Western Times News

Latest News from Gujarat

AMC હવે વેક્સિનના સેકન્ડ ડોઝ માટે ‘મહાઅભિયાન’ શરૂ કરશે

અત્યાર સુધીમાં માત્ર ૫૬.૬૦ ટકા લોકોએ વેક્સિનનો બીજાે ડોઝ લીધો

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કોરોનાના સંક્રમણ પર અંકુશ મુકવા વધુને વધુ લોકોને વેક્સિનેટ કરવા પર ભાર મુકાયો છે. ગત તા.૧૬ જાન્યુઆરીથી અમદાવાદમાં વેક્સિનેશનના વિવિધ તબક્કા આરંભાયા છે. અત્યારે વેક્સિનના પહેલા ડોઝમાં તંત્રે ૧૦૦ ટકાથી વધુનો લક્ષ્યાંક મેળવ્યો છે.

વેક્સિનના કારણે હજુ સુધી કોરોનાની થર્ડ વેવ નજરે પડી નથી. લોકો વેક્સિનથી સુરક્ષિત થયા હોઇ કોરોનાના કેસ ઓછા નોંધાઇ રહ્યા હોવાનું તબીબો માને છે, જાેકે અમદાવાદમાં હજુ સેકન્ડ ડોઝ લેનારા નાગરિકોની સંખ્યા બહુ નિરાશાજનક છે. જાે નાગરિક વેક્સિનના બંને ડોઝ લઇ લે તો તે કોરોના સામે વધુ સારી રીતે સલામત રહી શકે તેમ છે.

કોરોનાની થર્ડ વેવ દેશના અન્ય ભાગમાં જાેવા મળી છે એટલે મ્યુનિ. સત્તાધીશો ચિંતાતુર બન્યા હોઇ આગામી દિવસોમાં હવે સેકન્ડ ડોઝ પર ભાર મૂકીને તેને લગતુ ખાસ મહાઅભિયાન શરૂ કરવાના છે.

અમદાવાદીઓ કોરોનાના પ્રકોપથી સારી પેઠે પરિચિત છે. માર્ચ-૨૦૨૦ બાદ શહેર કોરોનાની લપેટમાં આવયું હતું. એપ્રિલ અને મે મહિના દેશવ્યાપી લોકડાઉનના ગયા હતા. તેમ છતાં કોરોનાની ઘાતકના ઓછી થઇ નહોતી. કેન્દ્ર સરકાર દ્વારા જૂન મહિનાથી લોકડાઉનમાં અનલોકના વિવિધ તબક્કા જાહેર કરાયા હતા, પરંતુ ગઇ દિવાળી પછીના નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૨૦માં કોરોનાએ ફરી ઉપદ્રવ મચાવ્યો હતો.

કોરોનાની ઘાતકના ઓછી કરે તેવી દવા તો આજે પણ શોધાઇ નથી, પરંતુ દેશભરમાં તા.૧૬ જાન્યુઆરીથી કોરોનાની બે વેક્સિન લોકોને આપવાની શરૂઆત કરાઇ હતી. કોવિશિલ્ડ અને કોવેક્સિન એમ બે વેક્સિન બજારમાં મુકાતા કોરોનાથી ભયભીત થયેલા લોકોએ અમુક અંશે હાશકારો અનુભવ્યો હતો. પ્રારંભમાં અમદાવાદમાં ડોક્ટર, નર્સ્િંાગ સ્ટાફ સહિતના હેલ્થ વર્કર્સને કોરોનાથી સુરક્ષિત કરાયા હતા. ત્યારબાદ કોરોના વોરિયર્સ, સિનિયર સિટીઝન્સ જેવા વિવિધ તબક્કાઓમાં લોકોને વેક્સિન આપવાનો પ્રારંભ કરાયો હતો.

વેક્સિનેશનના શરૂઆતના સમયગાળામાં તેની કહેવાતી આડઅસરને લઇ સમાજના અમુક વર્ગમાં અનેક શંકા-કુશંકાઓ ઊઠતી હતી. પરિણામે મ્યુનિ. તંત્રને વેક્સિનથી શરીરને કોઇ નુકસાન થતું નથી તે બાબત લોકોને સમજાવવી પડી હતી. તે માટે તંત્રને ધર્મગુરુઓનો સહારો લેવો પડ્યો હતો.

અગાઉ જે તે વેક્સિન સેન્ટરની બહાર લોકોના અભાવે કાગડા ઊડતા હતા તેના બદલે હવે વેક્સિનને લગતી ગેરસમજ પૂરેપૂરી દૂર થયા પછી લોકોમાં વેક્સિન લેવા માટે પડાપડી થઇ હતી. આ સમયગાળામાં તંત્ર દ્વારા ગત તા.૧૭ સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિવસથી કોરોના વેક્સિનનું મહાઅભિયાન શરૂ કરાયુ હતુ.

પહેલા જ દિવસે ૧.૬૫ લાખ જેટલા લોકોને વેક્સિનેટ કરાયા હતા, જાેકે વેક્સિનના પહેલા ડોઝમાં ૧૦૦ ટકા લક્ષ્યાંક મેળવવા માટે આ ખાસ ડ્રાવિ શરૂ કરાઇ હતી. સપ્ટેમ્બર મહિનાના છેલ્લા દિવસોમાં તંત્ર દ્વારા રોજ ૧.૧૭ લાખથી વધુ લોકોને વેક્સિનેટ કરાયા હતા.

એટલે તંત્ર કોરોના વેક્સિનના ફર્સ્ટ ડોઝમાં ૧૦૦ ટકા લક્ષ્યાંક મેળવી ચુક્યુ છે. ગઇકાલ સુધી શહેરમાં કુલ ૭૩,૪૫,૯૪૧ લોકોએ કોરોનાનો પહેલો અથવા બીજાે ડોઝ મેળવ્યો છે, જેમાં કુલ ૪૬,૮૫,૭૦૧ લોકોએ કોરોનાનો પહેલો ડોઝ લીધો છે એટલે કે પહેલા ડોઝની ટકાવારી ૧૦૦ ટકાથી વધુને ૧૦૫ ટકા કરતા વધુ નોંધાઇ છે. તે વખતે લોકોને પ્રોત્સાહિત કરવા લકી ડ્રો દ્વારા ૨૫ મોબાઇલ ફોન ભેટ અપાયા હતા તેમજ એક ખાનગી કંપનીની મદદથી સ્લમ વિસ્તારમાં એક લિટર તેલના પાઉચનું વિતરણ કરાયુ હતું.

જ્યારે સેકન્ડ ડોઝમાં ખાસ સંતોષકારક સ્થિતિ નથી. હજુ પણ ૫૬.૬૦ ટકાલોકોએ જ વેક્સિનનો બીજાે ડોઝ લીધો છે. તંત્ર પણ કબુલાત કરે છે કે કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધા બાદના ૮૪ દિવસ વીતી ગયા પછી પણ અગમ્ય કારણસર તેનો બીજાે ડોઝ લેવા માટે લોકો આગળ આવતા નથી.

પરિણામે સેકન્ડ ડોઝ ન લેનારા લોકોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. આના કારણે તંત્રે દિવાળીના તહેવારોની રજાના માહોલ બાદ હવે સેકન્ડ ડોઝ પર ખાસ ભાર મૂકવાનો નિર્ણય લીધો છે. મ્યુનિ. હેલ્થ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓની એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં સેકન્ડ ડોઝ લેવાથી લોકો દૂર ભાગી રહ્યા હોવાનો મામલો ચર્ચાયો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers