Western Times News

Gujarati News

પાકિસ્તાનથી બોટમાં 88.25 કરોડના ડ્રગ્સ લાવનાર વધુ બે શખ્સોની ધરપકડ

સલીમ જશરાયા અને ઈરફાન જશરાયા નામના માછીમાર બંધુઓની ધરપકડ કરાઈ છે: બોટ, બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત

જામ ખંભાળિયા: સલાયાથી ચાલતા ડ્રગ્સ રેકેટમાં મોટો ખુલાસો થયો છે.પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, પાકિસ્તાનથી જ ડ્રગ્સ સલાયા લવાયું હતું અને બોટમાં માદક પદાર્થનો જથ્થો લાવનાર સલીમ જશરાયા અને ઈરફાન જશરાયા નામના માછીમાર બંધુઓની ધરપકડ કરાઈ છે. બોટ, બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે.

ખંભાળિયા તાલુકા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા અને માદક પદાર્થના સાથે ચર્ચામાં મૂકી દેવા સબબ પોલીસે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે નોંધપાત્ર કામગીરી કરી થાણે- મુંબઈના એક શખ્સ અને ત્યારબાદ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા કુખ્યાત એવા બે શખ્સોને દબોચી લઇ, નવ દિવસના રિમાન્ડ પર લીધા છે. આ વચ્ચે અતિ મહત્વના એવા આ પ્રકરણમાં પોલીસને વધુ કેટલીક મહત્વની કડીઓ મેળવવામાં સફળતા મળી છે.

ખંભાળિયા – જામનગર માર્ગ પર ત્રણ બેગ સાથેમાં ભરીને રૂ. 88.25 કરોડની કિંમતના 17 કિલોથી વધુ વજનના હેરોઈન સહિતના માદક પદાર્થ ના 19 પેકેટ સાથે નીકળેલા થાણે (મુંબઈ) ખાતે રહેતા સજ્જાદ સિકંદર ઘોસી નામના શખ્સને પોલીસે ગત તારીખ 9 ના રોજ ઝડપી લીધો હતો.

તેની આકરી પૂછપરછમાં સલાયા ખાતે રહેતા અને અનેક ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર સલીમ યાકુબ કારા અને અલી અસગર કારા નામના બે શખ્સોને ઝડપી લઈ તેના મકાનમાં ઝડતી દરમિયાન રૂ. 226 કરોડની કિંમતનો 45 કિલોગ્રામથી વધુ માદક પદાર્થ કબજે કરવામાં આવ્યો છે.

આમ, કુલ રૂપિયા 315 કરોડની કિંમતના કુલ 63.019 ગ્રામ વજનના હિરોઈન સહિતના ડ્રગ્સ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ઉપરોક્ત ત્રણેય શખ્સોના 14 દિવસના રિમાન્ડની

માંગણી કરતા અદાલત દ્વારા નવ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આજરોજ આરોપીઓની પૂછપરછ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો પોલીસને સાંપડી છે.

આ ડ્રગ્સ પ્રકરણમાં મહત્વનો મુદ્દો તેના સપ્લાય અંગેનો હોય, આરોપીઓ દ્વારા પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવેલી વિગત મુજબ સલાયાના આરોપી સલીમ કારા દ્વારા આજથી આશરે બે માસ પહેલા દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી રૂપિયા બે લાખ ચૂકવી અને ફારૂકી- વન નામની એક માછીમારી બોટ ખરીદ કરવામાં આવી હતી.

જે તારીખ 29 ઓકટોબરના રોજ રૂપેણ બંદરથી પાકિસ્તાન તરફ માદક પદાર્થની ડીલેવરી લેવા માટે કારા બંધુઓ દ્વારા મોકલવામાં આવી હતી. આ માટે સલાયા ખાતે રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા સલીમ ઉમર જુસબ જશરાયા (ઉ.વ. 50) અને તેની સાથે ઈરફાન ઉમર જુસબ જશરાયા (ઉ. વ. 34) એમ બે શખ્સોને પૈસાની લાલચ આપી અને કન્સાઇનમેન્ટની ડિલિવરી મેળવવા માટે મોકલવામાં આવ્યા હતા.

આ બન્ને શખ્સો માછીમારી બોટ મારફતે પાકિસ્તાની જળ સીમા પાસે પહોંચી અને માદક પદાર્થ મળવાની રાહ જોઈ રહ્યા હતા અને ટોકન ન મળતા જખૌમાં પણ રોકાણ કર્યું હતું. અને તે પણ ફિશિંગ માટે ટોકન મેળવ્યું હતું. આમ, માછીમારી બોટ મારફતે ડીલેવરી મોડી મળતા

તેઓ આઈ.એમ.બી.એલ. નજીક પાકિસ્તાની બોટ સાથે વાયરલેસ સેટ મારફતે અવિરત રીતે સંપર્કમાં રહ્યા હતા અને માલની ડિલિવરી મળતા તારીખ 7 ના રોજ ત્યાંથી નીકળી અને તારીખ 9 ના રોજ સલાયાના શાંતિનગર દરિયાકાંઠે પરત ફર્યા હતા.

આરોપીઓની ફારૂકી- વન નામની માછીમારી બોટમાં બંને જશરાયા બંધુએ માછીમારી જાળ નીચે છુપાવીને લાવવામાં આવેલા આ માદક પદાર્થોનો જથ્થો આરોપી કારા બંધુઓએ દરિયાકાંઠેથી ટાટા નેનો મોટરકારમાં લઈ અને તેમના ઘરે છુપાવ્યો હતો.

આ પછી મુંબઈથી આવેલા સજ્જાદ સિકંદર ઘોસી કે જે બે દિવસ આરોપીઓની કિયા મોટરકારમાં ફરતો હતો, તેણે ક્વોલિટી પ્રમાણે માલ સામાન બેગમાં પેક કરી અને પબ્લિક ટ્રાન્સપોર્ટ મારફતે મુંબઈ નાસી છૂટે તે પહેલા જ તારીખ 9 ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા તેને દબોચી લેવામાં આવ્યો હતો અને આ સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું.

આમ, જિલ્લા પોલીસને માદક પદાર્થ સંદર્ભે વધુ કેટલીક મહત્વની કડી સાથે વઘુ બે શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસે રૂપિયા સાડા આઠ લાખની કિંમતની નેનો તથા કિયા મોટરકાર ઉપરાંત રૂપિયા બે લાખની કિંમતની માછીમારી બોટ પણ કબજે લીધી છે. આ પ્રકરણમાં આજરોજ ઝડપાયેલા વધુ બે શખ્શો સલીમ જસરાયા અને ઈરફાન જસરાયાને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.