Western Times News

Gujarati News

ડમી એકાઉન્ટ બનાવી નાણાં પડાવવાનું કાવતરૂ કરતાં પૂર્વ મંત્રી સામે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ 

(પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદ શહેરમાં રહેતા ભાજપના પૂર્વ મંત્રી સી ડી પટેલના નામથી કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ફેસબુકમાં ડમી એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ દ્વારા લોકો પાસેથી નાણાંની માંગણી કરવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે.

જેને કારણે સી ડી પટેલે આ અંગેની જાણ કરતો મેસેજ પણ તેઓના ફેસબુક એકાઉન્ટ ઉપર ગતરાત્રીએ મૂકવામાં આવ્યો હતો. જાે કે તેઓએ આ અંગેની લેખિત ફરિયાદ જીલ્લા સાઈબર ક્રાઈમના પીઆઈને કરી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ ભાજપમાં સક્રિય અને પીઢ નેતા તરીકેનું પ્રભુત્વ સી ડી પટેલ ધરાવે છે. તેઓ વર્ષ ૨૦૦૨ની વિધાનસભા ચૂંટણીમાં જીતી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.

તેઓની આ સફળતાને કારણે પાર્ટીએ તેઓને રાજ્યકક્ષાના મંત્રીની જવાબદારી સોંપી હતી. જાે કે ત્યારબાદ તેઓ ક્યારેય વિધાનસભાની ચૂંટણી જીતી શક્યા નથી. આ પૂર્વ મંત્રીના નામથી કોઈ અજાણી વ્યક્તિએ ફેસબુક ઉપર ડમી એકાઉન્ટ શરૂ કર્યું હોવાની વિગતો બહાર આવી હતી.

આ ડમી એકાઉન્ટ ઓપરેટ કરનાર વ્યક્તિ દ્વારા સી ડી પટેલના અંગત માણસો પાસેથી બે હજાર, ત્રણ હજાર, પચ્ચીસ હજાર, પાંત્રીસ સજાર જેવી રકમ મેસેન્જર દ્વારા કરવામાં આવતી હતી. નાણાં મેળવવા અરજન્ટ જરૂરિયાત બતાવી બીજે દિવસે પરત કરવાનું પણ જણાવવામાં આવતું હતું.

આ માંગણી કરતા મેસેજની માહિતી સી ડી પટેલના એક અંગત વ્યક્તિએ કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. જેના આધારે સી ડી પટેલે ગતરોજ જીલ્લા સાઈબર ક્રાઈમ પીઆઈને લેખિત ફરિયાદ આપી હતી. જેમાં વધુ જણાવ્યું છે કે તેઓ વર્ષ ૨૦૧૧થી ફેસબુક એકાઉન્ટ ધરાવે છે.

કોઈ અજાણી વ્યક્તિ દ્વારા બનાવટી એકાઉન્ટ ખોલી નાણાં પડાવવા ગુગલ – પે, પેટીએમ જેવા ડિજીટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેઓ રાજકીય અને સામાજીક પ્રતિષ્ઠા ધરાવતા હોવાથી તેઓની છબીને નુકશાન કરવાનું કાવતરૂ હોવાનો ઉલ્લેખ પણ આ ફરિયાદમાં કરાયો છે. જે અંગે આવા શખ્સોને શોધી – પકડી કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી પણ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.