Western Times News

Gujarati News

હાર્દિકની ટીમ ઈન્ડિયા અને MIમાંથી હકાલપટ્ટીના સંકેત

મુંબઈ, એક સમયે ભારતીય ક્રિકેટ ટીમમાં નવા કપિલ દેવ તરીકે ગણવામાં આવતા ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાને હવે ટીમમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરવો પડશે. નવા પ્રતિભાશાળી ખેલાડીઓના આગમન અને પોતાની ઈજાના કારણે બરોડાના સ્ટાર ક્રિકેટરની મુશ્કેલીઓ ચોક્કસથી વધશે.

ઈજાના કારણે તે બોલિંગ કરી શકતો નથી અને ટીમમાં ફક્ત બેટર તરીકે જ રમી રહ્યો છે. જેના કારણે તેનું સ્થાન વધારે જાેખમમાં મૂકાઈ ગયું છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે રમાનારી ટી૨૦ સીરિઝ માટે સુકાની રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં હાર્દિક પટેલને બાકાત રાખવામાં આવ્યો છે. હવે સૌથી મોટો સવાલ જ એ ઊભો થાય છે કે ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાનું ભવિષ્ય શું?

હાર્દિક પંડ્યાએ ઈજા મુક્ત થયા બાદ શ્રીલંકા પ્રવાસ ખેડ્યો હતો. ત્યારબાદ યુએઈમાં રમાયેલી આઈપીએલ-૨૦૨૧ની બીજા તબક્કાની મેચોમાં રમ્યો હતો. જાેકે, મુંબઈ ઈન્ડિન્સ માટે તે ફક્ત બેટર તરીકે જ રમ્યો હતો અને તેણે બોલિંગ કરી ન હતી. અહીંથી જ તેની મુશ્કેલીઓની શરૂઆત થઈ છે. ટી૨૦ વર્લ્‌ડ કપ આવ્યો ત્યારે હાર્દિક પંડ્યાને લઈને ચિંતા શરૂ થઈ હતી.

હાર્દિકે નેટ્‌સમાં બોલિંગ કરી હતી પરંતુ સંપૂર્ણ પણે ફિટ નથી. ટી૨૦ વર્લ્‌ડ કપ અગાઉ પ્રેક્ટિસ મેચમાં સુકાની વિરાટ કોહલીએ બોલિંગ કરી હતી જેથી કરીને છઠ્ઠા બોલરના વિકલ્પ તરીકે તૈયાર થઈ શકે. ટી૨૦ વર્લ્‌ડ કપમાં બેટિંગમાં પણ તેણે નિરાશ કર્યા હતા અને બોલિંગ ન કરી શકતો હોવાના કારણે ટીમમાં તેની હાજરીને લઈને સવાલો પણ ઉઠવા લાગ્યા છે.

ટીમને એક ઝડપી બોલિંગ ઓલ-રાઉન્ડરની ખોટ સાલી રહી છે. તેવામાં શાર્દૂલ ઠાકુર એક સારો વિકલ્પ બની શકે છે. આઈપીએલ ઉપરાંત ટેસ્ટ ટીમમાં પણ ઠાકુરે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. ઓલ-રાઉન્ડરની વાત કરવામાં આવે તો વેંકટેશ ઐય્યરે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમતા તેણે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. અગાઉ મીડિયા અહેવાલ પ્રમાણે મુકેશ અંબાણીની માલિકીની મુંબઈ ઈન્ડિયન્સ ટીમ આગામી આઈપીએલ માટે હાર્દિક પંડ્યાને રિટેન કરે તેવી શક્યતાઓ નહિવત છે.

આઈપીએલની સૌથી શ્રેષ્ઠ ટીમોમાં સામેલ અને રેકોર્ડ પાંચ વખત ચેમ્પિયન બનનારી મુંબઈ ઈન્ડિયન્સ તેની કોર ટીમમાં મોટા ફેરફાર કરે તેવી શક્યતા ઓછી છે. પરંતુ ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા ટીમમાંથી બહાર થઈ શકે છે. હાલમાં હાર્દિક પંડ્યા બોલિંગ કરતો નથી અને એક સ્પેશિયાલિસ્ટ બેટર તરીકે રમી રહ્યો છે.

મુંબઈ રોહિત શર્મા, કેઈરોન પોલાર્ડ અને જસપ્રિત બુમરાહને રિટેન કરશે તે તો નિશ્ચિત છે. જાે ચોથો ખેલાડી રિટેન કરવાનો હશે તો તે માટે સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન મજબૂત દાવેદારો છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જાેકે, હરાજીમાં યોગ્ય કિંતમમાં આવશે તો મુંબઈ ઈન્ડિયન્સ તેને ફરીથી પોતાની ટીમમાં સામેલ કરી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.