Western Times News

Gujarati News

રાણીપમાં ૫૩ લાખનાં સોના-ચાંદીના જથ્થાની લુંટની ઘટનાનો ભેદ ઉકેલાયો: ત્રણ ઝડપાયા

રાણીપ પોલીસ તથા ક્રાઈમ બ્રાંચની સંયુક્ત કાર્યવાહીઃ મોટાભાગનો મુદ્દામાલ રીકવર

(પ્રતિનિધિ)અમદાવાદ, છેલ્લાં થોડાં સમયથી અમદાવાદ શહેરમાં લુંટની ઘટનાઓ વધી છે. જે ચિંતાજનક બાબત છે. જાે કે શહેર પોલીસ દ્વારા સઘન કાર્યવાહીમાં મોટાભાગનાં લુંટના ગુનાઓનો ભેદ ઉકેલી નાંખવામાં આવ્યાં છે. એ જ રીતે પાંચથી છ દિવસ અગાઉ રાણીપ પોલીસ સ્ટેશનની હદમાં સોના-ચાંદીના રૂપિયા ૫૩.૬૫ લાખનાં બિસ્કીટની લુંટની ઘટના સામે આવી હતી. જેને અનુસંધાને ક્રાઈમ બ્રાંચ અને રાણીપ પોલીસે ગણતરીનાં દિવસોમાં જ ત્રણેય લુંટારૂને ઝડપી લઈ પુરેપુરો મુદ્દામાલ પરત મેળવ્યો છે.

આશરે પાંચ દિવસ અગાઉ રાજસ્થાનથી આવેલાં બુલીયન વેપારીનાં ડિલીવરી બોયને સુબાષબ્રિજ સર્કલ આગળ લુંટીને ત્રણ લુંટારૂઓ ૫૩.૬૫ લાખના મુદ્દામાલ સાથે ફરાર થઈ ગયા હતા.

આ ઘટનાની ફરીયાદ બાદ રાણીપ પોલીસ તથા શહેર ક્રાઈમ બ્રાંચની ટીમો સક્રીય થઈ હતી. એ દરમિયાન ક્રાઈમ બ્રાંચના પીઆઈ સી.બી.ટંડેલની ટીમે સોમવારે મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસેથી અજય ઊર્ફે જગ્ગુ ગણેશભાઈ પંચાલ (મોડાસા, અરવલ્લી) નામનાં શખ્સને મોટર સાયકલ સાથે ઝડપી લીધો હતો અને તેની પાસેથી મોટર સાયકલ ઉપરાંત ૧૦ સોનાનાં બિસ્કીટ, ૭ ચાંદીના ચોરસા સહિત ૫૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ રીકવર કર્યાે હતો. અને વધુ તપાસ શરૂ કરી હતી.

એ દરમિયાન રાણીપ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ મહેન્દ્રભાઈ અને તેમની ટીમે પણ બાતમીને આધારે પ્રકાશ ઉર્ફે મુકુંદ સવજીભાઈ સલાટ (સદર) તથા કરણ ઉર્ફે હરી પુનમભાઈ સલાટ (વિજાપુર, મહેસાણા)ને ઝડપી લીધા હતા. આ તમામ આરોપીઓની કડક પૂછપરછ કરતાં અજય ઉર્ફે જગ્ગુ અને પ્રકાશ બંને સગા મામા ભાણેજ હોવાનુંં સામે આવ્યું છે.

બંને દિવાળીનાં તહેવાર બાદ લુંટની ઘટનાને અંજામ આપવા નંબર પ્લેટ વગરની મોટર સાયકલ ઉપર અમદાવાદ આવ્યા હતા. અને દુરના મામાના દિકરા થતાં કરણને પણ પોતાની યોજનામાં સામેલ કર્યાે હતો. બાદમાં ત્રણેય જણાં શિકારની શોધમાં શહેરમાં ફરતાં હતા એ વખતે ૧૦મી નવેમ્બરે સુભાષબ્રીજ સર્કલ ખાતે સાંજનાં સમયે બુલીયન વેપારીનો ડિલીવરી બોય પવન શર્માને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું હતું. અને પ્રકાશ મોટરસાયકલ લઈ દુર ઉભો રહેતાં અજય અને કરણે ૫૩.૬૫ લાખનો મુદ્દામાલ ભરેલો થેલો ઝુંટવી લુંટ ચલાવી હતી.

પકડાયેલા આરોપીઓ પૈકી અજય અગાઉ દારૂ પીધેલાનાં કેસમાં મોડાસા ખાતે ઝડપાયેલો છે. જ્યારે પ્રકાશ છ જેટલાં છેતરપિંડી સહિત સાત ગુનામાં અગાઉ જુદાં જુદાં પોલીસ સ્ટેશનમાં પકડાયેલો છે. જ્યારે કરણ પણ વિસનગર ખાતે છેતરપિંડી સહિત બે ગુનામાં પકડાઈ ચુકેલો છે.

ક્રાઈમ બ્રાંચ તથા રાણીપ પોલીસે ગણતરીનાં દિવસોમાં જ લુંટનો ભેદ ઉકેલી મુદ્દામાલ રીકવર કરતાં વેપારીને પણ હાશકારો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફરીયાદી ધર્મપાલ અમરતલાલ સોની બાડમેર ખાતે પોતાનાં પિતા સાથે મળીને બુલીયનનો વેપાર કરે છે.

ઘટનાના દિવસે તેમને સોના-ચાંદીના બિસ્કીટની જરૂર પડતાં તેમણે રૂપિયા ચુકવી દઈ પવન શર્માને અમદાવાદ મોકલ્યો હતો. પવન બે વેપારી પાસેથી મુદ્દામાલ લઈ બાડમેરની બસ પકડવા કાલુપુર ગયો હતો. જ્યાં બસ ન મળતાં સુભાષ બ્રીજ સર્કલ ખાતે આવ્યો હતો. જ્યાં સાંજે તેની સાતે ઘટના બની હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.