Western Times News

Gujarati News

ગુજરાતમાં ડ્રગ્સનું દુષણ ચલાવી લેવામાં આવશે નહીં

પ્રતિકાત્મક

સતત પકડાઈ રહેલા ડ્રગ્સના જથ્થા વિશે સંઘવીએ જણાવ્યુ કે, ડ્રગ્સનું દૂષણ દુનિયામાં ઝડપથી વધી રહ્યુ છે

ગાંધીનગર, ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યુ છે. દેશભરમાં ડ્રગ્સ ધૂસાડવા માટે ગુજરાત સેફ પેસેજ બની રહ્યું છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે આજે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ૬૬ કિલોથી વધુનુ ડ્રગ્સ પકડાયુ છે.

આ મુદ્દે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આકરા શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, ગુજરાતમાં ડ્રગ્સ કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહિ આવે. ગુજરાતમાં સતત પકડાઈ રહેલા ડ્રગ્સના જથ્થા વિશે તેમણે જણાવ્યુ કે, ડ્રગ્સનું દૂષણ દુનિયામાં ઝડપથી વધી રહ્યુ છે. યુવા ધનને ડ્રગ્સમાં ધકેલવા માટે માફિયાઓ અનેક ટ્રીક વાપરે છે.

ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અનેક મહિનાઓથી ડ્રગ્સને ગુજરાતના ખૂણેખૂણેથી બહાર કાઢવા માટે સારી કામગીરી કરવામાં આવી રહી હતી. છેલ્લાં બે મહિનાથી રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સ મામલે ૫૮ કેસ કરવામાં આવ્યા છે.

૯૦ થી વધુ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. હજી ડ્રગ્સ પેડલરને પકડવાની કામગીરી ચાલી રહી છે.
છેલ્લા ૫૫ દિવસમાં ૫૭૫૬ કિલો ડ્રગ્સ પકડાયુ છે. અત્યાર સુધી ૨૪૫ કરોડથી વધુનુ ડ્રગ્સ બે મહિનામાં પકડાયુ છે. જેમાં દ્વારકાનો આંકડો સામેલ નથી.

આ સાથે જ તેમણે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની ટીમને ડ્રગ્સ પકડવાની કામગીરી માટે અભિનંદન આપ્યા હતા. તેમણે વધુમાં કહ્યુ કે, ગત બે ત્રણ દિવસમાં ગુજરાત પોલીસની અલગ અલગ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે. માત્ર જિલ્લાની પોલીસ દ્વારા દ્વારકામાં આટલુ મોટુ કન્સાઈમેન્ટ પકડવુ એ પહેલી ઘટના બની છે.

અમદાવાદ, સુરતમાં પેડલરની ધરપકડ કરાઈ છે. તો છોટાઉદેપુરમાં પણ ગાંજાની ખેતી પકડાઈ છે. ગુજરાત સરકાર દ્વારા ડ્રગ્સ માટે પોલિસી બનાવાઈ હતી, જેમાં આ સફળતા હાથ લાગી છે. ડ્રગ્સ મામલે વિધાનસભામાં કહ્યુ હતું કે, ડ્રગ્સ વેચાય તે પહેલા પોલીસ દ્વારા પકડાય તો તે પોલીસની સફળતા છે.

જેનાથી હજારો લોકોના જીવ જાેખમમાં જતા બચે છે. આ સિસ્ટમને પર્દાફાશ કરવી જરૂરી છે. લોકોને પણ અપીલ છે કે, પોલીસ કામગીરીમાં મદદ કરે અને પોલીસની કામગીરીને બિરદાવે. ગુજરાતમાં ડ્રગ્સ કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહિ આવે. કોસ્ટલ સિક્યુરિટી માટે આપણી પાસે તમામ પ્રકારની વ્યવસ્થા છે. આ મામલે પૂરતી કાળજી લેવાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.