Western Times News

Gujarati News

જાપાનની રાજકુમારીએ કોલેજના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

ટોક્યો, જાપાનની રાજકુમારી માકોએ પ્રેમ માટે પોતાનો શાહી દરજ્જો ગુમાવ્યો છે. તેણે કેઈ કોમુરો નામના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન કરતાંની સાથે હવે માકો જાપાનની રાજકુમારી નહિ રહે. જાપાનમાં કોઈ સામાન્ય વ્યક્તિથી લગ્ન કરવા પર શાહી દરજ્જો સમાપ્ત થઈ જાય છે. માકો જાપાનના વર્તમાન રાજા નારુહિતોના ભાઈ પ્રિન્સ આકિશિનોની દીકરી છે.

પ્રિન્સેસ અને તેમના બોયફ્રેન્ડના લગ્નની ઓફિશિયલ જાહેરાત મંગળવારે સવારે એ સમયે થઈ, જ્યારે શાહી પરિવારના ભરણ-પોષણની જવાબદારી સંભાળનાર ઈમ્પીરિયલ હાઉસહોસ્ડ એજન્સી (IHA)ના સ્થાનિક મેરેજ ઓફિસમાં બંનેનાં લગ્નને રજિસ્ટર્ડ કરાવવા માટે મહત્ત્વનાં પેપર્સ જમા કરાવ્યાં.

આ કપલે પોતાના લગ્નમાં દરેક પરંપરા તોડી નાખી, જે શાહી લગ્ન માટે નિભાવવી જરુરી હોય છે. એમાં લગ્ન બાદ આપવામાં આવતું શાહી રિસેપ્શન પણ સામેલ છે.

એટલું જ નહીં, પ્રિન્સેસ માકોએ 13 લાખ ડોલર (આશરે 7.5 કરોડ રુપિયા)ની તે રકમ લેવાનો પણ ઈનકાર કરી દીધો જે જાપાની રાજવંશની પરંપરા અનુસાર કોઈ રોયલ વુમનને શાહી પરિવારની બહાર લગ્ન કરવા પર ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

પ્રિન્સેસ માકો અને કોમુરોએ લગ્ન કરવાની જાહેરાત ચાર વર્ષ પહેલાં કરી હતી. એ સમયે જાપાની જનતાએ તેમના સ્વાગત માટે લોકોએ ઉજવણી પર કરી હતી, પરંતુ મીડિયા રિપોર્ટમાં એક મની સ્કેન્ડલમાં કોમુરોની માનું નામ પણ સામેલ થવાથી લગ્ન મોડા કરવામાં આવ્યા છે.

લગ્ન બાદ પ્રિન્સેસ માકો પોતાના પતિ કોમુરો સાથે અમેરિકાના ન્યૂયોર્કમાં રહેશે, જેના માટે જિંદગીમાં પહેલીવાર તે પાસપોર્ટ માટે અપ્લાઈ કરશે. જાપાનના શાહી પરિવારના સભ્ય બીજા દેશની યાત્રા માટે પાસપોર્ટને બદલે ડિપ્લોમેટિક કાર્ડનો ઉપયોગ કરે છે, તેથી માકોનો પાસપોર્ટ હજી બન્યો નહોતો.

લગ્ન બાદ પોતાના પતિ સાથે જોઈન્ટ પ્રેસ-કોન્ફરન્સમાં પહોંચેલી રાજકુમારી માકોએ કહ્યું હતું કે સગાઈ બાદ બનેલી અશાંતિથી બહાર આવીને હવે હું એક હેપ્પી લાઈફ જીવવા તૈયાર છું. તેમણે મીડિયા રિપોર્ટ્સને પણ ખોટા ગણાવ્યા જેમા કોમુરોને તેમનાં દુઃખ અને તણાવનું કારણ ગણાવતા હતા.

આ અગાઉ બ્રિટનના પ્રિન્સ હેરીએ પણ 2018માં રાજવંશની બહાર લગ્ન કર્યા હતા. અમેરિકી એક્ટ્રેસ મેગન મર્કેલ સાથે તેમના લગ્ન દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. લગ્ન બાદ હેરી અને મર્કેલ અમેરિકામાં રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.