Western Times News

Gujarati News

રસ્તો ક્રોસ કરવા ‘પુશ બટન ફ્લેશિંગ ક્રોસવોક સિસ્ટમ’નાં પાયલોટ પ્રોજેક્ટનો ગાંધીનગરથી પ્રારંભ કરાશે

યુરોપ અને અમેરિકાની જેમ હવે ગાંધીનગરમાં પણ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટનાં સ્ટેટ રોડ પ્રોજેક્ટ દ્વારા વર્લ્ડ બેંકના સહયોગથી ગાંધીનગરમાં આશરે 14 કરોડના ‘પુશ બટન ફ્લેશિંગ ક્રોસવોક સિસ્ટમ’નો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે. ગાંધીનગરમાં આ પ્રોજેક્ટ સફળ રહેતા તબક્કાવાર અન્ય શહેરોમાં પણ પ્રોજેક્ટનું વિસ્તરણ કરવામાં આવશે. જેથી રાહદારીઓ હવે જાતે જ એક બટન દબાવીને ટ્રાફિકને અમુક સેકન્ડ માટે રેડ સિગ્નલ કરીને રોકી દઈ રસ્તો આસાનીથી ક્રોસ કરી શકશે.

રાજ્ય સરકારનાં રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટનાં સ્ટેટ રોડ પ્રોજેક્ટ દ્વારા વર્લ્ડ બેંકના સહયોગથી અનેક પ્રોજેક્ટ પર અત્યાધુનિક પ્રોજેક્ટો પર કામ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે વિભાગ દ્વારા ગાંધીનગરમાં ‘પુશ બટન ફ્લેશિંગ ક્રોસવોક સિસ્ટમ’નાં પાયલોટ પ્રોજેક્ટનો ડિસેમ્બર મહિનાથી પ્રારંભ કરવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

સેફ્ટી કોરીડોર ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત આશરે 14 કરોડનો પાયલોટ પ્રોજેક્ટની ગાંધીનગરથી શરૂઆત થવા જઈ રહી છે. જે માટે ગાંધીનગરમાં જાહેર માર્ગો પર સર્વે પણ કરવામાં આવ્યો હતો અને ગાંધીનગરના 21 જાહેર જંકશન માર્ગોની પસંદગી કરવામાં આવી હતી. જેનાં પગલે વિભાગ દ્વારા ચ-0 સર્કલથી લઈ અમદાવાદને જોડતા માર્ગો પર ટેલિફોન બોક્સનાં કદના હાઈટેક થાંભલા પણ નાખી દેવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં રાહદારીઓને વાહનોની અવરજવર વાળા માર્ગો પર રસ્તો ક્રોસ કરવા માટે ઘણીવાર સુધી રાહ જોઈને ઉભા રહેવું પડતું હતું. ત્યારે ટ્રાફિક સિંગલની લાલ પીળી અને લાલ લાઈટ થવાની રાહ જોવી પડતી હતી. ત્યારે જઈને રાહદારી રોડ ક્રોસ કરી શકતો હતો, પરંતુ હવે રાહદારીઓ રોડ ક્રોસ કરવા માટે જાતે જ એક બટન દબાવીને વાહનોને અટકાવી શકશે. જેવું બટન દબાવે એટલે જંક્શન પરના સિગ્નલ લાલ થઈ જશે તેમજ અમુક સેકન્ડની મર્યાદામાં રાહદારીએ રોડ ક્રોસ કરી લેવાનો રહેશે.

આ માટે ગાંધીનગરમાં મહત્ત્વના 21 જંકશન નક્કી કરવામાં આવ્યા છે અને આ જંક્શન પર ટ્રાફિક સિગ્નલના થાંભલાઓ નજીક ટેલિફોન બોક્સના કદની અત્યાધુનિક સિસ્ટમ પણ સ્થાપિત કરી દેવામાં આવી છે. આ મહત્વના પાયલોટ પ્રોજેક્ટની ગાંધીનગરમાં સફળતા મળ્યા પછી અન્ય મોટા શહેરોમાં પણ તેનું વિસ્તરણ કરવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.