Western Times News

Gujarati News

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કુલપતિ જે.જે.વોરા સામે ફોજદારી ફરિયાદ નોંધવાની માગ કરી

પાટણ, તા.પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુચર્ચિત એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડ મામલાની તપાસ બાદ ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા સાત દિવસમાં કુલપતિ જે.જે. વોરા સહિત તમામ સાત સભ્યો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપતા ખળભળાટ મચ્યો છે. ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કુલપતિ સામે ફોજદારી ફરિયાદ નોંધવાની માગ કરવામા આવી છે એનએસયુઆઇ દ્વારા આજે યુનિવર્સિટીમાં કુલપતિનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કરવામા આવ્યા હતા.

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડ મામલે નિમાયેલી કમિટી અને અધિક સચિવે કરેલી તપાસમાં દોષિત ઠરેલા કુલપતિ જે.જે.વોરા સહિતના સભ્યો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવાની માગ કરવામા આવી છે.જાે સાત દિવસમાં જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ધારાસભ્ય દ્વારા આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

કુલપતિ સામે કાર્યવાહીના ઉચ્ચ શિક્ષણ કમિશનરના આદેશ બાદ આજે એનએસયુઆઇ દ્વારા યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. કુલપતિ જે.જે. વોરા યુનિવર્સિટી સંકુલમાં પહોંચતા એનએસયુઆઇના કાર્યકર્તાઓએ ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૮માં મેડિકલ અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષની પરીક્ષામાં નાપાસ થયેલા ધારપુરના ૩ છાત્રોને પુનઃમૂલ્યાંકન માં ઉત્તરવહી બદલીને પાસ કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ મામલે યુનિવર્સિટી દ્વારા ઇસી સભ્ય હરેશ ચૌધરી અને પ્રોફેસર જે.કે.પટેલને તપાસ સોપાઈ હતી.

જેમાં તપાસમાં કથિત કૌભાંડ બહાર આવ્યું હતું. જે મામલે ભારે હોબાળો મચતાં સરકારે વધુ તપાસ માટે અધિક સચિવ પંકજ કુમારને તપાસ સોંપી હતી.તપાસ દરમિયાન નિવેદનો અને પુરાવાની ચકાસણી બાદ અંતે ઉત્તરવહી બદલી ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સાબિત થયું હતું.

જે તપાસનો અહેવાલ સરકારને રજૂ કર્યો હતો.જે અનુસંધાને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરે પુનઃ મૂલ્યાંકન કરનાર કન્વીનર અને તમામ કસૂરવાર સામે ૭ દિવસમાં જ શિક્ષાત્મક કાર્યવાહી કરી સરકારમાં જાણ કરવા માટે પત્ર લખી આદેશ કરવામાં આવ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.