Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષે ૧૬૦૦ કિ.મી.રસ્તાનું ખોદકામ

હયાત પૈકી માત્ર ૨૫ ટકા રોડની જવાબદારી કોન્ટ્રાક્ટરોના શિરેઃ રોડ એન્ડ બિલ્ડિંગ કમીટી ચેરમેને સ્વયં ઘાટલોડિયા બ્રીજની કિંમતમાં ઘટાડો જાહેર કર્યાે

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં નવા રોડ બનાવવા અને તૂટવા તે નિરંતર પ્રક્રિયા બની ગઈ છે. ચોમાસાની સીઝનમાં વરસાદી એકાદ-બે ઝાપટામાં જ રોડ પરના મેકઅપ ઉતરી જાય છે. તથા ટેક્ષ ભરપાઈ કર્યા બાદ પણ નાગરીકોના નસીબમાં “ડીસ્કો” રોડ જ આવે છે. જાે કે, મ્યુનિ.શાસકો આ બાબતનાં સ્વીકાર કરતા નથી.

તથા વરસો અગાઉ ચાલતી “નવા રોડ બનાવવા અને ખોદવા”ની પ્રણાલિને દોષ આપી રહ્યા છે. જાે કે નવા રોડ બનાવતા પહેલાં યોગ્ય આયોજન કરવાની દીર્ધદૃષ્ટિનો અભાવ સુધી વહીવટીતંત્ર અને સત્તાધારી પાર્ટીમાં સ્પષ્ટ મળી રહ્યો છે.

ચોંકાવનારી બાબત એ છે કે શહેરના કુલ રોડની લંબાઈ પૈકી માત્ર ૨૫ ટકા રોજમાં જ કોન્ટ્રાક્ટરોની જવાબદારી આવે છે બાકી તૂટેલા રોડ પ્રજાના પરસેવાની કમાણીમાંથી રીપેર થશે. જ્યારે કમીટી ચેરમેને તેમની જાતે જ ચાંદલોડિયા બ્રીજની કિંમતમાં બિલ્ડરના લાભાર્થે ઘટાડો કર્યાે હોવાની ચર્ચા ચાલી રહી છે.

મ્યુનિ.રોડ એન્ડ બિલ્ડિંગ કમીટી ચેરમેન મહાદેવભાઈ દેસાઈના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં કુલ ૨૫૫૮ કિલોમીટરના કુલ રોડ છે. જેની સામે દર વરસે ૧૮૦૦થી ૨૦૦૦ કિલોમીટરના રોડ પર અલગ-અલગ પ્રકારના ખોદકામ કરવામાં આવે છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા પાણી-ડ્રેનેજના નેટવર્ક માટે પ્રતિવર્ષ ૩૦૦ કિલોમીટર રોડ ખોદવામાં આવે છે.

મનપા દ્વારા એક ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન તૈયાર કરવામાં આવે ત્યારે અંદાજે ૨૫૦ કિલોમીટરના નેટવર્ક નાંખવા માટે રોડ ખોદકામ થાય છે. જ્યારે પાણી લીકેજ, પાણીના નવા જાેડાણ, કેચપીટ કે મશીન હોલ માટે દર વરસે ૨૦૦ કિલોમીટરના રોડ તોડવામાં આવી રહ્યા છે.

આમ, શહેરનાં હયાત રોડ પૈકી ૭૦ ટકા કરતા વધુ રોડના ખોદકામ વર્ષ દરમ્યાન થાય છે. તેથી વરસાદના કારણે જ રોડ તૂટી રહ્યા છે તેમ માની શકાય નહીં. શહેરમાં પ્રતિ વર્ષ ૨૨૫ કિલોમીટરના રોડ રીસરફેસ થાય છે. તે ગણતરી મુજબ હયાત ૨૫૮૦ કિલોમીટરના રોડ પૈકી ૬૭૫ કિલોમીટરના રોડ ડી-ફેક્ટ લાયબીલીટી હેઠળ આવે છે.

બાકી ૧૯૦૫ કિલોમીટરના રોડ-રસ્તા રીપેર કરવાની જવાબદારી મનપાના શિરે રહે છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે નવા રોડ-રસ્તા બનાવવા તેમજ તૂટેલા રોડ રીપેર કરવા માટે દર વરસે કરોડો રૂપિયા ખર્ચ થાય છે.

નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં સાત ઝોનમાં રીસરફેસ માટે રૂા.૪૫.૯૩ કરોડ, ૨૦૧૯-૨૦માં રૂા.૬૪.૨૮ કરોડ તેમજ ૨૦૨૦-૨૧માં રૂા.૨૦.૦૨ કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. જ્યારે ૨૦૨૧-૨૨માં રૂા.૯૩.૩૬ કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો છે. તેવી જ રીતે રોડ બનાવવા માટે ૨૦૧૮-૧૯માં રૂા.૨૪.૬૧ કરોડ તથા ૨૦૧૯-૨૦માં ૩૪.૭૬ કરોડનો ખર્ચ થયો છે.

રોડ પરમીટ હેઠળ રોડ બનાવવા માટે ૨૦૧૮-૧૯માં રૂા.૨૫.૨૩ કરોડ, ૨૦૧૯-૨૦માં રૂા.૩.૨૦ કરોડ તથા ૨૦૨૦-૨૧માં રૂા.૫૫.૭૮ કરોડનો ખર્ચ થયો છે. આમ, દર વરસે સરેરાશ રૂા.૧૦૦ કરોડ કરતા વધુ રકમ માત્ર રોડ રીસરફેસ માટે ખર્ચ થઈ રહી છે. તેમ છતાં નવા રોડ બનાવતાપહેલાં અંડરગ્રાઉન્ડ યુટીલીટીના કામ પૂરા થાય તે માટે શાસકો અને વહીવટી તંત્ર દ્વારા તસ્દી લેવામાં આવતી નથી. તેમજ હયાત રોડ પૈકી ૭૦ ટકા રોડના ખોદકામ વિવિધ કારણોસર થઈ રહ્યા છે.

કમીટી બેઠકમાં અધિકારીઓ દ્વારા દર વરસે ૨૨૫ કિલોમીટરના નવા રોડ બનાવવામાં આવી રહ્યા હોવાની રજૂઆત થઈ હતી. કમીટી ચેરમેને ૨૨૫ કિલોમીટરના આંકડાને બેઝ ગણીને ત્રણ વર્ષ સાથે ગુણાકાર કર્યા છે તથા ૬૭૫ કિલોમીટરના રોડ પર જ કોન્ટ્રાક્ટરોની જવાબદારી છે તેવી જાહેરાત કરી છે આ બાબત સાબિત કરે છે કે કમીટી બેઠક અગાઉ ચેરમેન દ્વારા પૂરતો અભ્યાસ કરવામાં આવતો નથી. જેના કારણે જ તેમના દ્વારા મંજૂર કરવામાં આવતા કામો હંમેશા વિવાદમાં રહ્યા છે.

ચાંદલોડીયા ખોડિયાર રેલવે લાઈન પરના બ્રીજ મામલે પણ તેમની પાસે માહિતીનો અભાવ હતો અથવા છુપાવવા પ્રયાસ કરી રહ્યા હોય તેવી ચર્ચા પણ ચાલી રહી છે.ચોંકાવનારી બાબત એ છે કે જે બ્રીજ બનાવવા માટે રૂા.૧૦૦ કરોડનો ખર્ચ થવાનો છે તે જ બ્રીજના ખર્ચમાં કમીટી ચેરમેને ૩૦ ટકા ઘટાડો જાહેર કર્યાે છે. તથા સદર બ્રીજ રૂા.૭૦ કરોડમાં તૈયાર થશે.

તથા સિદ્ધિ ગ્રુપ પાસેથી તે મુજબ જ ૨૫ ટકાની ગણતરી કરવામાં આવશે. કમીટી ચેરમેન દ્વારા ખર્ચમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તે મ્યુનિ.કોર્પાેરેશનના લાભાર્થે છે કે પછી સિદ્ધિ ગ્રુપના ફાયદા માટે છે ? તે બાબતે પણ ચર્ચા ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.