Western Times News

Gujarati News

સુરત સ્ટેશન પર યુવતીનો પીછો કરનાર શખ્સની અટકાયત થઈ

સુરત, વલસાડમાં ગુજરાત ક્વીન એક્સપ્રેસના કોચમાં નવસારીની ૧૮ વર્ષની યુવતીના આપઘાતની તપાસ કરી રહેલી પોલીસની સંયુક્ત ટીમે સુરત રેલવે સ્ટેશન પર યુવતીનો પીછો કરતા એક વ્યક્તિની અટકાયત કરી છે. જે યુવતીના મૃતદેહ મળ્યાના થોડા કલાકો પહેલા સીસીટીવીમાં કેદ થયો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરમાંથી યુવકની અટકાયત કરી પૂછપરછ માટે અમદાવાદ લઈ ગઈ હતી. યુવક સુરત જીએસઆરટીસી બસ સ્ટોપથી રેલ્વે સ્ટેશન સુધી પીડિતાનો પીછો કરતો હોવાનું જણાયું છે અને યુવતી સાથે અશ્લીલ હરકતો પણ કરી હોવાની શંકા છે.

પોલીસના જણાવ્યા મુજબ, અમદાવાદ ડીસીબીએ યુવતીના કથિત બળાત્કારના કેસની તપાસ માટે અન્ય એજન્સીઓ સાથે સુરતની મુલાકાત લીધી હતી. પોલીસે સુરત એસટી બસ સ્ટેન્ડ પરથી યુવતીની પાછળ હાથમાં મોબાઈલ ફોન પકડીને શોર્ટ્‌સ પહેરેલા એક શખ્સને શોધી કાઢ્યો હતો અને તેને રેલ્વે સ્ટેશન પર જતો જાેયો હતો. તે રેલ્વે પ્લેટફોર્મ સુધી તેની પાછળ ચાલતો અને ફૂટેજમાં અશ્લીલ હરકતો કરતો જાેવા મળ્યો હતો.

પોલીસને જાણવા મળ્યું કે આ વ્યક્તિ બેકરીનો કામદાર છે અને નજીકની ઝૂંપડપટ્ટીમાં રહે છે. પોલીસના સૂત્રોએ માહિતી આપી છે કે આ વ્યક્તિ હૈદરાબાદનો વતની છે અને શહેરની એક બેકરીમાં કામ કરે છે. પોલીસે દાવો કર્યો હતો કે તે હિન્દી કે ગુજરાતી બોલવામાં કમ્ફર્ટેબલ નથી. પોલીસ યુવતીનો પીછો કરવાનો તેનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે દાવો કર્યો છે કે યુવતીના મૃત્યુના સંબંધમાં તે કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી.

પોલીસ સૂત્રોએ એવો પણ દાવો કર્યો હતો કે કથિત બળાત્કારની ઘટના બાદ વેક્સિન ઈન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડ પાસેના સીસીટીવી ફૂટેજમાં દેખાતા બે શખ્સોને પણ વડોદરા પોલીસે પૂછપરછ માટે અટકાયતમાં લીધા હતા. તેમાંથી એક ઓટો રિક્ષા ચાલક છે.

સોમવારે સાંજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફરી વેક્સિન ઈન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડ અને આસપાસના વિસ્તારોની તપાસ માટે મુલાકાત લીધી હતી. પોલીસે ઈમરાન નામના એક વ્યક્તિને ટ્રેસ કર્યો છે, જે કર્ણાટકમાં એક કોલ સેન્ટરમાં કામ કરે છે અને જે દિવસે યુવતી પર કથિત બળાત્કાર થયો હતો તે દિવસે તેણે લગભગ ૩૬ સેકન્ડ સુધી યુવતી સાથે વાત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પીડિતા વડોદરામાં ઘટનાસ્થળ પાસે સાઈકલ પર આવી હતી તે સાયકલ ક્યાં? તે બાબતે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલમાં પોલીસે સુરત રેલવે સ્ટેશન પર યુવતીનો પીછો કરનાર એક વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.

રેલવે સ્ટેશનની મુલાકાત લેનાર એસપીપરિક્ષિતા રાઠોડના જણાવ્યા અનુસાર ‘બળાત્કારની ઘટનાના દિવસે સાંજના સમયે પીડિતા સાયકલ પર ઘટનાસ્થળે આવી હતી. ત્યાં આવેલી લક્ષ્મી સોસાયટીના એક દરવાજાથી તેમની સંસ્થા માંડ ૨૦૦ મીટર દૂર આવેલી છે.

આ સોસાયટીના દરવાજા સુધી પહોંચ્યા યુવતી સાયકલ પર પરત ફરી હોવાની સીસીટીવી ફૂટેજમાં દેખાઈ હતી. આ સાયકલ ક્યાં છે તે હજી સુધી મળી શકી નથી.’ જેથી હવે યુવતીના કથિત આપઘાત કેસમાં રહસ્યના વમળો ઘેરાયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.