Western Times News

Gujarati News

જીતના ઉન્માદમાં હવામાં ગોળીબારથી ૧૨ ઘાયલ

કરાંચી, ટી૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાને ૧૦ વિકેટથી ભારત સામે ઐતિહાસિક જીત મેળવી હતી. ૨૯ વર્ષ બાદ વર્લ્ડકપમાં પાકિસ્તાને ભારત સામે જીત હાંસલ કરી હતી. ભારત સામે મળેલી આ જીતથી પાકિસ્તાનીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. અને જીત બાદ હજારોની સંખ્યામાં પાકિસ્તાનીઓ જીતનો જશ્ન મનાવવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.

ઈસ્લામાબાદ, કરાચી, રાવલપિંડી સહિતનાં અનેક શહેરોમાં જીતના ઉન્માદમાં આવેલાં પાકિસ્તાનીઓએ રસ્તા પર ઉતરી હવામાં ગોળીબાર કર્યો હતો. હવામાં કરાયેલ આ ગોળીબારમાં અનેક લોકોને ગોળી વાગી હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. એકલાં કરાચી શહેરમાં જ ૧૨ લોકોને ગોળી વાગતાં ઈજાઓ પહોંચી હતી.

ભારત સામેની જીત બાદ કરાચીના રસ્તાઓ પર ભારે ભીડ ઉમટી પડી હતી. કરાચીના ઓરંગી ટાઉન, ન્યૂ કરાચી સહિતના વિસ્તારોમાં લોકોએ રસ્તા પર ડાન્સ કરી અને આતશબાજી કરી જીતનો જશ્ન મનાવ્યો હતો. એટલું જ નહીં, ભાન ભૂલેલાં પાકિસ્તાનીઓએ હવામાં ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ પોલીસ દ્વારા ફાયરિંગ કરનાર તત્વોને ઝડપી લેવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

કરાચી પોલીસના જણાવ્યા અનુાર રવિવારની રાત્રે જીતનો જશ્ન મનાવતાં શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કરાચીના ઓરંગી ટાઉન સેક્ટર-૪ અને ૪કે ચૌરાંગીમાં અસામાજિક તત્વોએ ગોળીબાર કરતાં બે લોકોને ગોળી વાગી હતી. આ ઉપરાંત ફાયરિંગમાં કરાચી પોલીસના એક સબ-ઈન્સ્પેક્ટર સહિત ૧૨ લોકો ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયા હતા. કરાચીના ગુલશન-એ-ઈકબાલમાં ફાયરિંગ કરનાર લોકો સામે ચલાવવામાં આવેલ ઓપરેશનમાં એક ઈન્સ્પેક્ટરને ગોળી વાગી હતી.

પાકિસ્તાનની જીત બાદ ન માત્ર સામાન્ય નાગરિકો પણ વડાપ્રધાન ઈમરાન ખાન અને સેના પ્રમુખ બાજવાએ પણ ખુશી વ્યક્ત કરતાં પાકિસ્તાનની ટીમને શુભકામનાઓ પાઠવી હતી. ઈમરાન ખાને ટ્‌વીટ કરીને લખ્યું કે, પાકિસ્તાનની ટીમને શુભકામના, ખાસ કરીને બાબર આઝમને પૂરી હિંમત સાથે ટીમનું નેતૃત્વ કર્યું અને રિઝવાન અને શાહીન આફ્રિદી, જેઓએ શાનદાર પ્રદર્શન કર્યું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.