Western Times News

Gujarati News

PSI ન બની શકનારો યુવક અંતે આઈપીએસ બની ગયો

પ્રતિકાત્મક

હૈદરાબાદ, ત્રણ વર્ષ અગાઉ શ્રીશેટ્ટી શંકતીર્થ પીએસઆઈની ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ દરમિયાન ૮૦૦ મીટરની દોડમાં થોડી સેકન્ડો માટે ચૂકી ગયો હતો. તે વખતે તે એટલો હતાશ થઈ ગયો હતો કે તેને એમ જ લાગતું હતું કે હવે તે ક્યારેય પોલીસ ઓફિસર નહીં બની શકે.

જાેકે, ૧૨ નવેમ્બરના રોજ શંકતીર્થ પોતાના ૧૩૨ સાથીઓ સાથે હૈદરાબાદ સ્થિત સરદાર પટેલ નેશનલ પોલીસ એકેડમીમાંથી આઈપીએસ ઓફિસર બનીને બહાર નીકળ્યો. પીએસઆઈ બનવામાં નિષ્ફળ રહેલા ૨૭ વર્ષના શંકતીર્થ માટે આઈપીએસ ઓફિસર બનવું એક સપનું પૂરું થવા સમાન છે.

ઈલેક્ટ્રિશિયન પિતાનો દીકરો શંકતીર્થ મૂળ તેલંગાણાના મંચેરિયલ જિલ્લાનો રહેવાસી છે. પોતાની સફળતા અંગે તેણે જણાવ્યું હતું કે, પીએસઆઈ બનવા માટે તેને ૮૦૦ મીટરની દોડ ત્રણ મિનિટમાં પૂરી કરવાની હતી, પરંતુ તેમાં તે નાપાસ થયો હતો.

પીએસઆઈની લેખિત પરીક્ષામાં પાસ થનારો શંકતીર્થ ફિઝિકલ ટેસ્ટ માટે તૈયારી કરી રહ્યો હતો. તેની સાથે તે યુપીએસસીની પરીક્ષા માટે પણ મહેનત કરી રહ્યો હતો. પરંતુ, પીએસઆઈની ભરતીમાં નાપાસ થયા બાદ શંકતીર્થે ખાખી પહેરવાનું સપનું જ છોડી દીધું હતું.

તેણે આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે સરકારી નોકરી પણ શરુ કરી દીધી હતી. જાેકે, આ દરમિયાન તે યુપીએસસીની પરીક્ષા માટે વધુ ગંભીર બન્યો હતો. બીજી તરફ, સરકારી નોકરીમાં પણ કામ ઓછું નહોતું. તેને ઓફિસે જવા માટે સવારે ૭.૩૦ કલાકે ઘરેથી નીકળી જવું પડતું હતું. સાંજે ઓફિસેથી પરત આવ્યા બાદ તે પરીક્ષાની તૈયારી કરતો હતો.

શરુઆતમાં શંકતીર્થને યુપીએસસી પાસ કરવાનું ખૂબ જ મુશ્કેલ લાગતું હતું. પરંતુ તે હિંમત ક્યારેય ના હાર્યો. આખરે પાંચમા પ્રયાસમાં તેણે યુપીએસસી ક્લીયર કરી હતી, અને તેમાં ૩૩૦મો રેન્ક લાવ્યા બાદ તેને આઈપીએસ બનવાનો મોકો મળ્યો હતો.

પીએસઆઈની પરીક્ષામાં ફિઝિકલ ટેસ્ટમાં નાપાસ થનારો શંકતીર્થ આઈપીએસની ટ્રેનિંગ દરમિયાન સ્પોર્ટ્‌સમાં અવ્વલ હતો, અને તેણે કેટલાક મેડલ્સ પણ જીત્યા છે. તેને પોતાના જ રાજ્યની કેડર એલોટ કરવામાં આવી છે. એક અખબાર સાથે વાત કરતાં શંકતીર્થે જણાવ્યું હતું કે તેના પિતા તેને હંમેશા આઈપીએસ ઓફિસર તરીકે જાેવા માગતા હતા. શંકતીર્થ અને તેના બીજા બેચમેટ્‌સને થોડા જ સમયમાં એક ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે ફ્રાંસ મોકલવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.