Western Times News

Gujarati News

આખો એપિસોડ જુઓ અને પછી મને જજ કરો: રાઘવ

મુંબઈ, એક્ટર, કોરિયોગ્રાફર અને એન્કર રાઘવ જુયાલ સોશિયલ મીડિયા પર અલગ-અલગ સ્થિતિ વિશે પોતાનો મત આપવા માટે જાણીતો છે. રાઘવ જુયાલે હાલમાં ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો અને વાયરલ થયેલી તેની ક્લિપ પર તેને ટ્રોલ ન કરવાની વિનંતી કરી હતી.

રાઘવ જુયાલ, કે જે હાલ ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસ ૬ હોસ્ટ કરી રહ્યો છે તેની કોમિક ટાઈમિંગ ગજબની છે. જે ક્લિપ વાયરલ થઈ છે તેમાં રાઘલ અસમની કન્ટેસ્ટન્ટ ગુંજન સિન્હાને સ્ટેજ પર બોલાવતી વખતે મજાકમાં ચાઈનીઝ ભાષા બોલે છે.

જેને લઈને રાઘવને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, આ રેસિઝમ (રંગભેદ) છે અને ઉત્તર-પૂર્વના લોકોને ચાઈનીઝ કહેવા તે ખોટી વાત છે. રાઘવ જુયાલે જે વીડિયો શેર કર્યો છે તેમાં તે કહી રહ્યો છે કે ‘મારી એક ક્લિપ વાયરલ થઈ રહી છે. જેના વિશે હું કંઈક કહેવા માગુ છું. ગુંજન અસમથી આવી હતી.

અમે બાળકોને તેના શોખ/ટેલેન્ટ વિશે પૂછીએ છીએ. ગુંજને તેને ચાઈનીઝ ભાષા બોલવી ગમતી હોવાનું કહ્યું હતું. ગુંજને પહેલા જ એપિસોડમાં તે ચાઈનીઝ ભાષા બોલી શકતી હોવાનું કહ્યું હતું. અમે તેની વાત મજાકમાં લેતા હતા. કારણ કે બાળકો તો કંઈ પણ બોલતા હોય છે.

તેણે જિબરિશ ચાઈનીઝમાં એકવાર બોલીને બતાવ્યું હતું. તેથી, એક એપિસોડમાં મેં તેને તેની ભાષામાં સ્ટેજ પર બોલાવી હું ઉત્તર-પૂર્વ સાથે કનેક્ટેડ છું. મારો પરિવાર સિક્કિમમાં રહે છે, મારો પરિવાર હિમાચલપ્રદેશમાં પણ રહે છે. નાગાલેન્ડમાં પણ મિત્રો છે. તે પણ જિગરી જાન મિત્રો. હું તો રેસિઝમના સખત વિરુદ્ધમાં છું. આ માટે મને અપશબ્દો પણ સાંભળવા પડ્યા છે.

તમને તેનાથી ઠેસ પહોંચી છે તો હું માફી માગુ છું. અમારો એવો હેતુ નહોતો. ક્લિપથી ટ્રોલ કરતા પહેલા આખો એપિસોડ જુઓ. ક્રિએટિવ જે નક્કી કરે છે તેમ હું કરું છું. હું સ્ક્રિપ્ટ ભાગ્યે જ ફોલો કરું છું. તેથી, તે એપિસોડમાં ગુંજનને તે રીતે બોલાવવાનું નક્કી કર્યું હતું. તેથી, હું ઈચ્છું છું કે એપિસોડ જુઓ અને પછી કંઈ કહો. પછી તમારે અપશબ્દો કહેવા હોય તો કહી શકો છો. ઈન્ટરનેટ ખાલી છે અને તમે પણ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.