Western Times News

Gujarati News

ભારતમાંથી મળ્યો બ્રિટનમાં તબાહી મચાવનારો નવો કોવિડ વેરિએન્ટ

નવી દિલ્હી, ભારતમાં ઘટી રહેલા કોરોના સંક્રમણના કેસ વચ્ચે એક ચિંતાજનક વાત સામે આવી છે. બ્રિટન અને યુરોપના અનેક દેશોમાં તબાહી મચાવનારો કોવિડનો નવો વેરિએન્ટ Delta Plus – AY.4.2 હવે ભારતમાં પણ સામે આવ્યો છે. આ વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ વધારે સંક્રામક છે.

સીએસઆઈઆર ઈન્સ્ટિટ્યુટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજીના ડાયરેક્ટર ડોક્ટર અનુરાગ અગ્રવાલે જણાવ્યું કે, હાલ Delta Plus – AY.4.2ના ડેટા ફક્ત યુકેથી આવ્યા છે અને ભારતમાં પણ તેના કેટલાક કેસ સામે આવ્યા છે. વૈજ્ઞાનિકો તેના પર નજર રાખી રહ્યા છે.

શું નવો વેરિએન્ટ કોવિડ વેક્સિન દ્વારા બનેલી ઈમ્યુનિટીને નબળી પાડી રહ્યો છે તે અંગે હજુ કોઈ જ પુરાવા નથી મળ્યા. આ સાથે જ હજુ એ અંગેના પણ ખૂબ જ ઓછા પુરાવા મળ્યા છે કે, સંક્રમણથી થતી બીમારી અને મૃત્યુ પણ આ નવા મ્યુટેશન સાથે સંકળાયેલા છે.

INSACOGના એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે, જલ્દી જ આ વેરિએન્ટના કેસની ઘોષણા કરવામાં આવશે. INSACOG કોરોનાની જીનોમિક સિક્વન્સ પર કામ કરનારી લેબ્સનો એક સંઘ છે. INSACOGના અહેવાલ પ્રમાણે 11મી ઓક્ટોબર સુધીમાં ભારતમાં AY વેરિએન્ટના 4 હજાર 737 કેસ સામે આવી ચુક્યા છે.

AY.4.2 વેરિએન્ટના કારણે બ્રિટનમાં ફરી એક વખત સંક્રમણ વધી ગયું છે. યુકેના વૈજ્ઞાનિકોએ તેને વેરિએન્ટ અંડર ઈન્વેસ્ટિગેશન તરીકે ક્લાસિફાઈ કર્યો છે. યુકેના સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવા પ્રમાણે AY.4.2નો ગ્રોથ રેટ ડેલ્ટાની સરખામણીએ 17 ટકા વધારે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.