Western Times News

Gujarati News

મુખ્યમંત્રીની રાધનપુર તાલુકાના વડનગર ખાતે ભાગવત સપ્તાહમાં પ્રેરક ઉપસ્થિતિ

પાટણ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવતકથા સપ્તાહ ભક્તિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. ભાગવત સપ્તાહમાં મુખ્યમંત્રીએ કથાકાર ગૌતમભાઇ શાસ્ત્રીના આશીર્વાદ મેળવી રાજ્યની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કથાનું રસપાન કરવા આવેલ સૌને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે જે આસ્થાથી આપ લોકો અહી બેઠા છો એ જ આસ્થાથી હું ગાંધીનગર બેઠો છું. વ્યક્તિને જીવનમાં આવતી દરેક પરિસ્થિતિમાં જાે જીવતા આવડી જાય તો ઘણી બધી સમસ્યાઓ ઓછી થઇ જાય અને એ શીખવવા માટે જ ભાગવત સપ્તાહ જેવી કથાઓનું આયોજન થતું હોય છે.

શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી છતા એમણે કોઈનો વાંક કાઢ્યો નહોતો. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે આજે આપ સૌના આશીર્વાદ લઇ ગાંધીનગર જઉં છું.

જેથી, રાજ્યના છેવાડાના માનવી માટે ખૂબ સારા કાર્યો કરવાની ઊર્જા મળશે. આપની તકલીફ અમારા સુધી પહોંચાડજાે અમે એને ચોક્કસથી દૂર કરીશું.

પૂર્વમંત્રી, બનાસડેરીના ચેરમેન અને ભાગવત સપ્તાહના યજમાન શંકરભાઇ ચૌધરીએ કાર્યક્રમોની વ્યસ્તતા વચે પધારવા બદલ સિમ્પલ લિવિંગ – હાઇ થિંકિંગમાં વિશ્વાસ ધરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતા તેમણે જણાવ્યું કે આજે સરહદી વિસ્તારમાં મુખ્યમંત્રીનું આગમન એ સમગ્ર સરહદી વિસ્તારનું સન્માન છે. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ એમનો આપણા સૌ પ્રત્યેનો પ્રેમ અને એમની ધર્મ પ્રત્યેની આસ્થા દર્શાવે છે.

મુખ્યમંત્રીનું શાલ ઓઢાડી તથા મોમેન્ટો આપીને મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંગઠનના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, સામાજીક અગ્રણી દીલિપભાઈ દેશમુખ, જિલ્લા પ્રભારી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, સંગઠનના જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, ભૂતપૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર અને લવિંગજી ઠાકોર, પદાધિકારીશ્રીઓ, જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટી, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, અધિકારીશ્રીઓ તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.