Western Times News

Gujarati News

અકસ્માતના બહાને ગઠિયા રૂપિયા લઈ ફરાર થઈ ગયા

પ્રતિકાત્મક

અમદાવાદ, અમદાવાદ શહેરમાં એક બાદ એક ઠગાઈ અને વિશ્વાસઘાતની સાથે છેતરપીંડીનાં વિચિત્ર કિસ્સા સામે આવી રહ્યા છે. શહેરનાં સાબરમતી વિસ્તારમાં એક આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. માતા પિતા બંને નોકરી કરતા હોય તેવા પરિવાર માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે.

એક પરિવારમાં રહેતું દંપતી નોકરીએ ગયું હતું અને બાળકો ઘરે એકલા હતા. ત્યારે એક શખ્સ આવ્યો અને આ બાળકોને તેમના પિતાનો અકસ્માત થયો હોવાનું કહી ઘરમાંથી ૮૦ હજાર કઢાવી ૪૮ હજાર લઈ ૩૨ હજાર પરત આપી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બાબતની જાણ થતા જ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી પાસે પોલીસે ઘટના સાંભળી તો પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઇ છે. હાલમાં આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરાઇ છે. મૂળ બનાસકાંઠાનાં અને હાલ સાબરમતી ટોલનાકા પાસે રહેતા પ્રવીણભાઈ પરમાર કાલુપુર અમદુપુરા રોડ પર આવેલી એક પ્લાસ્ટિકની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.

ગત ઓક્ટોબર માસમાં તેમના સંતાનો ઘરે હતા ત્યારે તેમની પુત્રીએ તેમને ફોન કર્યો અને પૂછ્યું કે પપ્પા તમને એક્સીડેન્ટ થયો છે? જેથી પ્રવીણભાઈ સાજા સમા હોવાથી ના પાડી હતી. ત્યારે તેમની પુત્રીએ જણાવ્યું કે મમ્મી પપ્પા નોકરીએ ગયા ત્યારે એક ૨૦ થી ૩૦ વર્ષની ઉંમરનો એક ભાઈ આવ્યો હતો. જેણે ભાઈ રાહુલને બોલાવીને કહ્યું કે તારા પપ્પાનો અકસ્માત થયો છે દવા માટે ઘરમાં રૂપિયા પડયા હોય તો લઈ લે.

જેથી આ રાહુલે બહેનને ઊંઘમાંથી જગાડી અને આ વાત કરી હતી ત્યારે તેણીએ ઘરમાં પૈસા ન હોવાનું જણાવ્યું હતુ. પણ રાહુલને ઘરમાં પૈસા હોવાની જાણ હતી. જેથી તેણે ઘરમાં કબાટમાંથી ૮૦ હજાર કાઢી આ વ્યક્તિને આપી દીધા હતા. જે વ્યક્તિએ ૪૮ હજાર કાઢી લીધા અને ૩૨ હજાર પરત આપી દીધા હતા.

બાદમાં પ્રવીણભાઈનાં પુત્ર રાહુલને તે હોસ્પિટલ સાથે આવવાનું કહેતા તેણે પિતાને ફોન કરવાનું કહ્યું હતું. જેથી નંબર લગાવવાનો ડોળ કરી ગઠીયાએ ફોન નથી લાગતો કહી રાહુલને લઈ ગયો હતો. રાહુલ પાડોશી એક છોકરાને પણ સાથે લઈ ગયો હતો. ટોલનાકા પાસેથી રિક્ષામાં આ ગઠિયો સુભાસબ્રિજ પાસે લઈ ગયો અને સામે નું કોમ્પકલેક્સ બતાવી તારી માતા ને લઈને અહીં આવજે કહી ફરી રિક્ષામાં બેસાડી ઘરે મોકલી આપ્યો હતો.

બાદમાં સંતાનોએ પ્રવીણભાઈને ફોન કરતા મામલાની જાણ થઈ અને કોઈ ગઠિયો ઉલ્લુ બનાવી ૪૮ હજાર લઈ રફુચકકર થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. જેથી સમગ્ર બાબતની ફરિયાદ પ્રવીણ ભાઈએ નોંધાવતા હવે સાબરમતી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી ગઠિયાને શોધવા તજવીજ હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.