Western Times News

Gujarati News

ગુજરાતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ-અંકિતા રૈનાને અર્જૂન એવોર્ડ મળશે

ગાંધીનગર, ગુજરાતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલને શનિવારે અર્જૂન એવોર્ડથી નવાજવામાં આવશે.ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ સાથે ટેનીસ પ્લેયર અંકિતા રૈનાને પણ અર્જૂન એવોર્ડથી નવાજવામાં આવશે. ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું હતું. ભાવિનાએ ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો.

ભાવિના પટેલને, રાજ્ય સરકાર વર્ગ -૧ નાં સરકારી અધિકારી તરીકે નોકરી પણ પ્રદાન કરી શકે છે. ગુજરાત અને ભારતને વિશ્વ સ્તરે પોતાના આગવા રમત કૌશલ્યથી વિશ્વ ફલક પર નામ રોશન કરનારી ગુજરાતની દીકરી ભાવિના પટેલનું રાજ્ય સરકારે પણ બહુમાન કર્યું હતું.

ગુજરાતના મહેસાણા જિલ્લાની વતની ભાવિના પટેલનું જીવન દૃઢ સંકલ્પનો પર્યાય છે. ભાવિનાને માત્ર ૧૨ મહિનાની ઉંમરે પોલિયો થયો હતો અને તેના કારણ તેમનું જીવન અંધકારભર્યું ભાસતું હતું. સતત હિમત અને ધૈર્ય પ્રદાન કરતા રહેતા માતા-પિતા ભાવિનામાં હર પળે ઉત્સાહનો સંચાર કરતા રહેતા અને તાલીમ પણ આપતા. આ જ કારણ છે કે, ભાવિના પટેલ પેરાલિમ્પિકમાં ઈતિહાસ રચી શકી હતી.

ભાવિના પટેલ સાથે જ ટેનીસ પ્લેયર અંકિતા રૈનાને પણ શનિવારે અર્જૂન એવોર્ડથી નવાજવામાં આવશે. ગુજરાતની અંકિતા રૈનાનો જન્મ અમદાવાદમાં થયો છે. તેમનાં પિતા રવિન્દરકૃષ્ણમૂળ કાશ્મીરના છે. અંકિતા રૈનાએ તેમના ઘરની નજીકની એકૅડમીમાં ચાર વર્ષની ઉંમરે રમવાનું શરૂ કર્યું હતું. અંકિતા રવિન્દરકૃષ્ણ રૈના ભારતમાં મહિલા સિંગલ્સ અને ડબલ્સ બંનેમાં વર્તમાન સમયમાં પ્રથમ ક્રમાંક ધરાવે છે.

અંકિતાએ ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન સર્કિટમાં ૧૧ સિંગલ્સ અને ૧૭ ડબલ્સ ટાઇટલની સાથે ડબલ્સમાં એક ડબ્લ્યુટીએ ૧૨૫ કે શ્રેણી જીતી છે. ડબ્લ્યુટીએ ૧૨૫ કે મહિલા ટેનિસ એસોસિએશન દ્વારા ૨૦૧૨ થી ૨૦૨૦ સુધી આયોજિત કરવામાં આવતી વ્યવસાયિક મહિલા ટેનિસ પ્રતિયોગિતાની આંતરરાષ્ટ્રીય શ્રેણી છે.

એપ્રિલ ૨૦૧૮ માંતેમણે પ્રથમ વખત ટોચની ૨૦૦ સિંગલ્સ વર્લ્‌ડ રેન્કિંગમાં પ્રવેશ મેળવ્યો હતો, આ સિદ્ધિ હાંસલ કરનારાં તેઓ પાંચમાં ભારતીય ખેલાડી હતાં. અંકિતાએ સાઉથ એશિયન ગેમ્સ- ૨૦૧૬માં મહિલા સિંગલ્સ અને મિક્સ ડબલ્સ ઇવેન્ટ્‌સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા અને ૨૦૧૮ એશિયન ગેમ્સમાં મહિલા સિંગલ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.