Western Times News

Gujarati News

ટીમમાં તડાં, વિરાટ કોહલી ટી૨૦માંથી નિવૃત્તી લઈ લેશે

ઈસ્લામાબાદ, પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર મુશ્તાક અહેમદનું કહેવું છે કે ભારતીય ડ્રેસિંગ રૂમમાં બધુ બરાબર નથી. તેણે કહ્યું છે વિરાટ કોહલીએ હજી તો ટીમનું સુકાની પદ છોડ્યું છે પરંતુ તે જલદીથી ટી૨૦માંથી સંન્યાસ લઈ લેશે. જાેકે, અહેમદે કહ્યું હતું કે, ભારતીય ટીમ ટી૨૦ વર્લ્‌ડ કપમાં જલદીથી બહાર થઈ ગઈ તેનું કારણ બાયો બબલ ફટિગ પણ હોઈ શકે છે.

નોંધનીય છે કે વિરાટ કોહલીએ પહેલા જ જાહેર કરી દીધું હતું કે ટી૨૦ વર્લ્‌ડ કપ બાદ તે ભારતીય ટી૨૦ ટીમનું સુકાની પદ છોડી દેશે. જ્યારે આઈપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમનું સુકાની પદ પણ છોડી દીધું છે. મુશ્તાક અહેમદે જણાવ્યું હતું કે, જ્યારે એક સફળ સુકાની વચ્ચે જ સુકાની પદ છોડી દે તો તેનો મતલબ સ્પષ્ટ છે કે ટીમમાં બધું સામાન્ય નથી. મને લાગે છે કે ટીમ ઈન્ડિયા બે જૂથમાં વહેંચાયેલી છે.

એક દિલ્હી જૂથ અને એક મુંબઈ જૂથ. નોંધનીય છે કે હાલમાં મુશ્તાક અહેમદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં પદાધિકારી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરનું માનવું છે કે કોહલી ટૂંક સમયમાં જ ટી૨૦ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેશે. એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં અહેમદે કહ્યું હતું કે, વિરાટ કોહલી આઈપીએલમાં તો રમશે પરંતુ દેશ માટે જેટલું ટી૨૦ ક્રિકેટ રમવું હતું તે રમી ચૂક્યો છે.

ટી૨૦ વર્લ્‌ડ કપમાં ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી. ગ્રુપમાં પાંચમાંથી ત્રણ મેચમાં તેનો વિજય થયો હતો જ્યારે બે મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો જેના કારણે તે સુપર-૧૨ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. ભારતને પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્‌ડ કપ (ટી૨૦ અને વન-ડે)માં પાકિસ્તાન સામે ભારતનો આ પ્રથમ પરાજય છે.

મુશ્તાક અહેમદનું કહેવું છે કે ભારતીય ટીમના પરાજયનું કારણ આઈપીએલ પણ કહી શકાય. આટલી લાંબી ટુર્નામેન્ટમાં સતત રમતા રહેવું આસાન વાત નથી. આટલા બધાં દિવસ સુધી બાયો બબલમાં રહેવું મુશ્કેલ બની જાય છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ સુકાની ઈંઝમામ ઉલ હકે પણ તેની વાતનું સમર્થન કરતા કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓ આટલા દિવસો સુધી બાયો બબલમાં રહ્યા જેના કારણે તેઓ થાકી ગયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.