Western Times News

Gujarati News

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થશે

ગાંધીનગર, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કેવડિયામાં ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી થનાર છે. રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ કરવા અખંડ ભારતના શિલ્પીની જન્મજયંતીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો છે.

આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજયોની પોલીસની મોટર સાયકલ રેલી, માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેવડિયા ખાતે એકતા પરેડમાં ૬ પ્લાટૂન જાેડાશે. જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે ૫૪ ફ્લેગ બેરર બીએસએફ, સીઆઇએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને ગુજરાત પોલીસની પ્લાટૂન ભાગ લેશે. વર્ષ ૨૦૧૮ પછી જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે, એવા ૨૩ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પરેડમાં ભાગ લેશે.

દેશના જુદા જુદા રાજ્યોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાયકલ રેલી સ્વરૂપે કેવડીયા આવવા નીકળ્યા છે. પશ્ચિમ ભારતમાંથી અને બીઓપી રાયથનવાલા, બિકાનેર-રાજસ્થાનથી ૭૨૩ કિલોમીટરની સાઇકલ રેલી કરીને કેવડીયા આવી રહ્યા છે.

ઉત્તર દિશાથી આઈટીબીપી, લદાખના સશસ્ત્ર દળના જવાનો ૨૭૯૩ કિલોમીટર લાંબી સાયકલ રેલીથી કેવડીયા પહોંચી રહ્યા છે. પૂર્વ દિશામાં જીજીમ્, ભૂતાન બોર્ડર, જયગાવ, પશ્ચિમ બંગાળથી ૨૩૪૭ કિલોમીટર લાંબી સાયકલ રેલી દ્વારા કેન્દ્રીય સશસ્ત્ર દળના જવાનો કેવડીયા પહોંચી રહ્યા છે. જ્યારે મધ્ય ભારતના સીઆરપીએફ ગઢચિરોલી, મહારાષ્ટ્રના જવાનો ૮૬૩ કિલોમીટરની સાયકલ યાત્રા કરીને કેવડીયા પહોંચી રહ્યા છે. આ તમામ સાયકલ રેલી ૨૬મી ઓક્ટોબર સુધીમાં કેવડીયા પહોંચશે અને આ તમામ જવાનો પણ એકતા પરેડમાં ભાગ લેશે.

ભારતની ચૌદિશામાંથી પોલીસની ચાર મોટરસાયકલ રેલી પણ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સાનિધ્યમાં પહોંચી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, તમિલનાડુ પોલીસ, ત્રિપુરા પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા મોટર સાયકલ રેલી શરૂ કરાઇ છે, જે કેવડીયા પહોંચશે અને રેલીના પોલીસ જવાનો પણ એકતા પરેડમાં ભાગ લેશે. ઉત્તર દિશામાં જમ્મુ-કાશ્મીરથી પોલીસની મોટર સાયકલ રેલી ઉરીથી શરૂ થઇ છે, જે ૨૫૩૬ કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા પહોંચશે.

પૂર્વ દિશામાંથી ત્રિપુરા પોલીસની મોટર સાયકલ રેલી સબરૂમથી શરૂ થઈ છે, જે ૩૧૧૮ કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા પહોંચશે. દક્ષિણથી તમિલનાડુ પોલીસની મોટર સાયકલ રેલી કન્યાકુમારીથી નીકળી છે, જે ૨૦૮૫ કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા પહોંચશે અને દેશના પશ્ચિમ ભાગમાં ગુજરાત પોલીસની મોટરસાઇકલ રેલી કચ્છના લખપતથી નીકળી છે, જે ૧૧૭૦ કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા પહોંચશે.

રાષ્ટ્રીય એકતા પરેડ પછી વુસુ માર્શલ આર્ટનું પણ આયોજન કરાયું છે અને આઇટીબીઁના કોમ્બેટ વ્હીકલના ખોલના અને જાેડનાનું પણ આયોજન કરાશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રાજ્યની સ્કૂલોમાં કાર્યરત બેન્ડની ૩૬ ટીમો વચ્ચે ઇન્ટરસ્કૂલ સ્પર્ધા યોજાઇ હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.