Western Times News

Gujarati News

સરદારબ્રિજનું રિપેરિંગ શરૂ થવાથી ‘ટ્રાફિક જામ’ની પરિસ્થિતિ ઉપસ્થિત થાય તેવી શક્યતા

તા. ૧૫ નવેમ્બરથી સરદારબ્રિજના એક્સ્પાન્શન જાેઇન્ટને રિપેર કામગીરી હાથ ધરાશે. આ કામગીરી બે મહિના સુધી એટલે કે ૧૫ જાન્યુઆરી, ૨૦૨૨ સુધી ચાલશે.

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના જુદા જુદા રિવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ વગેરે બ્રિજના એક્સ્પાન્શન જાેઇન્ટ બદલવાની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત હવે સાબરમતી નદી પરના રિવરબ્રિજને રિપેર કરાશે. આગામી સોમવારથી સરદારબ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરાશે. આ કામગીરી દરમિયાન સમગ્ર વાહનવ્યવહારને એક જ લેન પરથી પસાર થવાનું હોઇ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાશે.

તંત્ર દ્વારા ગત ઓગસ્ટ-૨૦૧૯માં સાબરમતી નદી પરના દાયકાઓ જુના સુભાષબ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરાયુ હતું. સુભાષબ્રિજને રિપેર કર્યા બાદ સત્તાવાળાઓએ શહેરીજનો માટે મહત્ત્વપૂર્ણ એવા નહેરુબ્રિજને રિપેર કરવા લીધો હતો. સુભાષબ્રિજ અને નહેરુબ્રિજને વાહનચાલકો માટે સુગમ બનાવ્યા બાદ તંત્રે ગાંધીબ્રિજનું રિપેરિંગ હાથ ધર્યું હતુ

અને હવે સરદારબ્રિજના રિપેરિંગનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા અગાઉ ગિરધરનગરબ્રિજ અને ચામુંડાબ્રિજનું પણ રિપેરિંગ કરાયુ હતુ. હવે સાબરમતી નદી પરના વધુ એક રિવરબ્રિજનું નવીનીકરણ કરાશે.

સુભાષબ્રિજના રિપેરિંગ માટે ગયા વર્ષે દિવાળી બાદ તેને સતત ૨૦ દિવસ સુધી બંધ રખાયો હતો. નહેરૂબ્રિજને બેરિંગ તેમજ જાેઇન્ટ એક્સ્પાન્શનના રિપેરિંગ માટે ગત તા.૧૩ માર્ચથી તા.૩૦ એપ્રિલ, ૨૦૨૧ સુધી બંધ રખાયો હતો. નહેરબ્રિજમાં બેરિંગ વધુ હતી તેમજ અને તેને ઊંચો કરીને તેમાં પેડેસ્ટલ ભરવાનું હતું એટલે નહેરુબ્રિજને ૪૫ દિવસ સુધી બંધ રખાયો હતો.

છેલ્લા ગાંધીબ્રિજના રિપેરિંગની કામગીરી ગત તા.૮ ઓગસ્ટ, ૨૦૨૧થી તંત્રે હાથ ધરી હતી. આ કામગીરી બે મહિનામાં આટોપી લેવાની હતી, પરંતુ તેમાં થોડો વિલંબ થયો હતો. સુભાષબ્રિજ અને નહેરુબ્રિજમાં નીચેની બેરિંગ ઘસાઇ ગઇ હોઇ તેને હાઇડ્રોલિક જેકની મદદથી ઊંચો કરીને બેરિંગ બદલવી પડી હતી,

જ્યારે ગાંધીબ્રિજમાં માત્ર એક્સ્પાન્શન જાેઇન્ટ રિપેર કરાયા હોઇ તેને વાહનવ્યવહાર માટે પૂર્ણપણે બંધ કરાયો ન હતો. તેમ છતાં વાહનચાલકો માટે એક લેન ચાલુ રખાતા તેઓ સવા બે હમિના સુધી પરેશાન થયા હતા.

હવે તા. ૧૫ નવેમ્બરથી દાયકાઓ જુના સરદારબ્રિજના એક્સ્પાન્શન જાેઇન્ટને રિપેર કામગીરી હાથ ધરાશે. આ કામગીરી બે મહિના સુધી એટલે કે ૧૫ જાન્યુઆરી, ૨૦૨૨ સુધી ચાલશે. પહેલા જમાલપુર સ્મશાનગૃહથી એઆઇડી તરફ જતી લેનના એક્સ્પાન્શન જાેઇન્ટ બદલાશે એટલે એક મહિના સુધી તેની બાજુની લેન પર બંને તરફના વાહનોએ અવરજવર કરવાની રહેશે. ત્યારબાદ ટાઉનહોલથી જમાલપુર તરફની લેનના બાકી રહેતા એક્સ્પાન્શન જાેઇન્ટ બદલાશે તે વખતે પણ બીજી બાજુની લેન પરથી બંને તરફના ટ્રાફિકે અવરજવર કરવાની રહેશે.

સરદારબ્રિજની બંને લેન પર કુલ ૨૦-૨૦ એક્સ્પાન્શન જાેઇન્ટ છે એટલે કે કુલ ૪૦ એક્સ્પાન્શન જાેઇન્ટ બદલાશે. આ કામગીરી પાછળ મ્યુનિસિપલ તંત્ર દ્વારા રૂ.૮૦ લાખનો ખર્ચ કરાશે.

મ્યુનિસિપલ તંત્ર દ્વારા દિવાળીના તહેવારો બાદ સરદારબ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરનારા હોઇ ૨૪ કલાક ટ્રાફિકથી ધમધમતા આ બ્રિજ પર વાહનચાલકોને એક લેન ખુલ્લી મુકાવાની હોઇ મુશ્કેલી ઊભી થસે. ગીતામંદિર બસ સ્ટેન્ડ સાથે આ બ્રિજ સંકળાયેલો હોઇ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસની અવરજવર પર પણ આંશિક અસર થશે.

એપીએમસી માર્કેટ, સપ્તર્ષિ સ્મશાનગૃહ, ટાગોર હોલ અને ફૂલબજાર જેવા મહત્વના કેન્દ્રો પણ બ્રિજ સાથે સંકળાયેલા હોઇ રિપેરિંગ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક જામની સમસ્યા ઉદભવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ દિવાળીના તહેવારો પહેલા સરદારબ્રિજના રિપેરિંગની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાનાર હતી, કેમ કે તે દિવસોમાં સ્વાભાવિકપણે ટ્રાફિક ઓછો રહેતો હોઇ તંત્રને રિપેરિંગમાં સરળતા પડે તેમ હતી, જાેકે અગમ્ય કારણોસર આ આયોજન વિલંબમાં મુકાયું છે

એટલે હવે જ્યારે શહેર દિવાળીના તહેવારો બાદ ફરી રાબેત મુજબ ધમધમતું થયું છે તેવા સમયે ટ્રાફિકથી વ્યસ્ત રહેતા એવા સરદારબ્રિજનું નવીનીકરણ તંત્ર હાથ ધરવાનું છે એટલે આ બાબત વિવાદાસ્પદ પણ બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.