Western Times News

Gujarati News

શ્રીમદ્‌ રાજચંદ્રજી કૃત ‘ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ની રચનાની ૧૨૫ મી જયંતિની નડિયાદમાં ઉજવણી

(પ્રતિનિધિ) નડિયાદ, અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્‌ રાજચંદ્રજી ઓગણીસમી સદીમાં થઈ ગયેલ આધ્યાત્મિક ક્રાંતિ સર્જનાર અને અસાધારણ દાર્શનિક સંતકવિ હતા . મહાત્મા ગાંધીજીના પણ આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્‌ રાજચંદ્રજીનું સમગ્ર સાહિત્ય સાધકોને શાશ્વત સુખના માર્ગ પર અતિશય અવલંબનભૂત છે અને તેમાં પણ મૂર્ધન્યસ્થાને બિરાજે છે

તેમની અમર કૃતિ – શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ’ ! તેઓએ માત્ર ૨૮ વર્ષની ઉંમરે , વિ.સં. ૧૯૫૨ ના આસો વદ એકમના દિવસે , શ્રી નડિયાદ ક્ષેત્રે , નાના કુંભનાથ મહાદેવના મંદિરની ઓરડીમાં ૧૪૨ ગાથાની આધ્યાત્મિક સાહિત્યની શ્રેષ્ઠતમ તથા સુપ્રસિદ્ધ કૃતિ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ની રચના માત્ર દોઢ બે કલાકમાં કરી હતી .

અતિ સરળ અને પ્રૌઢ ગુજરાતી ભાષામાં લખાયેલ આ શાસ્ત્ર ષડ્‌દર્શનનો સાર છે , સમસ્ત તત્ત્વજ્ઞાનનો નિચોડ છે . અનેક તત્વચિંતકોએ તેનું વિવેચન કરી પોતાનો અહોભાવ દર્શાવ્યો છે તથા અનેક ભાષાઓમાં તેનું ભાષાંતરણ થયું છે . . આ દિવ્ય કૃતિના સર્જનથી ધન્ય બનેલ નડિયાદની પવિત્ર જગ્યાની ચિરંતન સ્મૃતિ જળવાઈ રહે

તે માટે શ્રીમદ્‌ રાજચંદ્રજીના પરમ ભક્ત અને શ્રીમદ્‌ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પ્રેરણા અને માર્ગદર્શનથી અહીં ઈ.સ. ૨૦૧૦ માં ‘ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર રચનાભૂમિ’નું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું . અહીં એક શાંત તળાવની મધ્યમાં શ્વેત કમળમાં બિરાજમાન શ્રીમદ્‌ રાજચંદ્રજીની દિવ્ય પ્રતિમા પવિત્રતાના સપંદનો રેલાવે છે !

તા . ૨૧ મી ઓક્ટોબર , ૨૦૨૧ ના શુભ દિને , ( આસો વદ એકમ , વિ.સં .૨૦૭૭ ) ‘ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ની રચનાની ૧૨૫ મી જયંતિ હતી . આ નિમિત્તે નડિયાદ અને તેની આસપાસની ૧૨૫ શાળાઓમાં ગાંધીજી અને શ્રીમદ્‌ રાજચંદ્રજીના ચિત્રપટની સ્થાપના કરવામાં આવનાર છે .

શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર રચનાભૂમિ ‘ માં અનેકાનેક સંતો તેમ જ ભાવિકજનોએ ઉમંગભેર દર્શનલાભ લીધો હતો . સાથે જ આ પ્રસંગે મોટી સંખ્યામાં અનેક મુસ્લિમ સમાજના બિરાદરો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા . તેમણે જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંતનું બહુમાન કરતાં આ પવિત્ર દિવસે કતલખાના બંધ રાખ્યાં હતાં

તેમ જ માંસાહારનું વેચાણ પણ બંધ રાખ્યું હતું . શ્રીમદ્‌ રાજચંદ્ર મિશન ધરમપુરના પ્રતિનિધિઓએ આ બિરાદરોનું પ્રેમપૂર્વક સ્વાગત કરી , તેમની આ સદ્ભાવના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી . આ મંગળ અવસરની ઉજવણી કરતાં વૈશ્વિક સાધકો માટે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી લિખિત ‘ આત્મસિદ્ધિ શાસ્ત્ર’ની દરેક ગાથામાં સમાવિષ્ટ મર્મને સમજાવતાં અંગ્રેજી ભાષામાં લખેલ સ્પષ્ટ વિવેચનના પુસ્તકનું વિમોચન ધરમપુરમાં કરવામાં આવ્યું હતું .

જેનું સક્રીનીંગ નિડયાદમાં કરવામાં આવ્યું હતું . આ પુસ્તકમાં વિવિધ સ્તરના વાચકો સમજી શકે તેવી સરળ અને આધુનિક શૈલીમાં આ મહાન કૃતિના પરમ રહસ્યો ઉદ્‌ઘાટિત કર્યાં છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.