Western Times News

Gujarati News

ચીન સાથેના તણાવ વચ્ચે LACની દેખરેખ 8000 જવાન રાખશે

ગ્રેટર નોએડા. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું છે કે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખાની સુરક્ષાની જવાબદારી સંભાળનારી ભારત-તિબેટ બોર્ડર પોલિસ માટે નવી બટાલિયનોને મંજૂરી આપવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે અને સરકાર દરેક સુરક્ષા દળને પરિવહન તેમજ લોજિસ્ટિક્સ સપોર્ટ પૂરો પાડવા માટે દ્રઢ સંકલ્પિત છે. કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે રવિવારે આઈટીબીપીના 60મા સ્થાપના દિવસ કાર્યક્રમના પ્રસંગે પોતાના સંબોધનમાં આ વાત કહી.

તેમણે કહ્યું કે સરકારે ગયા વર્ષે આઈટીબીપી માટે 47 નવી સીમા ચોકીઓ અને એક ડઝન કેમ્પ (બોર્ડર પેટ્રોલિંગ સૈનિકો માટે ઓપરેશનલ બેઝ)ને મંજૂરી આપી દીધી છે. રાયના જણાવ્યા મુજબ, ‘આઈટીબીપી માટે નવા માનવ સંસાધન અને બટાલિયન ઉપલબ્ધ કરાવવા માટે વિચાર-વિમર્શ અંતિમ ચરણમાં છે.’

અધિકારીઓ મુજબ, ‘આઈટીબીપીને પોતાની નવી બોર્ડર ચોકીઓ માટે લગભગ 8,000 જવાનોની સાત નવી બટાલિયનોની મંજૂરી મળવાની આશા છે. આ નવી બટાલિયન મુખ્યત્વે ભારતના પૂર્વીય ભાગમાં વાસ્તવિક નિયંત્રણ રેખાના અરુણાચલ પ્રદેશના સેક્ટરમાં તૈનાત કરવામાં આવશે.’

આઈટીબીપીની નવી બટાલિયનો અને પૂર્વોત્તરમાં એક સેક્ટર મુખ્યાલયને મંજૂરી આપવાનો પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે બે વર્ષથી વધુ સમયથી વિચારાધીન છે. પરંતુ ગયા વર્ષે નવી સીમા ચોકીઓ અને કેમ્પની સ્વીકૃતિ સાથે જ આ પ્રસ્તાવને પણ જલ્દી મંજૂરી મળવાની આશા છે. આઈટીબીપીની એક બટાલિયનમાં લગભગ એક હજાર જવાનો હોય છે.

રાયે ગયા વર્ષે મે-જૂનમાં પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન સાથે થયેલી હિંસક અથડામણ અને બંને દેશો વચ્ચે જારી સૈન્ય ગતિરોધ દરમ્યાન અસાધારણ વીરતા અને અદમ્ય સાહસનો પરિચય આપતા દુશ્મનને કરારો જવાબ આપવા માટે આઈટીબીપીની પ્રશંસા પણ કરી.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ રવિવારે આઈટીબીપીના 60મા સ્થાપના દિવસ સમારોહના પ્રસંગે ચીન સાથે થયેલી હિંસક અથડામણ દરમ્યાન અસાધારણ વીરતા અને અદમ્ય સાહસનો પરિચય આપનારા આઈટીબીપીના 20 જવાનોની વર્દી પર પદક લગાવીને તેમને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા. આ પોલિસ પદકોની ઘોષણા આ વર્ષે 14 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ કરી હતી.

રાયે કહ્યું કે, હિમાલય પર્વતમાળામાં આઈટીબીપી દ્વારા કરવામાં આવેલા ‘ઓપરેશન સ્નો લેપર્ડ’એ એક મોટો સંદેશ આપ્યો કે ભારત પોતાના સાર્વભૌમત્વ અને સુરક્ષા સાથે ક્યારેય સમજૂતી નહીં કરે.

તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી આગેવાનીની સરકાર ભારતની આંતરરાષ્ટ્રીય સીમાઓ પર ઘૂસણખોરીની આશંકા વાળા ક્ષેત્રોમાં જવાનોને તૈનાત કરવા માટે કામ કરી રહી છે અને સુરક્ષા દળોની ક્ષમતા વધારવા માટે તથા તેમને હથિયારો તેમજ નવીનતમ ટેક્નોલોજીથી સજ્જ કરવાનો પ્રયત્ન કરી રહી છે.

આ પ્રસંગે આઈટીબીપીના ડિરેક્ટર જનરલ સંજય અરોરાએ પણ ગયા વર્ષે લદ્દાખ ક્ષેત્રમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી સાથેની અથડામણ દરમ્યાન વીરતાપૂર્ણ કામગીરી કરવા બદલ પોતાના જવાનોની પ્રશંસા કરી.

ઉલ્લેખનીય છે કે, પૂર્વીય લદ્દાખમાં ચીની સૈનિકો સાથે થયેલી અથડામણમાં સેનાના 20 જવાન શહીદ થયા હતા. ચીનના જણાવ્યા મુજબ તેના પાંચ જવાનો માર્યા ગયા હતા. ભારતીય રક્ષા અને સુરક્ષા સૂત્રોનું માનવું છે કે મરનારાની સંખ્યા ચીન દ્વારા આધિકારિક રીતે કરવામાં આવેલા દાવા કરતાં ઘણી વધારે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.