Western Times News

Gujarati News

ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મળી ૮૩૮ સેવા સેતુ કાર્યક્રમો સંપન્ન થયા

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો-પ્રજાજનોની વ્યક્તિલક્ષી રજૂઆતોના નિવારણ તેમજ સામાન્ય માનવીને ઘર આંગણે જ વિવિધ યોજનાકીય લાભ પહોચાડવાનો જનહિત અભિગમ ‘સેવા સેતુ’થી અપનાવ્યો છે.

રાજ્યમાં આ સેવા સેતુના સાતમા તબક્કાનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં તા.રર ઓકટોબર-ર૦ર૧થી થયો છે અને આગામી તા.પ જાન્યુઆરી-ર૦રર સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ર૧પ૩ અને શહેરી ક્ષેત્રોમાં ૩પ૪ મળી કુલ રપ૦૭ સેવા સેતુ યોજવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

સેવા સેતુના આ સાતમા તબક્કામાં તા.૧૪ નવેમ્બર-ર૦ર૧ સુધીમાં ગ્રામીણ વસ્તારોના ૭૫૦ અને શહેરી ક્ષેત્રોમાં ૮૮ મળી ૮૩૮ સેવા સેતુના માધ્યમથી ૧૬,૦૦,૬૧૯ લોકો-નાગરિકોને ઘર આંગણે વિવિધ સેવા-યોજનાઓનો લાભ પહોચાડવાની આગવી સિદ્ધિ ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં જિલ્લા-તાલુકા વહીવટી તંત્રોએ મેળવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ વહીવટમાં કાર્યક્ષમતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાને સરકારના હાર્દરૂપ ગણ્યા છે. તેમણે અવાર-નવાર પોતાના જાહેર કાર્યક્રમોમાં એવી નેમ પણ વ્યકત કરેલી છે કે સામાન્ય- અદના માનવીને ઓછામાં ઓછી તકલીફ પડે, સરળતાએ યોજનાકીય લાભ મળે તે સરકારની પ્રાથમિકતા છે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના ઉદાત ભાવથી આ સાતમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના ઉત્પાદનના પ્રદર્શનો યોજવાની નવતર પરંપરા ઊભી કરી છે. એટલું જ નહિ, અન્ય એક નવી બાબત અંતર્ગત શહેરી વિસ્તારોમાં યોજાતા આવા સેવા સેતુમાં મફત કાનૂની સહાય માટેની સેવાઓનો લાભ પણ નાગરિકો-અરજદારોને આપીને અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવે છે.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર સેવા સેતુના સાતમા તબક્કાના જનહિત અભિગમમાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે ૯ થી સાંજે પ વાગ્યા સુધી સેવા સેતુના આયોજન માટે તંત્રવાહકોને સૂચના આપેલી છે. એટલું જ નહિ, આ સેવા સેતુમાં રાજ્ય સરકારના જુદા જુદા ૧૩ વિભાગોની પ૬ જેટલી સેવાઓ પણ કેમ્પ દરમ્યાન પૂરી પાડવામાં આવે છે.

તદઅનુસાર, તા.રર ઓક્ટોબરથી ૧૩ નવેમ્બર સુધીના સેવા સેતુમાં ૬૦૭૫ ગામો તથા નગરપાલિકા વિસ્તારના અને મહાનગરપાલિકાના ૬૦૦ વોર્ડ આવરી લેવાયા છે.

રાજ્યના નાગરિકો-પ્રજાજનોની ગ્રામ્ય કક્ષાએ ૧૪ લાખ પ૪ હજાર ૯૬ર રજૂઆતો તથા શહેરી વિસ્તારોની ૧,૪પ,૮૯૦ મળી સમગ્રતયા ૧૬ લાખ ૮પર રજૂઆતોમાંથી સેવા સેતુ કાર્યક્રમમાં જ ૧૬ લાખ ૬૮૫ રજૂઆતોનો હકારાત્મક ઉકેલ લાવી દેવાયો છે. એટલે કે, ગ્રામ્ય વિસ્તારોની ૯૯.૯૯ ટકા તથા શહેરી વિસ્તારોની ૯૯.૯૭ અને મહાનગરોની ૧૦૦ ટકા રજૂઆતોના ઉકેલ સાથે સેવા સેતુના સાતમા ચરણમાં અત્યાર સુધી ૯૯.૯૮ ટકા સુખદ- હકારાત્મક ઉકેલ લાવવાની સિદ્ધિ પ્રાપ્ત થઇ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિતકારી અભિગમને નાગરિકો-પ્રજાજનોનો ઉત્તરોત્તર અપ્રતિમ પ્રતિસાદ સેવા સેતુના આ સાતમા તબક્કામાં સાંપડી રહ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.