Western Times News

Gujarati News

સુપ્રીમ કોર્ટ: રેલવેની જમીન પર દબાણઃ જવાબદારી મ્યુનિ.એ લેવી પડે

રેલવેની જમીન પરથી હટાવેલા ઝુંપડપટ્ટીઓના નાગરિકોના પુનઃ સ્થાપનનો મુદ્દો

અમદાવાદ, સુરત ખાતેની રેલવેની જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારા ઝુંપડપટ્ટીઓના રહેવાસીઓના પુનઃસ્થાપનના મામલે સુપ્રીમ કોર્ટ સમક્ષ ચાલી રહેલી સુનાવણી દરમિયાન ખંડપીઠે એવી માર્મિક ટકોર કરી હતી કે, રેલવેની જમીન પર દબાણ કરનારાઓની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશને લેવી પડે.’

ખંડપીઠે એવી ટકોર પણ કરી હતી કે કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર દબાણોને ઉભા થવા દેવાયા હતા. જે જમીન રેલવે ઓથોરિટીની હતી પરંતુ એ સ્થળ તો કોર્પોરેશનના સંચાલન હેઠળ જ આવતું હતું. ત્યારે કોર્પોરેશને એ સુનિશ્ચિત કરવું પડે કે આવી રીતે કોઈ પણ સ્થળે ગેરકાયદેસરનું દબાણ ન થાય.’

સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રકારની મૌખિક ટકોર સુરત ખાતે રેલવે લાઈન નજીકની જમીન પરથી દુર કરાયેલા દબાણના મુદ્દે ચાલી રહેલા એ કેસ સંદર્ભે કરવામાં આવી હતી જે મામલે એવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે આ જમીન પરથી જે લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે તેમના પુનઃસ્થાપનની જવાબદારી કોની?

ભારતીય રેલવે, ગુજરાત સરકાર કે પછી સુરત મહાનગરપાલીકાની ? સુનાવણી દરમિયાન કોર્ટે ટકોર કરી હતી કે, જાે સ્થાનિક ઓથોરિટીએ ગેરકાયદેસર દબાણો થવા દીધા હોય તો પછી તેમના પુનઃસ્થાપનની જવાબદારી રાજય સરકારની કઈ રીતે થાય ?’
સુરત રેલવે ટ્રેકની નજીક ગેરકાયદેસર રીતે વસેલા લોકોની ઝુંપડપટ્ટીઓ દુર કરવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે થયેલી એક પિટિશનની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના એ.એમ. ખાનવિલકર અને સી.ટી. રવિકુમારની ખંડપીઠે સુરત મ્યુ. કોર્પોરેશનને કેટલાક ગંભીર પ્રશ્નો કર્યા હતા. અંદાજિત ૧૦ હજાર ઝુંપડપટ્ટીઓને દુર કરવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટે અગાઉ યથાવત સ્થિતિ જાળવી રાખવાનો આદેશ પણ કર્યો હતો.

અરજદારો તરફથી એડવોકેટ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે પ્રસ્તુત કેસમાં માત્ર એટલો જ પ્રશ્ન છે કે આ લોકો પુનઃસ્થાપનની ફરજ કોની છે? એડીશનલ સોલિસિટર જનરલ કે.એમ. નટરાજનું કહેવું હતું કે, ‘લોકોના પુનઃસ્થાપનની ફરજ કોઈ પણ રીતે રેલવે ઓથોરિટીની બનતી નથી.

જાે કોઈપણ રીતે લોકો પુનઃસ્થાપનનો હક પણ મેળવતા હોય તો એની જવાબદારી સ્થાનિક ઓથોરિટીની છે. કેમકે તેમણે રેલવેની જમીન નજીક ઝુંપડપટ્ટીઓ બંધાવા દીધી હતી.’ જયારે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એવી દલીલ કરવામાં અવાી હતી કે લોકોને પુનઃસ્થાપિત કરવાની ફરજ મ્યુનિસિપાલિટીની નથી

પરંતુ એ ફરજ રાજય સરકારની બને છે એટલું જ નહી હાઈકોર્ટ સમક્ષ જયારેઆ કેસની સુનાવણી થઈ હતી ત્યારે પણ અરજદારો દ્વારા રેલવે ઓથોરિટી તરફથી રાહત માંગી હતી, મ્યુનિસિપલ કોર્પોરેશન જાેડેથી નહી.’ જાેકે સુપ્રીમ કોર્ટે સુરત મ્યુ. કોર્પોરેશનને દબાણો માટે જવાબદાર ગણાવી હતી. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.