Western Times News

Gujarati News

ખીરી હિંસામાં પ્રત્યક્ષદર્શી સાક્ષી ઓછા હોઈ સુપ્રીમ નારાજ

નવી દિલ્હી, લખીમપુર ખીરી હિંસા મામલે દાખલ થયેલી જનહિત અરજી (પીઆઈએલ) પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી અને રાજ્ય સરકારને આદેશ આપ્યો કે તે આ મામલે તમામ પ્રત્યક્ષદર્શી સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે. આ સાથે જ કોર્ટે કહ્યું કે સાક્ષીઓના નિવેદન મેજિસ્ટ્રેટ સામે જલદી નોંધાવવામાં આવે. મામલાની આગામી સુનાવમી ૮ નવેમ્બરે થશે.

અત્રે જણાવવાનું કે આ હિંસામાં ચાર ખેડૂતો અને એક પત્રકાર સહિત આઠ લોકોના મોત થયા હતા. ચીફ જસ્ટિસ એનવી રમણ, ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની પેનલે ઉત્તર પ્રદેશ સરકારને આ મામલાના અન્ય સાક્ષીઓના નિવેદન સીઆરપીસીની કલમ ૧૬૪ હેઠળ નોંધવાના પણ નિર્દેશ આપ્યા. પેનલે કહ્યું કે અમે સંબંધિત જિલ્લા ન્યાયાધિશને સીઆરપીસી ની કલમ ૧૬૪ હેઠળ જુબાની નોંધાવવાનું કાર્ય નજીકના ન્યાયિક મેજિસ્ટ્રેટને સોંપવાના નિર્દેશ આપીએ છીએ.

યુપી સરકાર તરફથી વરિષ્ઠ વકીલ હરિશ સાલવે અને ગરિમા પ્રસાદ કોર્ટમાં હાજર રહ્યા. હરિશ સાલવેએ કોર્ટને કહ્યું કે ૩૦ સાક્ષીના નિવેદન મેજિસ્ટ્રેટ સામે નોંધાવવામાં આવ્યા છે. જેમાંથી ૨૩ પ્રત્યક્ષદર્શી છે. કેટલાક બાકી છે, જેનું નિવેદન લેવાનું છે.

આ અંગે કોર્ટે પૂછ્યું કે લખીમપુર ખીરીમાં રેલી દરમિયાન હજારો ખેડૂતો હાજર હતા, પરંતુ તમને અત્યાર સુધીમાં ફક્ત ૨૩ પ્રત્યક્ષદર્શી સાક્ષી મળ્યા? ત્યારબાદ હરિશ સાલવેએ કહ્યું કે અમે જાહેરાત આપીને કહ્યું છે કે જે પણ પ્રત્યક્ષદર્શી હોય તેઓ સામે આવે. આ સાથે જ ઘટનામાં તમામ મોબાઈલ વીડિયો અને વીડિયોગ્રાફી ઉપર પણ ધ્યાન આપ્યું છે.

ચીફ જસ્ટિસે કહ્યું કે દરેક પહેલુ અને સંભાવના શોધો અને તપાસને આગળ વધારો. એક મૃતક શ્યામ સુંદરની પત્ની તરફથી હાજર રહેલા વકીલ અરુણ ભારદ્વાજે કોર્ટને કહ્યું કે મારી ક્લાયન્ટની ફરિયાદ પર પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી.

જ્યારે તે ત્રણ આરોપીઓને ઓળખે છે. તેના પર સીજેઆઈએ હરિશ સાલવેને આ મામલે જાેવાનું કહ્યું. હરિશ સાલવેએ કોર્ટને કહ્યું કે શ્યામ સુંદર આ મામલે આરોપી પણ છે અને પીડિત પણ છે. સીજેઆઈએ આદેશ આપતા કહ્યું કે પીડિત રૂબી દેવીની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જ શ્યામ સુંદર અને પત્રકારના મોત પર રાજ્ય સરકાર સ્ટેટસ રિપોર્ટ પણ રજુ કરે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.