તે ચેમ્પિયન રહી હતી. કોલકાતાએ ટોસ જીતીને ચેન્નઈને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

ઓપનર ફાફ ડુપ્લેસિસ સહિતના બેટ્‌સમેનોએ ધમાકેદાર અંદાજમાં બેટિંગ કરી હતી. જેના કારણે ચેન્નઈએ નિર્ધારીત ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૧૯૨ રનનો મોટો સ્કોર ખડક્યો હતો. ડુપ્લેસિસે ૮૬ રનના લાજવાબ ઈનિંગ્સ રમી હતી. ૧૯૩ રનના કપરા લક્ષ્યાંક સામે કોલકાતાની ટીમે સારી શરૂઆત કરી હતી.

પરંતુ બાદમાં શાર્દૂલ ઠાકુર અને જાડેજાની ઘાતક બોલિંગ સામે તેના કોલાકાતાના બેટ્‌સમેનો લાચાર થઈ ગયા હતા. કોલકાતાની ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૬૫ રન નોંધાવી શકી હતી. શાર્દૂલ ઠાકુરે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. ૧૯૩ રનના કપરા લક્ષ્યાંકને પાર પાડવા ઉતરેલી કોલકાતા ટીમને શુભમન ગિલ અને વેંકટેશ ઐય્યરની ઓપનિંગ જાેડીએ ધમાકેદાર શરૂઆત અપાવી હતી.

આ જાેડીએ ૧૦.૪ ઓવરમાં ૯૧ રનની ભાગીદારી નોંધાવી હતી. બંનેએ અડધી સદી પૂરી કરી હતી. જાેકે, અડધી સદી નોંધાવ્યા બાદ બંને બેટ્‌સમેન વધારે સમય ટકી શક્યા ન હતા.

ઐય્યર ૩૨ બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી ૫૦ રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે ગિલે ૪૩ બોલમાં ૫૧ રનની ઈનિંગ્સ રમી હતી જેમાં છ ચોગ્ગા સામેલ હતી. શુભમન ગિલ અને વેંકટેશ ઐય્યરની ઓપનિંગ જાેડીએ કોલકાતાને આક્રમક શરૂઆત અપાવી હતી ત્યારે ધોનીસેના દબાણમાં આવી ગઈ હતી. જાેકે, શાર્દૂલ ઠાકુરે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપીને કોલકાતાને બેકફૂટ પર મોકલી દીધું હતું. શાર્દૂલે પહેલા તો ઓવરના ચોથા બોલ પર ઈનફોર્મ બેટ્‌સમેન વેંકટેશ ઐય્યરને આઉટ કર્યો હતો.

 

ત્યારબાદ તેણે ઓવરના અંતિમ બોલ પર નિતિશ રાણાને પેવેલિયન ભેગો કર્યો હતો. રાણા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ત્યારપછીની ઓવરમાં જાેસ હેઝલવૂડે સુનીલ નરૈનને આઉટ કરીને ટીમને વધુ એક સફળતા અપાવી હતી. ત્યારપછી શાર્દૂલે રાહુલ ત્રિપાઠીને અંગત ૨ રન પર આઉટ કર્યો હતો. શાર્દૂલ ઠાકુરે એક ઓવરમાં બે વિકેટ ઝડપીને કોલકાતાને બેકફૂટ પર મૂકી દીધી હતી તો બાદમાં રવીન્દ્ર જાડેજાએ પણ તેણે કરેલી ૧૫મી ઓવરમાં બે બોલમાં બે વિકેટ ઝડપીને કોલકાતાની ટ્રોફી જીતવાની આશા પર પાણી ફેરવી દીધું હતું.

જાડેજાએ ઓવરના પાંચમાં બોલ પર દિનેશ કાર્તિકને આઉટ કર્યો હતો અને બાદમાં સાકિબ અલ હસનને પેવેલિયન ભેગો કરી દીધો હતો. કાર્દિતે નવ રન નોંધાવ્યા હતા જ્યારે સાકિબ તો ખાતું પણ ખોલી શક્યો ન હતો. ચેન્નઈ માટે શાર્દૂલ ઠાકુરે ત્રણ, રવીન્દ્ર જાડેજા અને જાેશ હેઝલવૂડે બે-બે તથા દીપક ચહરે એક વિકેટ ઝડપી હતી. અગાઉ પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ ચેન્નઈ માટે ઈનફોર્મ બેટ્‌સમેન ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુપ્લેસિસની જાેડી ઓપનિંગમાં આવી હતી.

વર્તમાન સિઝનમાં ધમાકેદાર પ્રદર્શન કરનારા ઋતુરાજ ગાયકવાડે ડુપ્લેસિસ સાથે મળીને ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. આ જાેડીએ પ્રથમ વિકેટ માટે ૮.૧ ઓવરમાં ૬૧ રનની ભાગીદારી નોંધાવી હતી. અંતે સુનીલ નરૈને ગાયકવાડને આઉટ કરીને આ જાેડી તોડવામાં સફળતા મેળવી હતી. ગાયકવાડે ૨૭ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સાથે ૩૨ રનની ઈનિંગ્સ રમી હતી.

ગાયકવાડ આઉટ થયા બાદ ડુપ્લેસિસનો સાથ આપવા માટે રોબિન ઉથપ્પા બેટિંગમાં આવ્યો હતો. આ જાેડીએ અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી. જાેકે, ઉથપ્પાએ ફક્ત ૧૫ બોલ જ રમ્યા હતા પરંતુ તેમાં તેનો સ્ટ્રાઈક રેટ ૨૦૦થી ઉપરનો રહ્યો હતો. ડુપ્લેસિસ અને ઉથપ્પાએ ૬૩ રનની ભાગીદારી નોંધાવી હતી. ઉથપ્પા ૧૫ બોલમાં ત્રણ સિક્સર સાથે ૩૧ રનની ભાગીદારી નોંધાવી હતી.

ઉથપ્પા પણ નરૈનનો શિકાર બન્યો હતો. ચેન્નઈની ઈનિંગ્સનું મુખ્ય આકર્ષણ ઓપનર ફાફ ડુપ્લેસિસની તોફાની બેટિંગ રહ્યું હતું. ગાયકવાડ અને ઉથપ્પા જ્યારે આક્રમક રમી રહ્યા હતા ત્યારે ડુપ્લેસિસે તેમને યોગ્ય સાથ આપ્યો હતો. પરંતુ આ બંને બેટ્‌સમેનો પેવેલિયન ભેગા થયા ત્યારબાદ તે તોફાની અંદાજમાં આવી ગયો હતો.

તેણે કોલકાતાના બોલર્સને ચોમેર ફટકાર્યા હતા. સામે છેડે તેને મોઈન અલીનો યોગ્ય સાથે મળ્યો હતો અને તેણે પણ આક્રમક બેટિંગ કરી હતી. ડુપ્લેસિસ ૫૯ બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ સિક્સર સાથે ૮૬ રન ફટકારીને ઈનિંગ્સના અંતિમ બોલ પર આઉટ થયો હતો. જ્યારે મોઈન અલી ૨૦ બોલમાં બે ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી ૩૭ રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. ડુપ્લેસિસ અને મોઈને ૬૮ રનની ભાગીદારી નોંધાવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.