Western Times News

Gujarati News

સરપંચ સહિત ત્રણ શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ નોંધવા ઝઘડિયા કોર્ટનો હુકમ

સરપંચ જુગારમાં પકડાયેલ હોઈ તેમને ધ્વજવંદન નહિ કરાવાતા વિવાદ વકર્યો હોવાનો મુખ્ય શિક્ષકે આક્ષેપ કર્યો હતો

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામની પ્રા.શાળાના મુખ્ય શિક્ષક ફતેસિંગ રાજીયા વસાવાએ બે વર્ષ અગાઉ ૧૫ મી ઓગસ્ટના સ્વાતંત્ર દિન નિમિત્તે ઉમલ્લા ગામના સરપંચ દશરથભાઈ ઈન્દુ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાવેલ નહીં. અગાઉ દશરથ વસાવા જુગાર રમતા પકડાયેલા અને તેમની સામે ફોજદારી કેસ થયેલો હતો

જેથી મુખ્ય શિક્ષકે તેમના હસ્તે ધ્વજવંદન કરાવ્યુ ન હતુ.ત્યાર બાદ આ બાબતે સરપંચ અને મુખ્ય શિક્ષક વચ્ચે વિવાદ વકર્યો હોવાનો આક્ષેપ મુખ્ય શિક્ષકે કર્યો હતો.

જેના અનુસંધાને સરપંચે આચાર્ય ફતેસિંગ વિરુદ્ધ રીસ રાખીને અન્ય શિક્ષકો બકુલ વસાવા,કૌશલ દોશી, બાલુ વસાવા તથા અન્ય એક ઉમલ્લાના રહીશ રમેશ પટેલના મેળાપીપણામાં રમેશ પટેલના પૌત્ર ધૃવિલ અશ્વિન પટેલને આચાર્યએ ચાર થી પાંચ થપ્પડો મારી હોવાની ફરિયાદ સાથે પ્રાથમિક શિક્ષણ અધિકારી, જીલ્લા પંચાયત,શિક્ષણ સમિતિ ચેરમેન વિગેરેને આવેદન આપ્યા હતા, તેમજ આ બાબત તે સમયે કેટલાક મિડીયા માધ્યમોમાં પણ પ્રકાશિત થઈ હતી.જેથી આચાર્ય ફતેસિંગની બદલી થઈ ગઈ હતી.

અન્ય શિક્ષકો દ્વારા આચાર્યના તાબા હેઠળના શાળાના કબાટમાંથી ઓડિટ કરેલી ફાઈલ ચોરીને તેની નકલો કરાવી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલેલી પરંતુ ઓડિટ કરેલી ફાઈલમાં કોઈપણ જાતની ગેરરીતિ કે અનિયમિતતા માલુમ પડેલ ન હતી.દરમિયાન સરપંચે આચાર્ય ફતેસિંગને ખોટો કેસ કરી જેલમાં પુરાવાની ધમકી આપી હતી

અને સરપંચ સહિત અન્ય કથિત આરોપીઓએ ટુકડે ટુકડે કુલ રૂ. ૪,૬૦,૦૦૦ જેટલી રકમ પડાવી લીધી હોવાનુ પણ આચાર્ય દ્વારા જણાવાયુ હતુ.ત્યાર બાદ ઉમલ્લા શાળાના આચાર્ય ફતેસિંગભાઈ રાજીયા વસાવાએ તેમની સાથે થયેલી ખોટી ફરિયાદો, આવેદનપત્રો અને હેરાનગતિ બાબતે નામદાર ઝઘડિયા કોર્ટમાં અરજ કરી હતી.

કોર્ટ દ્વારા શાળાના આચાર્યની રજુઆતોને ગ્રાહ્ય રાખીને ઉમલ્લા પોલીસને ફરિયાદી મુખ્ય શિક્ષક ફતેસિંગ રાજીયા વસાવાની ફરિયાદ મુજબ સરપંચ સહિત અન્ય કથિત આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ નોંધવા હુકમ કર્યો હતો.કોર્ટના આદેશ બાદ ઉમલ્લા પોલીસે ફરિયાદી શાળાના આચાર્ય ફતેસિંગ રાજીયા વસાવા રહે.ઉમલ્લા તા.ઝઘડીયા જિ.ભરૂચની ફરિયાદના અનુસંધાને

(૧) બકુલ હિતેન્દ્ર વસાવા રહે.રાયસીંગપુરા તા.ઝઘડીયા (૨) બાલુ રમણ વસાવા રહે.દુ.વાઘપુરા ઉમલ્લા (૩) કૌશલકુમાર હસમુખભાઇ દોશી રહે.નિલકંઠ સોસાયટી રાજપારડી તા.ઝઘડીયા (૪) દશરથ ઈન્દુભા વસાવા (સરપંચ) રહે.ઉમલ્લા તા.ઝઘડીયા (૫) જયંતી શંકર વસાવા રહે.દુ.વાઘપુરા ઉમલ્લા

(૬) રમેશ ભીખા પટેલ તેમજ (૭) પ્રતિક ચંદ્રહાસ નામના ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બે વર્ષ અગાઉ ઉમલ્લાના સરપંચ અને મુખ્ય શિક્ષક વચ્ચે થયેલા વિવાદ બાદ નામદાર કોર્ટે શિક્ષકની ફરિયાદ મુજબ ગુનો દાખલ કરવા પોલીસને હુકમ કરતા બે વર્ષ અગાઉની આ ઘટનામાં નવો વળાંક આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.