Western Times News

Gujarati News

જીટીયુના વિદ્યાર્થીઓએ “ઝીરો વેસ્ટ પોલિસી” અંતર્ગત ૫૦ કિલો ઈ-વેસ્ટ એકઠું કર્યું

અમદાવાદ, ટેક્નોલોજીકલ યુગમાં વિવિધ ડિજીટલ ઉપકરણો સાથે આજનો દરેક વર્ગ સંકળાયેલો છે. જેના ઉપયોગથી વિશ્વમાં સંચાર માધ્યમની પ્રવૃત્તિ ખૂબજ ત્વરીત રીતે કાર્યરત છે. જે આજની ટેક્નોલોજીનું સકારાત્મક પાસું છે. પરંતુ ડિજીટલ ઉપકરણની અવધી પૂર્ણ થતાં તેનો યોગ્ય નિકાલ ના થાય તો, તે હાનીકારક પણ સાબિત થાય છે.

જેનો યોગ્ય નિકાલ થાય તે અર્થે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) વિદ્યાર્થીઓ દ્વારા “ઝીરો વેસ્ટ પોલિસી” લાગુ કરીને ૫૦ કિલો ઈ-વેસ્ટ એકઠું કર્યું છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવા વૈશ્વિક પડકારનો સામનો કરી રહ્યું છે , ત્યારે ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે. જે સ્વચ્છ ભારત અભિયાનને વેગવંતુ બનાવશે.

જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે આ કાર્યને બિરદાવતાં જીએસએમએસના ડાયરેક્ટર ડૉ. પંકજરાય પટેલ , પ્રો. કૌશલ ભટ્ટ , પ્રો. તુષાર પંચાલ અને ઝીરો વેસ્ટ પોલીસીમાં કાર્યરત જીટીયુ જીએસએમએસના વિદ્યાર્થીઓ રાઉલજી મારૂતિનંદન , પાર્થ પંચાલ અને મંદાર વાધમારેને અભિનંદન પાઠવ્યા હતાં.

મંદાર વાઘમારેએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, કૉમ્પ્યુટર , મોબાઈલ , કેલ્ક્યુલેટર ,ટીવી વગેરે જેવા અનેક ડિજીટલ ઉપકરણોના ઈ- વેસ્ટનો વર્તમાન સમયમાં ડમ્પિંગ સાઈટ પર બાળીને કે દાટી દઈને નિકાલ કરવામાં આવે છે. જેનાથી ડિજીટલ ઉપકરણોમાં વપરાયેલ ફોસ્ફરસ , લિથિયમ , લિડ , મરક્યુરી જેવી અનેક હાનીકારક ધાતુને બાળતાં તેના ઓક્સાઈડ વાતાવરણમાં ભળે છે. જેનાથી ગ્લોબલ વોર્મિગનું જાેખમ રહે છે.

જ્યારે તેને જમીનમાં દાટી દેતાં ઉપકરણોમાં વપરાયેલ બેટરીમાંથી પણ સતત રેડિયેશન જમીનમાં પ્રસરાય છે. જે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો કરે છે. આ સમસ્યાના સમાધાન સ્વરૂપે જીટીયુ દ્વારા ઝીરો વેસ્ટ પોલિસી લાગું કરીને શરૂઆતના તબક્કે જીટીયુના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પાસેથી ૫૦ કિલો ઈ- વેસ્ટ એકઠો કરવામાં આવ્યો છે. જેમાં ૫ કિલો જેટલા મોબાઈલ , ૮ કિલો કોમ્પ્યુટર તેમજ અન્યમાં કેલ્ક્યુલેટર , રીમોટ , કિબોર્ડ , સીડી વગેરેનો સમાવેશ થાય છે.

એકઠા કરાયેલ ઈ- વેસ્ટમાંથી પ્લાસ્ટીક તેમજ વિવિધ ધાતુને અલગ કરીને કાર્યરત પાર્ટ્‌સને પુનઃઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે પુનઃ ઉપયોગમાં ન લઈ શકાય તેવા પાર્ટ્‌સને યોગ્ય રાસાયણીક પ્રકિયાથી તેનો નિકાલ કરવામાં આવે છે. જાે ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ ના થાય તો , તેમાંથી નિકળતાં રેડિયેશનથી કેન્સર , બ્રેન ટ્યુમર તેમજ આંખ અને કાનની ડિસએબિલિટી જેવાં રોગોનો શિકાર બની શકાય છે. આગામી દિવસોમાં જીટીયુ સંલગ્ન કૉલેજાેમાં પણ આ પોલિસી લાગુ કરીને પુનઃ ઉપયોગ માટે ઈ-વેસ્ટ એકઠો કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.