Western Times News

Latest News from Gujarat

પાકિસ્તાન માટે જાસુસી કરતો બીએસએફનો જવાબ ભુજ ખાતેથી પકડાયો

એટીએસનું સફળ ઓપરેશન: ત્રણથી વધુ વર્ષથી આ પ્રવૃતિમાં સંડોવાયેલો હતો: પાકિસ્તાન પણ જઈને આવેલો

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત રાજયની બોર્ડર ઉપર બીએસએફમાં ફરજ બજાવતો જવાન પાકિસ્તાનના જાસુસ તરીકે કામ કરતો હોવાની બાતમી મળતાં રાજયની એટીએસ એ તેની ઉપર નજર રાખવાની શરૂઆત કરી હતી અને તેના વિશે ઝીણામાં ઝીણી માહીતી એકત્ર કર્યા બાદ સોમવારે તેની ધરપકડ કરી છે.

મૂળ કાશ્મીરનો આ જવાન વર્ષ ર૦૧રમાં બીએસએફમાં જાેડાયો હતો આ ઘટનામાં એટીએસ દ્વારા પુછપરછ કરવામાં આવતા ભવિષ્યમાં તેની પાસેથી વધુ સ્ફોટક માહીતીઓ આવવાની સંભાવના છે.

રાજય એટીએસને ગુપ્તચર તંત્ર તરફથી ગુજરાત ગાંધીધામ કચ્છ ખાતે બીએસએફ બટાલીયન ૭૪ની “એ” કંપનીમાં ફરજ બજાવતો સજજાદ મોહમદ ઈમ્તીયાઝ પાકિસ્તાન માટે જાસુસી કરતો હોવાની માહીતી મળી હતી જમ્મુ-કાશ્મીરના રાજાૈરી જીલ્લાનો રહેવાસી સજજાદ વર્ષ ર૦૧રમાં બીએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયો હતો તેની માહીતી મળતાં જ છેલ્લા ત્રણ વર્ષથી એટીએસએ તેના ઉપર વોચ રાખવાની શરૂઆત કરી હતી.

આ દરમિયાન તે પોતાના નામનું સીમકાર્ડ વાપરતો હોવાની માહીતી સામે આવી હતી આ સિવાય તે અન્ય ફોન પણ વાપરતો હતો જેમાં જાન્યુઆરી મહીનાની ૧૪-૧પ તારીખે ત્રિપુરાના સત્યપાલ ઘોષ નામના વ્યકિતના નામનું સીમકાર્ડ વપરાયું હતું.

એટીએસ એ મામલે તપાસ કરતા ગત વર્ષે ર૦ર૦ના નવેમ્બર મહીનામાં ૪ દિવસ એકટીવ રહયુ હતું જે દરમિયાન કંપનીના બે કોલ આવ્યા હતા. ર૦ર૧ જાન્યુઆરીમાં ૧પ તારીખે તે ત્રીજી વખત ચાલુ થયુ ત્યારે એક એસએમએસમાં વોટસએપનું ઓટીપી આવ્યાની જાણ થઈ હતી.

આ ઓટીએસ સજ્જાદે પાકિસ્તાન ખાતે તેના સંપર્કમાં રહેલા વ્યક્તિને આપ્યો હતો જેણે ભારતના મોબાઈલ નંબરને આધારે પાકિસ્તાનમાં વોટસએપ વાપરતો હતો સજજાદ તેની સાથે સંપર્કમાં રહેલા વ્યક્તિને આ જ નંબર ઉપર ગુપ્ત માહીતીઓ પહોચાડતો હતો જે વોટસએપ નંબર હાલમાં પણ પાકીસ્તાનમાં ચાલુ હોવાનું એટીએસને જાણવા મળ્યું છે.

બીએસએફની નોકરી અગાઉ પાકિસ્તાનમાં રહીને આવ્યો
તપાસ દરમિયાન સજ્જાદે જમ્મુની રીજનલ પાસપોર્ટ ઓફીસ ખાતેથી ભારતીય પાસપોર્ટ કઢાવ્યો હતો જેમાં તેણે પોતાની જન્મ તારીખ બદલાવીને ૧૯૯રથી બદલીને ૩૧.૧.૧૯૮પની એફીડેવીટ કરેલી હતી આ પાસપોર્ટ લઈને વર્ષ ર૦૧૧ના ડિસેમ્બર મહીનામાં અટારી રેલ્વે સ્ટેશનથી સમજાેતા એકસપ્રેસ દ્વારા તે ૧૬ દિવસ રોકાયો હતો અને એ જ વર્ષે તે બીએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયો હતો.

ગુપ્ત માહીતીના બદલમાં રૂપિયા મેળવતો
આશરે ૧૦ વર્ષથી વધુ સમયથી બીએસએફમાં ફરજ બજાવતા સજ્જાદે કોઈક રીતે પાકિસ્તાનીઓનો સંપર્ક કરી તેમને માહીતી પહોચાડતો હતો તેના બદલામાં તેના ભાઈ વાજીદના તથા તેની સાથે જ નોકરી કરતા મિત્ર ઈકબાલ રશીદના ખાતામાં રૂપિયા જમા થતા હતા.

ક્યાં પ્રકારની માહીતી પહોચાડતો
એટીએસની ઉંડી તપાસમાં બહાર આવ્યું છે કે સજજાદ પાકિસ્તાનમાં ચાલી રહેલા ભારતીય વોટસએપ નંબર ઉપર મિલિટીની મુવમેન્ટ, સૈનિકો તથા ઓફીસરોની માહીતી અને જવાબદારી ઉપરાંત વાહનોની અવરજવર વિશેની માહીતી પણ મોકલતો હતો.

ચાર મહીનાથી ગાંધીધામ ખાતે હતો
સજ્જાદ આશરે ચાર મહીના અગાઉ જુલાઈ ર૦ર૧થી ગાંધીધામ ખાતે બટાલિયન ૭૪ ની “એ” કંપનીમાં ફરજ બજાવતો હતો એની પહેલા તેની પોસ્ટીંગ ત્રિપુરા ખાતે હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે એટીએસને માહીતી મળતાં જ છેલ્લા ત્રણ વર્ષથી તેમણે સજ્જાદ ઉપર ચાંપતી નજર રાખી હતી આ અંગે વાત કરતાં એસપી ઈમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે તે ત્રણ વર્ષ કરતા વધુ સમયથી તે જાસુસીની પ્રવૃતિમાં સંડોવાયેલો હતો તેની ઉપર એટીએસ સિવાય અન્ય ભારતીય એજન્સીઓએ પણ વોચ રાખી હતી તેની સામે પુરતા પુરાવા ભેગાં થતાં જ ભુજ બીએસએફ સ્ટેશન હેડ કવાર્ટરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને બે મોબાઈલ સીમકાર્ડ સાથેના તથા વધારાના બે સીમકાર્ડ મળી આવ્યા છે.

રૂપિયા અંગે તેના ભાઈ તથા મિત્રની પણ પુછપરછ કરવામાં આવશે. ઉપરાંત પાકિસ્તાનમાં ગયો ત્યારે કયા રહયો કોને મળ્યો અને શું પ્રવૃતિ કરી એ તમામ બાબતે તેની સજ્જાદની તપાસ કરવામાં આવશે.

નોંધનીય છે કે પંજાબ પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલે પણ અમૃતસરમાંથી ભારતીય સૈન્યના જવાન કૃણાલ બારીયાની ધરપકડ કરી હતી જે મૂળ ગુજરાતનો વતની છે બારીયા ફિરોઝપુર કેન્ટ ખાતે આઈટી સેલમાં હતો પ્રાથમિક તપાસમાં સોશીયલ મિડીયાના માધ્યમથી પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓફિસર સીદરાખાનના સંપર્કમાં આવ્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers