Western Times News

Gujarati News

ત્રણ દિવસ પછી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી શકે છે

અમદાવાદ, ગુજરાતના વિવિધ શહેરોમાં શિયાળાની શરુઆત થઈ ગઈ છે. મોટા ભાગના શહેરોમાં વહેલી સવારે લોકોને ઠંડીનો અનુભવ થાય છે. આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા પણ સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અમુક ભાગોમાં માવઠાની આગાહી પણ કરી હતી. દક્ષિણ ભારતના તમિલનાડુ, પોંડિચેરીમાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકાર થઈ રહ્યો છે.

બંગાળની ખાડીમાં પણ ડિપ્રેશનની આગાહી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જાે કે અત્યારે ભેજનું પ્રમાણ ઘટ્યું છે અને ગુલાબી ઠંડીની શરુઆત થઈ છે. બપોરના સમયે હજી પણ ગરમીનો અનુભવ થાય છે.

અત્યારે રાજ્યભરમાં મિશ્રઋતુ ચાલી રહી છે, પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. રાજ્યમાં સામાન્ય રીતે કડકડતી ઠંડી ડિસેમ્બર, જાન્યુઆરીમાં પડતી હોય છે. પરંતુ ભૂતકાળમાં નવેમ્બરમાં પણ કડકડતી ઠંડી પડી હોવાનો રેકોર્ડ નોંધાયેલો છે. પાછલા એક દશકાની વાત કરીએ તો અમદાવાદમાં ૨૯-૧૧-૨૦૧૨ના રોજ સૌથી વધારે ૧૧.૩ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

રાજકોટમાં વર્ષ ૨૦૧૫માં ૨૮મી નવેમ્બરના રોજ ૧૩.૮ ડિગ્રી ઠંડીનો રેકોર્ડ છે. સુરતની વાત કરીએ તો વર્ષ ૨૦૧૬માં ૧૦મી નવેમ્બરના રોજ ૧૫ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. આગામી ત્રણ દિવસમાં રાજકોટ અને અમદાવાદમાં તાપમાન ઘટીને ૧૫થી ૧૬ સેલ્સિયસ થવાની શક્યતા છે.

સુરતમાં તાપમાન ૨૧ સેલ્સિયસ આસપાસ જળવાઈ રહેશે. અત્યારે ગાંધીનગર અને નલિયામાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓના શહેરોમાં સૌથી નીચું તાપમાન જૂનાગઢમાં ૧૫.૪ સેલ્સિયસ નોંધાયુ હતુ. જામનગરમાં પણ લોકોએ ઠંડી અનુભવી હતી. લોકોએ એસી બંધ કરી દીધા છે અને પંખા પણ ધીમા કરી દીધા છે. આવનારા સમયમાં ઠંડી વધવાની શક્યતા છે. નવેમ્બર ડિસેમ્બરમાં લગ્નની પણ સીઝન છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.