Western Times News

Gujarati News

દારૂ પીધેલા યુવકને સીધા ઊભા રહેવાનું કહ્યું તો મહિલાને પેટમાં ચપ્પુ મારી દીધું

Youth suicide in bus

Files Photo

અમદાવાદ, નિકોલ વિસ્તારની લિફ્ટમાં પુષ્કળ દારૂ પીધેલ એક યુવક એક મહિલા પર પડ્યો હતો. જેથી મહિલાએ તેને સીધો ઊભો રહેવાનું કહેતા યુવકે પેટમાં ચપ્પુ મારી તેને ફટકારી હતી. બીજીતરફ મહિલા અને તેના પતિએ યુવકની માતાને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. બંનેએ નિકોલ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે.

નિકોલના પારંતી આવાસ યોજનામાં રહેતા પ્રિયંકાબહેન શર્માએ સંદીપ અને તેની માતા વિરૂદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રિયંકાબહેને આજથી બાર વર્ષ પહેલા અનિલ શર્મા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રિયંકાનો પતિ ફર્નિચરનું કામ કરે છે.

ગઇકાલે સાંજના પાંચ વાગ્યાની આસપાસ પ્રિયંકાબહેન ફ્લેટના નીચે આવેલ દૂધ પાર્લર પર દૂધ લેવા ગયા હતા. પ્રિયંકાબહેન તેમના ફ્લેટ પર જવા લિફ્ટમાં જતા હતા. ત્યારે સંદીપ નામનો યુવક પુષ્કળ દારૂ પીધેલી હાલતમાં લિફ્ટમાં હતો. જે અચાનક પ્રિયંકાબહેન પર પડ્યો હતો. જેથી પ્રિયંકાબહેન તેને સીધો ઊભો રહેવાનું કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો.

અને લિફ્ટની બહાર નીકળીને પ્રિયંકાબહેનના પેટમાં ચપ્પાના ઘા મારી દીધા હતા. આ દરમિયાનમાં સંદીપની માતા પણ આવી ગઇ હતી અને તેનું ઉપરાણું લઇને ગાળો બોલીને પ્રિયંકાબહેનને ગડદાપાટુનો માર માર્યો હતો. પ્રિયંકાબહેને બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી જતા તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા.

પ્રિયંકાબહેનને લોહી નિકળતું હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા. સારવાર દરમિયાન સંદીપ અને તેની માતા વિરૂદ્ધ તેમણે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સંદીપની માતા આશાબહેને પણ પ્રિયંકા અને તેના પતિ અનિલભાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આશાબહેને ફરિયાદમાં જણાવ્યું છે કે જ્યારે તેઓ લિફ્ટમાંથી ઊતરીને શાકભાજી લેવા જતા હતા ત્યારે ફ્લેટમાં અનિલભાઇ કોઇકને ગાળો બોલતા હતા. જેથી આશાબહેને અનિલભાઇને કહ્યું બેટા કેમ બોલે છે. આમ કહેતાં તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને કહ્યું કે તમારે શું હું ગમે તેને ગાળો બોલુ આમ કહીને આશાબહેનને ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી આશાબહેન અને પ્રિયંકાબહેનની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.