Western Times News

Gujarati News

લીગલ સર્વિસ કેમ્પ યોજાતા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

(પ્રતિનિધિ) ભરૂચ, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ,નવી દિલ્હી અને ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ,ભરૂચ અને જંબુસર- આમોદ તાલુકા કાનુની સેવા સમિતિઓ અને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે ભરૂચ જિલ્લાના જંબુસરના સ્વામિનારાયણ મંદિર ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો હતો.
આ વેળાએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ-ભરૂચના સચિવ જે.ઝેડ.મહેતા, પ્રાંત અધિકારી એ.કે.કલસરીયા, પ્રિન્સીપાલ, સિનિયર સિવિલ જજ ડી.એસ.શ્રીવાસ્તવ, ડીવાયએસપી ગોહિલ સહિત અન્ય મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચના સચિવ જે.ઝેડ.મહેતાએ આ વેળાએ જણાવ્યું હતું કે ન્યાયિક સેવા એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે.નેશનલ લીગલ સર્વિસ,રાજય લીગલ સર્વિસ,જિલ્લા અને તાલુકા લીગલ સર્વિસ ઓથોરીટી દરેકને મફત-કાનુની ન્યાય-સહાય મળે તે માટે સતત કાર્યરત છે.તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આઝાદીની અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે યોજાયેલ લીગલ સર્વિસ કેમ્પના માધ્યમથી છેવાડાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના પ્રજાજનોને કેન્દ્ર – રાજય સરકારની યોજનાઓની જાણકારી મેળવી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
તેમણે મેગા લીગલ કેમ્પની સફળતા બદલ જિલ્લા વહીવટી તંત્ર- ભરૂચ અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પ્રારંભે પ્રિન્સીપાલ,સિનિયર સિવિલ જજ ડી.એસ.શ્રીવાસ્તવે સ્વાગત પ્રવચન કરતાં સરકાર અને લાભાર્થીઓ વચ્ચે સેતુરૂપ બનવાના ભાગરૂપે સરકારી યોજનાઓથી કોઇ લાભાર્થી વંચિત ન રહે તે માટે લીગલ સર્વિસ કેમ્પનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું.
તેમણે આજના આ કાર્યક્રમની રૂપરેખા પણ જણાવી હતી.આ પ્રસંગે જિલ્લા- તાલુકાની વિભિન્ન કચેરીઓના અધિકારીઓ દ્વારા સરકારની જુદી- જુદી યોજનાઓની માહિતી આપી સૌ કોઈ નાગરિકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ મેગા લીગલ સર્વિસ કેમ્પમાં ખેતીવાડી શાખા, જિલ્લા રોજગાર કચેરી, સમાજ કલ્યાણ વિભાગ,જિલ્લા આરોગ્ય વિભાગ,વન વિભાગ, બાગાયત વિભાગ,મામલતદાર કચેરી,જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાલુકા વિકાસ અધિકારી જેવી વિવિધ કચેરીઓના ર૪ (ચોવીસ) જેટલા સ્ટોલ લગાવી લાભાર્થીઓને માર્ગદર્શન આપી યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા.
મહાનુભાવો દ્વારા ભાગ લેનાર કચેરીના સ્ટોલ પર જાત નિરીક્ષણ કરી વ્યવસ્થામાં રોકાયેલ તંત્ર અને લાભાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે ભરૂચ જિલ્લાની વિવિધ શાળાની બાળાઓ ધ્વારા બેટી બચાવો- બેટી પઢાઓ,,ઇન્ડીયાવાલે સોંગ, વંદે માતરમ સોંગ અને વતન વતન આબાદ રહે..સોંગ વિગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા હતા.આ ઉપરાંત સ્વચ્છતા, પ્લાસ્ટિકનો  ઉપયોગ નિષેધ તથા નશા નાબુદી થીમ ઉપર નાટક રજુ થયું હતું.
આ કાર્યક્રમમાં આમોદના પ્રાંત અધિકારી નેહાબેન પંચાલ, જંબુસર-આમોદના મામલદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ સ્ટાફ,વિવિધ વિભાગોના અધિકારીગણ, ન્યાયિક અધિકારી-કર્મચારીઓ, સહિત લાભાર્થીઓ હાજર રહયા હતા.કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન થયું હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.