Western Times News

Gujarati News

રાજય સરકારો ટેક્ષ ઘટાડતી નથી: કેન્દ્ર સરકારની તીજાેરી છલકાઈ રહી છે પણ નાગરિકો મોંઘવારીના ખપ્પરમાં પીસાઈ રહયા છે

પ્રતિકાત્મક

પેટ્રોલ- ડીઝલના ભાવ વધતા તમામ ચીજાે મોંઘી થઈ

કેન્દ્રમાં સતત બીજી વખત એનડીએની સરકાર સ્પષ્ટ બહુમતી સાથે રચાઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક સાહસીક નિર્ણયો લઈને સૌ કોઈને ચોંકાવી દીધા છે લોકપ્રિયતામાં ભારતના રાજકારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોચ પર છે તેમનો વિકલ્પ શોધવા માટે વિપક્ષો દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહયા છે.

પરંતુ તેમાં સફળતા નહી મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુને વધુ મજબુત બની રહયા છે પરંતુ બીજી ટર્મમાં મોંઘવારીને લઈ કેન્દ્ર સરકાર પર વિપક્ષો આકરા પ્રહાર કરવા લાગ્યા છે એટલું જ નહી પરંતુ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પણ ખુલીને સરકારની વિરૂધ્ધમાં બહાર આવી વિરોધ કરવા લાગતા રાજકીય નિષ્ણાંતો ચોંકી ઉઠયા છે

મોટાભાગના લોકોનું માનવું છે કે પેટ્રોલ-ડીઝલમાંથી કેન્દ્ર સરકારને થતી મબલખ આવક આખરે નાગરીકોની સુખાકારી પાછળ જ વાપરવામાં આવશે. પરંતુ વર્તમાન સ્થિતિમાં જાેઈએ તો પેટ્રોલ-ડીઝલના ભાવો વધતા પરિવહન મોંઘુ થયું છે પરિણામ સ્વરૂપે તમામ ચીજાેવસ્તુઓના ભાવો વધવા લાગ્યા છે.

એકબાજુ કુદરત રૂઠતા અતિભારે વરસાદના પગલે કૃષિને વ્યાપક નુકશાન થતાં શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે. આ ઉપરાંત અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવો પણ પરિવહન મોંઘુ થતાં વધવા લાગ્યા છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે સાથે સાથે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે શાકભાજી ખાવા દોહ્યલા બની રહયા છે.

ખાદ્ય તેલ શાકભાજી, દુધ, સહિતની ચીજવસ્તુઓ મોંઘી થતાં આજે ભારતનો નાગરિક ખુબ જ વ્યથિત બની ગયો છે. દેશભરમાં વધી રહેલી મોંઘવારી માટે કોને જવાબદાર ગણવા તે પ્રશ્ર ચર્ચાઈ રહયો છે. આજે દેશમાં રોજેરોજ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થઈ રહયો છે પરંતુ સરકાર દ્વારા આ અંગે કોઈ જ નિવેદન કરવામાં આવતું નથી.

એટલું જ નહીં પરંતુ રાજસ્થાન સહિતના રાજયોમાં કોંગ્રેસની સરકાર છે આ કોંગ્રેસની સરકારો પણ પેટ્રોલ-ડીઝલ પર ટેક્ષ ઘટાડવાનો સ્પષ્ટ ઈન્કાર કરી રહી છે તેથી એક બાબત સ્પષ્ટ છે કે રાજય સરકારો અને કેન્દ્ર સરકારને પેટ્રોલ-ડીઝલમાંથી થતી આવકથી પોતાની તિજાેરીઓ ભરવામાં રસ છે

ત્યારે સામે નાગરિકોની તીજાેરીઓ ભલે ખાલી થતી હોય તેની કોઈને ચિંતા નથી. પેટ્રોલ-ડીઝલના ભાવો વધી રહયા છે તેમ છતાં લોકો માટે ખુબજ આવશ્યક હોવાથી તેના વપરાશમાં કોઈ જ ઘટાડો થતો નથી તેથી સરકાર પણ ભાવ ઘટાડવા માટે કવાયત કરતી નથી તેવુ ચિત્ર ઉપસી રહયું છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી વધુ નોંધાઈ રહયા છે અને રોજે રોજ તેનો રેકોર્ડ તૂટી રહયો છે આ પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો અસહાય બનવા લાગ્યા છે આજે દેશમાં અમીરો વધુને વધુ અમીર બની રહયા છે જયારે ગરીબો વધુ ને વધુ ગરીબ બની રહયા છે તેવુ ચિત્ર જાેવા મળી રહયું છે. હાલની પરિસ્થીતિ ચાલુ રહી તો આગામી દિવસો નાગરિકો માટે ખુબ જ દોજખ પુરવાર થશે તેવુ સ્પષ્ટ લાગી રહયું છે એટલું જ નહી પરંતુ એનડીએ સરકારે પણ આ મુદ્દે વિચારવું પડશે.

નોટબંધી અને જીએસટીને કારણે દેશમાં શરૂ થયેલો મંદીનો માહોલની કળ હજુ લોકોને વળી નથી ત્યાં ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલ અને હવે સીએનજી તેમજ પીએનજીના ભાવમાં કરવામાં આવી રહેલા વધારાએ લોકોની કમર તોડી નાંખી છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સમયાંતરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે

અને દેશના અનેક રાજયોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયો છે. જયારે ડિઝલનો ભાવ પણ ખૂબ ઝડપથી ૧૦૦ રૂપિયાને પાર થઈ જાય તેવી સંભાવના જાેવાઈ રહી છે. બુધવારે તા.૬ઠ્ઠી ઓકટોબર, ર૦ર૧ના રોજ સરકારી તેલ કંપનીઓ દ્વારા ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ર૬ થી ૩૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો

અને તેને કારણે દિલ્હીમાં જ પેટ્રોલનો ભાવ ૧૦ર.૯૪ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૯.૧૭ રૂપિયા પર પહોંચી ગયો હતો. જયારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૧૦૮.૯૬ રૂપિયા અને ડિઝલનો ભાવ રૂ.૯૯.૧૭ રૂપિયા થઈ ગયો હતો. કોલકાતામાં પણ પેટ્રોલનો ભાવ લિટરે રૂા.૧૦૩.૬પ રૂપિયા અને ડિઝલનો ભાવ રૂા.૯૪.૮૩ રૂપિયા નોંધાયો હતો.

ચેન્નાઈમાં પણ પેટ્રોલનો ભાવ રૂપિયા ૧૦૦ને પાર કરીને ૧૦૦.૪૯ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯પ.૯૩ રૂપિયા થઈ ગયો છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા સતત ભાવવધારો કરતા રહેવાને કારણે હાલમાં જ મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિસા, જમ્મુ-કાશ્મીર તેમજ લદ્દાખલમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર કરી ગયો છે.

જે લોકો વાહનો ધરાવે છે તે એવું વિચારતા હતા કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે તો સીએનજી આધારીત વાહનો ચલાવીશું પરંતુ હવે કંપનીઓ દ્વારા સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સીેએનજી અને પીએનજીમાં સરકારે પહેલા ર રૂપિયા વધાર્યા હતા અને હવે સીધો ૩.૬૬ રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. સરવાળે થોડા જ સમયમાં સીએનજીમાં પાંચ કરતાં પણ વધુ રૂપિયાનો વધારો થઈ જવા પામ્યો છે. જે સીએનજીનો ભાવ અગાઉ પ૪.૪પ રૂપિયા પ્રતિ કિલો હતો તેનો ભાવ હવે પ૮.૧૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

પેટ્રોલ અને ડિઝલે ગરીબ, મધ્યમવર્ગ, ઉચ્ચ મધ્યમવર્ગનું બજેટ ખોવી જ નાખ્યું છે ત્યાં હવે સીએનજી અને પીએનજીના વધેલા ભાવોએ લોકો માટે પડતા પર પાટુ મારવા જેવો ઘાટ કર્યો છે. સરકાર દ્વારા એવો ખુલાસો કરવામાં આવી રહ્યો છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડિઝલના ભાવ સાત વર્ષમાં સૌથી વધુ છે. જેને કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવો વધી રહ્યા છે. દેશમાં ર૬ રાજયોમાં પેટ્રોલની કિંમતનો આંક ૧૦૦ને પાર થયો છે. છ રાજયોમાં ડિઝલનો આંક ૧૦૦ રૂપિયા પ્રતિ લિટર પાર થયો છે.

જાેકે, હકીકત એ છે કે, ક્રૂડ ઓઈલના ભાવો વધે છે ત્યારે સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવો વધારવામાં આવે છે પરંતુ જયારે ક્રૂડ ઓઈલના ભાવો ઘટે છે ત્યારે સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવો ઘટાડવામાં આવતા નથી. ઉપરથી એકસાઈઝ ડ્યૂટી વધારીને ક્રુડ ઓઈલના ઘટેલા ભાવોનો લાભ લોકોને આપવામાં આવતો નથી.

પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવને કારણે દેશના લોકોમાં ભારે રોષની લાગણી ઉભી થઈ રહી છે. ડિઝલના ભાવ વધારાને કારણે દેશમાં મોટાભાગની વસ્તુઓના ભાવ વધી જાય છે. કારણ કે કાર્ટિંગ મોંઘુ થઈ જાય છે.

આ સંજાેગોમાં લોકોએ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો બેવડો માર સહન કરવાનો આવે છે. પેટ્રોલ અને ડિઝલના ભાવોને સરકાર જીએસટી હેઠળ લાવવા માટે પણ વિચારતી નથી કારણ કે, સરકારને ડ્યુટીમાં જે કરોડો રૂપિયાની આવક થાય છે તે બંધ થઈ જાય તેમ છે.

સરકારે હવે સમજી લેવાની જરૂરીયાત છે કે, પેટ્રોલ-ડિઝલનો ભાવવધારો તેના જ સમર્થકોને પણ વિચારતા કરી રહ્યો છે. આ સંજાેગોમાં જાે કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને કંટ્રોલ નહીં કરે તો આગામી દિવસોમાં લોકોના રોષનો તેણે ભોગ બનવું પડશે તે નકકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.