Western Times News

Gujarati News

ગુજરાત એટીએસની ટીમે જુહાપુરામાં ગેરકાયદેસર ચાલતાં આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યાે

પકડાયેલા આરોપીની તપાસમાં મુંબઈમાંથી પણ વધુ એક એક્સચેન્જ મળ્યું એક વિદેશી સહિત ત્રણ આરોપી વોન્ટેડ જાહેર: આરોપીઓ VOIP એક્સચેન્જ દ્વારા વિદેશી નાગરીકોને ફસાવતા હતા

(પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાત એટીએસએ અમદાવાદ શહેરનાં જુહાપુરા વિસ્તારમાંથી રાષ્ટ્રીય અર્થતંત્રને નુકસાન પહોંચાડી તથા રાષ્ટ્રીય સલામતીને જાેખમમાં મુકી ગેરકાયદેસર VOIP (વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ) એક્સચેન્જનો પર્દાફાશ કર્યાે છે. અને શખ્સની ધરપકડ કરીને ૧.૫૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે. ઉપરાંત એક વિદેશી સહિત ત્રણ અન્ય શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે. દરમિયાન પૂછપરછમાં મળેલી માહિતીને આધારે મુંબઈમાંથી પણ આવાં જ ગેરકાયદે એક્સચેજ ચલાવતાં શખ્સને ઝડપી લેવાયો છે.

આ અંગેની વિગત એવી છે કે એટીએસ ગુજરાતનાં પોલીસ અધિક્ષક પિનાકીન પરમારને જુહાપુરામાં એક વ્યક્તિ ગેરકાયદેસર VOIP એક્સચેન્જ ચલાવતો હોવાની બાતમી મળી હતી. જેને પગલે પીઆઈ એસ.એન.પરમારની ટીમે જુહાપુરામાં આવેલાં સાકીબ એપાર્ટમેન્ટનાં ૫૦૧ નંબરના મકાનમાં દરોડો પાડીને મૂળ માંગરોળ જુનાગઢનાં મોહમંદ શાહીદ લીયાકત અલી સૈયદને ઝડપી લીધો હતો અને મકાનમાંથી બે લેપટોપ, સાત સીમ બેંક, બે વાઈફાઈ રાઉટર, બે મોબાઈલ ફોન, ૨૫૪ સીમકાર્ડ તથા બે નેટવર્ક સ્વીચ સહિત રૂપિયા ૧.૫૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

એટીએસનાં દરોડા વખતે એક લેપટોપ, ૩૨ પોર્ટના ગેટવેનાં ચાર સીમબોક્સ, ૧ વાઈફાઈ રાઉટર અને સીમબોક્સમાં ૧૩૯ જેટલાં સીમ ચાલુ હાલતમાં હતા. શાહીદની પૂછપરછમાં બહેરીન ખાતે રહેતાં નજીબ ઉપરાંત સોહેલ (મૂળ.જૂનાગઢ હાલ.ગોવા) તથા અમીત (પુના) નામનાં શખ્સોનાં નામ બહાર આવ્યાં છે. જે આઈએસડી કોલને જીએસએમ નેટવર્કમાં તબદીલ કરીને વીઓઆઈપી દ્વારા ઈન્ટરનેશનલ કોલને રૂટ કરતાં હતા. જેથી ભારતમાં વિદેશથી આવતાં કોલ સાદા કોલમાં કન્વર્ટ થતાં હતા.

શાહીદની કડક પૂછપરછ કરતાં તેણે મુંબઈ, મીરા રોડ ખાતે તેનો સાથીદાર સજ્જાદ અહેમદ સૈયદ પણ આવું જ ગેરકાયદેસર એક્સચેન્જ ચલાવતો હોવાનો ઘટસ્ફોટ કરતાં એટીએસનાં પીએસઆઈ આર.બી.રાણા તથા પીએસઆઈ ડી.વી.રાઠોડને મુંબઈ ખાતે તાત્કાલિક મોકલવામાં આવ્યા હતા. જ્યાં મુંબઈ પોલીસ સાથે મળીને સજ્જાદને એન.ડી.પ્લાઝા નામની બિલ્ડીંગમાંથી ઝડપી લીધો હતો. ત્યાંથી પણ પોલીસે ૧૧૫ જેટલાં સીમકાર્ડ સહિત કુલ ૩.૫૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યાે હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે પીઆઈ એસ.એન.પરમાર તથા અન્ય અધિકારીઓએ જુન મહિનામાં પણ વડોદરામાં આવી જ કાર્યવાહી કરીને એક શખ્સને ઝડપી લીધો હતો. જેમાં મહારાષ્ટ્રનાં ત્રણ આરોપીઓનાં નામ બહાર આવ્યાં હતા.

શું છે VOIPએક્સચેન્જ ?
VOIP એક્સચેન્જથી કરવામાં આવતો કોલ ઓરીજીનલ આંતરરાષ્ટ્રીય નંબરનું કોઈ નિશાન છોડતું નથી. જેથી કોલનું લોકેશન ટ્રેસ થઈ શકતું નથી. જેથી મોટેભાગે દેશ વિરોધી તત્ત્વો તથા અન્ય આરોપીઓ જ આવાં એક્સચેન્જનો ગેરઉપયોગ કરે છે. VOIP એક્સચેન્જ ભારતમાં ગેરકાયદેસર છે અને રાષ્ટ્રનાં અર્થતંત્ર ઉપરાંત ટેલિફોન કંપનીઓને પણ નુકસાન પહોંચાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.