Western Times News

Gujarati News

પાટણ ખાતે સહકાર મંત્રીના હસ્તે નિરામય ગુજરાત કાર્યક્રમનો શુભારંભ

પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આ પહેલ સર્વે સન્તુ નિરામયાના મંત્રને સાર્થક કરશેઃ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા

માહિતી બ્યુરો, પાટણ, પાટણ શહેરની એમ.એન.હાઈસ્કુલ ખાતે સહકાર મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને નિરામય ગુજરાત કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે મુખ્યમંત્રીશ્રીની આ પહેલ સર્વે સન્તુ નિરામયાના મંત્રને સાર્થક કરતી હોવાનું જણાવી મંત્રીશ્રીએ બિનચેપી રોગોની સારવાર માટે આશિર્વાદરૂપ ગણાવી.

આ પ્રસંગે સહકાર મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની શાસનધુરા સંભાળી ત્યારથી તમામ ક્ષેત્રે જનકલ્યાણના કાર્યોને વેગ મળ્યો છે. દેશભરના નાગરિકોની આરોગ્ય સુખાકારીની ચિંતા કરતાં પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં પ્રજાવત્સલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાલનપુર ખાતેથી શરૂ કરવામાં આવેલી સર્વે સન્તુ નિરામયાના મંત્રને સાર્થક કરતી નિરામય ગુજરાતની પહેલ આશિર્વાદરૂપ સાબિત થશે.

વધુમાં સહકાર મંત્રીશ્રીએ જણાવ્યું કે, અંતરિયાળ વિસ્તારોમાં વસતા છેવાડાના નાગરિક સુધી આરોગ્ય સેવાઓ પહોંચે અને બિનચેપી રોગોનું સ્ક્રીનિંગ અને સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં યોજાયેલા નિરામય ગુજરાત કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લામાં પણ ૫૨ સ્થળોએ દર શુક્રવારના રોજ આરોગ્ય સેવાઓ પુરૂ પાડવામાં આવશે.

લાભાર્થીઓને તેમના સ્વાસ્થ્યને લગતી તમામ વિગતો આવરી લેતું નિરામય કાર્ડ ઈસ્યુ કરવામાં આવશે. જેના આધારે નિઃશુલ્ક તપાસ, ટેસ્ટ અને દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગની ટીમ તમારા ઘરઆંગણે આવી છે ત્યારે વિના વિલંબે આ સેવાઓનો લાભ લેવા પણ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

પ્રાસંગીક ઉદબોધન કરતાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી મોહનભાઈ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રીશ્રી તરીકેની જવાબદારી સંભાળી ત્યારથી આરોગ્ય જેવી પાયાની બાબત તરફ વિશેષ ધ્યાન આપ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી આરોગ્યલક્ષી સુવિધાઓનો મહત્તમ લાભ લઈ પોતાનું જીવન નિરોગી અને સ્વસ્થ રહે તે માટે સૌએ પ્રયત્નો કરી સમાજ અને રાજ્યને તંદુરસ્ત રાખવાનું છે.

મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ શહેરના કનસડા દરવાજા પાસે આવેલી એમ.એન.હાઈસ્કુલના સંકુલ ખાતે આરોગ્ય કેમ્પને ખુલ્લો મુકી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. સાથે જ મંત્રીશ્રીએ કેમ્પમાં ઉપલબ્ધ સારવાર માટેના તમામ વિભાગની મુલાકાત અને નિરિક્ષણ દરમ્યાન જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું.

મંત્રીશ્રીએ લાભાર્થીઓ સાથે પણ સંવાદ સાધી તેમણે મેળવેલી સારવાર અને વ્યવસ્થા સહિતની વિગતો મેળવી તેમને સ્વસ્થ જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

એમ.એન.હાઈસ્કુલના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં સહકાર મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને નિરામય કાર્ડ, હેલ્થ આઈ-ડી કાર્ડ તથા આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ મંચ પરથી ઉપસ્થિત તમામ લાભાર્થીઓને યોગ-પ્રાણાયામનો રોજીંદા જીવનમાં સમાવેશ, વ્યસનમુક્તિ તથા નિયમીતપણે સ્વાસ્થ્યની ચકાસણી દ્વારા સ્વસ્થ રહેવાના શપથ ગ્રહણ કરાવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા સંગઠનના મહામંત્રીશ્રી ભાવેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ સુશ્રી સ્મિતાબેન પટેલ સહિતના હોદ્દેદારો-પદાધિકારીશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, મદદનીશ કલેક્ટરશ્રી સચીનકુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ભરત જાેષી,

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. એસ.એ.આર્ય, ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી ડૉ. ડાભી, ધારપુર મેડિકલ કૉલેજના ડિનશ્રી ડૉ.યોગેશાનંદ ગોસાઈ, ધારપુર જનરલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટશ્રી ડૉ.મનીષ રામાવત સહિતના અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.