Western Times News

Gujarati News

બીએસએફનાં જવાને ફક્ત એક લાખ રૂપિયા માટે ગુપ્ત માહિતીઓ દુશ્મનને આપી હતી

તપાસમાં તેની સાળીનાં ખાતામાં પણ રૂપિયા આવ્યાંનું ખુલ્યું

(પ્રતિનિધિ)અમદાવાદ, ગાંધીધામ ખાતે આવેલાં બીએસએફનાં હેડક્વાર્ટરમાંથી જાસુસીનાં આરોપસર બીએસએફનાં કોન્સ્ટેબલને એટીએસએ ઝડપી લીધો હતો. આ કોન્સ્ટેબલે ફક્ત એક લાખ રૂપિયાની લાલચમાં આવીને ભારતીય આર્મીની વિગતો દુશ્મન દેશને આપી હોવાનું સામે આવ્યું છે.

આશરે દસેક દિવસ અગાઉ ત્રણ વર્ષની વોચ રાખ્યા બાદ ગુજરાત એટીએસએ બીએસએફની બટાલિયન ૭૪માં કંપનીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં સજ્જાદ મોહમંદ ઈમ્તિયાઝની જાસુસીનાં આરોપસર ધરપકડ કરી હતી. સજ્જાદે બીએસએફમાં જાેડાયા બાદથી પાકિસ્તાન સ્થિત અંકલખાન નામનાં શખ્સને બીએસએફની મુવમેન્ટ સહિતની અતિગુપ્ત તથા સંવેદનશીલ માહિતી પોતાનાં મોબાઈલ દ્વારા આપી હતી.

ગુપ્ત રીતે તપાસમાં તેનાં ભાઈનાં તથા બીએસએફમાં જ નોકરી કરતાં તેનાં મિત્રનાં ખાતામાં રૂપિયા આવતાં હોવાનું ખુલ્યું હતું જેથી સજ્જાદની ધરપકડ કર્યા બાદ તપાસ કરતાં તેની સાળીનાં ખાતામાં પણ રૂપિયા આવતાં હોવાનું ખુલ્યું છે. અને ત્રણેય ખાતાઓમાં હાલ સુધીમાં ટુકડે ટુકડે કુલ એક લાખ રૂપિયા આવ્યા હતા.

બીજી તરફ પાકિસ્તાન ગયો એ વખતે સજ્જાદની ઉંમર નાની હોવાથી તેણે પાકિસ્તાન જવા ખોટી રીતે વધુ ઉંમરની એફીડેવીટ કરાવી હોવાનું કબુલ્યું હતું. એટીએસએ તેનો પાસપોર્ટ પણ જપ્ત કર્યાે છે. આ અંગે આ ઘટનાની તપાસ કરતાં અધિકારી પીઆઈ ભરવાડે જણાવ્યું હતું કે તેની સામે તમામ પુરાવા એકત્ર કરી લેવાયા છે. અને હાલમાં એફએસએલનાં રીપોર્ટની રાહ જાેવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એટીએસ સજ્જાદનાં ૬ તારીખ સુધીનાં રીમાન્ડ મળ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.