Western Times News

Gujarati News

કરજણના આરોગ્ય સેવિકાની રસી મૂકવાની મેરેથોન મહેનત પ્રધાનમંત્રીના મનને સ્પર્શી ગઈ 

પ્રતિકાત્મક

છેલ્લા 10 મહિનાથી આરોગ્ય સેવિકા હેતલબેન મોચી રજાઓને ભૂલીને પરિવારની તકલીફો વચ્ચે સતત કોરોનાની રસી આપી રહ્યાં છે-પર્વો, ઉત્સવો, જાહેર રજાઓ બધું જ ભૂલીને તેઓ લોકોને રસી મૂકી રહ્યાં છે.

(માહિતી) વડોદરા,  કરજણના અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્યરત આરોગ્ય સેવિકા હેતલબેન મોચીની કોરોના રસીકરણમાં કર્મનિષ્ઠ સેવાઓની સુગંધ છેક નવીદિલ્હી સુધી ફેલાઈ છે.દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને તેમની આ કાર્ય સમર્પિતતા સ્પર્શી જતાં રવિવારના મન કી બાત પ્રસારણમાં તેમની તસવીર ચમકી હતી.

પ્રધાનમંત્રીશ્રીએ તેમના જેવા રસીકરણની અવિરત અને શેષઠ સેવાઓ આપનારા આરોગ્ય સ્ટાફનો ઉલ્લેખ કરીને, ૧૦૦ કરોડ કોરોના રસીકરણની રાષ્ટ્રીય જ્વલંત સિદ્ધિમાં આવા પાયાના આરોગ્ય કર્મયોગીઓના યોગદાનને દિલથી બિરદાવતા, જિલ્લા આરોગ્ય પરિવાર પ્રોત્સાહિત થયો છે.

આ અંગે જાણકારી આપતાં કરજણ તાલુકા આરોગ્ય અધિકારી અને તબીબી અધિક્ષક ડો. પ્રશાંતસિંઘે જણાવ્યું કે, હેતલબેન, રસીકરણની શરૂઆતથી એટલે કે છેલ્લા દશ મહિનાથી સતત કોરોના રસી મૂકવાની સેવાઓ આપી રહ્યાં છે. પર્વો, ઉત્સવો, જાહેર રજાઓ બધું જ ભૂલીને તેઓ લોકોને રસી મૂકી રહ્યાં છે.

આ સમયગાળામાં તેમના પરિવારમાં તકલીફ સર્જાઈ,સાસુ સસરાને બીમારી આવી,નાના બાળકોની સંભાળ લેવાની મુશ્કેલીઓ જેવી કૌટુંબિક બાબતો ને મેનેજ કરીને તેઓ રસી મૂકવાની ફરજને સતત અગ્રતા આપી રહ્યાં છે.તેઓ દૈનિક અંદાજે ૨૦૦ લોકોને રસી મૂકે છે. એક અંદાજ પ્રમાણે તેમણે ૨૪ હજારથી વધુ લોકોને પહેલા અથવા બીજા ડોઝની રસી મૂકી છે.

જેમણે હેતલબેન પાસે રસીના બંને ડોઝ મુકાવ્યા છે એવા લોકો પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં તસવીર મૂકીને તેમની સેવાઓને બિરદાવવામાં આવતાં ખુશી અનુભવી રહ્યાં છે તેની સાથે તેમણે રસી લેવાની જાગૃતિનો લોકોમાં સંચાર કરવાનું કામ પણ કર્યું છે. તેમણે લોકોના મનમાં ઘર કરી ગયેલી ખોટી માન્યતાઓનું સમજાવટ દ્વારા નિવારણ કરીને રસી લેવા માટેનો લોકોનો ઉત્સાહ વધાર્યો છે. અમે તેમની સિદ્ધિ થી ગૌરવ અનુભવીએ છે.

જિલ્લા આરોગ્ય તંત્રના કેટલાંક કર્મયોગીઓ એ કોરોના રસી મૂકવામાં અદભૂત નિષ્ઠા બતાવી છે એવી લાગણી વ્યક્ત કરતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે,આ કર્મયોગીઓમાં હેતલબેન મોખરે રહ્યાં છે અને આખા જિલ્લા આરોગ્ય પરિવારને તેમણે ગૌરવ અપાવ્યું છે.

દેશના વડાપ્રધાનના કાર્યક્રમમાં, રાષ્ટ્રીય પ્રસારણમાં તસવીરના સમાવેશથી પ્રોત્સાહિત થયેલા હેતલબેને જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી ના પ્રોત્સાહન થી ભારતે ૧૦૦ કરોડ લોકોને કોરોના રસી આપીને વિશ્વ વિક્રમ કર્યો.આ પ્રક્રિયામાં હું મારી સહ ભાગીદારીનો ગર્વ અનુભવું છે.પરિવાર અને સાથીઓના સહયોગ થી હું આ કામ સતત કરી શકી છું.

કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી.એટલે જે લોકો બાકી છે એ બધાં જ સમયસર રસી મૂકાવી લે અને માસ્ક પહેરવા સહિત કોવિડ અટકાવવાની તકેદારીઓ પાળે એવી લાગણી તેમણે વ્યક્ત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.