Western Times News

Gujarati News

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ

મની લોન્ડ્રિંગ અને ૧૦૦ કરોડ રૂપિયા વસૂલ કરવાના આરોપમાં દેશમુખ ઈડીના રડાર પર હતા.

મુંબઈ, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની સોમવારે મોડી રાત્રે લગભગ એક વાગે ધરપકડ કરવામાં આવી છે. ઈડીના અધિકારીઓએ તેમની ધરપકડની જાણકારી આપી હતી. ઈડીના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, અનિલ દેશમુખની ખંડણી અને મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

અગાઉ તેમને ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ઈડી પાસેથી મળેલી માહિતી મુજબ, અનિલ દેશમુખ પૂછપરછમાં સહકાર આપી રહ્યા ન હતા.

અનિલ દેશમુખને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી દેશમુખ તેમના વકીલ સાથે સવારે ૧૧.૪૦ વાગે દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં સ્થિત તપાસ એજન્સીની ઓફિસે પહોંચ્યા હતા. ઈડીના અધિકારીઓ તેમની સતત પૂછપરછ કરી રહ્યા હતા અને કેસ સાથે જાેડાયેલી માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ અંગે અનિલ દેશમુખના વકીલ ઈન્દરપાલ સિંહે કહ્યું કે, અમે તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે અને આ કેસ ૪.૫ કરોડનો છે. જાેકે, તેમણે કહ્યું હતું કે, અનિલ દેશમુખને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે તેઓ રિમાન્ડનો વિરોધ કરશે. નોંધનીય છે કે, ગત અનેક દિવસથી રહસ્યમ રીતે ગાયબ થઈ ગયેલા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ની ઓફિસમાં હાજર થયા હતા.

મની લોન્ડ્રિંગ અને ૧૦૦ કરોડ રૂપિયા વસૂલ કરવાના આરોપમાં દેશમુખ ઈડીના રડાર પર હતા. ઈડીના અધિકારીઓએ સોમવારે દેશમુખની ૧૨ કલાક સુધી પૂછપરછ કરી હતી. મની લોન્ડ્રિંગના મામલામાં ઈડીએ દેશમુખને આશરે પાંચ વખત સમન્સ આપ્યા હતા તેમણે દેશમુખને પૂછપરછ માટે હાજર થવા કહ્યું હતું. પણ તેઓ એક પણ વખત ઈડીની ઓફિસમાં આવ્યા નહોતા.

બીજી તરફ દેશમુખના ઘર અને ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેઓ કાર્યવાહીમાં રાહત મેળવવા કોર્ટમાં પણ ગયા હતા. સોમવારે, દેશમુખ ઈડીની ઓફિસમાં હાજર થતા ચકચાર મચી ગઇ હતી. દેશમુખ સાથે તેમના વકીલ પણ હતા.

અગાઉ મુંબઈના માજી પલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્યપ્રદાન ઉધ્ધવ ઠાકરેને પત્ર લખીને આરોપ કર્યો હતો કે, પૂર્વ પોલીસ ઓફિસર સચિન વાઝેને દર મહિને ૧૦૦ કરોડ રૂપિયા વસૂલ કરવાનો અનિલ દેશમુખે ટાર્ગેટ આપ્યો હતો. આ ‘લેટર બોમ્બ’થી પોલીસ વિભાગ અને મહારાષ્ટ્રના રાજકારણમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. બાદમાં દેશમુખને ગૃહપ્રદાનનું પદ ગુમાવવું પડયું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.