Western Times News

Gujarati News

ગુજરાતનો દરિયા કિનારો દેશદ્રોહીઓ માટે સોફ્ટ ટાર્ગેટ

File

સોનાની દાણચોરી બાદ હથિયારો ઘુસાડવા ઉપરાંત હવે ડ્રગ્સ ભારતમાં ઘુસાડવા માટે ગુજરાતનો દરિયા કિનારો મુખ્ય માર્ગ બની ગયો: શ્રીલંકાએ કડક કાયદા બનાવતા ભારતના દરિયા કિનારાનો ઉપયોગ કરતા ડ્રગ માફિયાઓ

ભારત દેશ સૌથી મોટી જળસીમા ધરાવે છે અને દેશના અનેક રાજયો પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ચીન સહિતના દેશો સાથે જમીન અને જળસીમાથી જાેડાયેલા છે જેનો ગેરલાભ કેટલાક દેશો ઉઠાવી રહયા છે ભારત ખુબજ ઝડપથી વિકસી રહયું છે અને કોરોના કાળ બાદ અર્થતંત્ર પણ મજબુત બની રહયું છે

ત્યારે કેટલાક વિદેશી તત્વો ભારતીય અર્થતંત્રને ખોરવી નાંખવા માટે નાપાક પ્રયાસો કરી રહયા છે. અગાઉ આતંકવાદી હુમલાઓ કરવામાં આવતા હતા જાેકે છેલ્લા કેટલાક સમયથી આંતકવાદીઓ ઉપરાંત ડ્રગ માફિયાઓ પણ સક્રિય બન્યા છે આવા નાપાક તત્વો મોટાભાગે દરિયાઈ માર્ગનો ઉપયોગ કરે છે.

મુંબઈમાં થયેલા ભીષણ આતંકવાદી હુમલામાં પણ ગુજરાતના દરિયા કિનારામાં આંતકવાદીઓ ઘુસ્યા બાદ મુંબઈ સુધી પહોંચ્યા હતાં આ ઘટના બાદ કોસ્ટગાર્ડ તથા અન્ય સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ડ્રગ માફિયાઓ દ્વારા ડ્રગ્સ ઘુસાડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવ્યું છે જેનો પર્દાફાશ કરીને ગુજરાત પોલીસ તથા અન્ય એજન્સીઓએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે

આ ષડયંત્ર સાથે સંકળાયેલા ડ્રગ પેડલરોની ધરપકડ કરી પુછપરછ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગુજરાતના દરિયા કિનારા મારફતે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘુસાડવામાં આવ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર- કચ્છનો દરિયાકાંઠો આવા નાપાક તત્વો માટે મુખ્ય કેન્દ્ર બની ગયું છે.

ગુજરાતનો ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયાકાંઠા પર સતત દેશદ્રોહી તત્વોની નજર રહે છે અને તેનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. ગુજરાતના કુલ ૪ર બંદરો આ દરિયાઈ પટ્ટી પર આવેલા છે આ બંદરો પૈકી કેટલાક બંદરો ઉપર ડ્રગ્સના કન્ટેનર ઉતારવાનંુ ષડયંત્ર રચાયું હતું

પરંતુ તાજેતરમાં જ કંડલા પોર્ટ પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી અને એક પછી એક કડીઓ ઉકેલી ડ્રગ્સ માફિયાઓની સમગ્ર ચેનલોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
ભારતમાં ડ્રગ્સ અને હથિયારો ઘુસાડવા માટે નાપાક તત્વો જળસીમાનો ઉપયોગ કરી રહયા છે

અને ગુજરાતનો ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયાકાંઠો આ માટે સોફ્ટ ટાર્ગેટ બનેલો છે. ગુજરાતની અંદર ડ્રગ્સ અને હથિયારો ઘુસાડવા માટે દેશદ્રોહી તત્વો દરિયાઈ માર્ગે ગુજરાતમાં પ્રવેશી નાપાક હરકતો કરી રહયા છે. શ્રીલંકામાં સરકાર બદલાતા નવી સરકારે ડ્રગ માફિયાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરતા હવે ભારત દેશનો દરિયા કિનારો સોફ્ટ ટાર્ગેટ બની જતાં તપાસનીશ એજન્સીઓ સર્તક બનેલી છે

અને તેના પગલે જ બંદરો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સૌ પ્રથમ કરોડો રૂપિયાના ડ્રગ્સ ભરેલા કન્ટેનર પકડાયા બાદ તપાસ ખુબ જ તેજ કરી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ દરિયાકાંઠાનો ઉપયોગ કરી રહયા છે. છેલ્લા પાંચ વર્ષમાં આ માફિયાઓએ ગુજરાતના દરિયાકાંઠા મારફતે અનેકવાર નશીલા દ્રવ્યો ઘુસાડવાનો પ્રયાસ કર્યો છે.

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતની વિવિધ સુરક્ષા એજન્સીઓએ ૩૦ હજાર કરોડથી વધુનું ડ્રગ્સ પકડી પાડયું છે. નાપાક ઈરાદાઓ સામે ગુજરાતની એજન્સીઓ સતર્ક બનેલી છે. કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે અને બાતમીના આધારે છેલ્લા કેટલાક સમયથી સઘન તપાસ કરતા ડ્રગ્સ ઘસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

ગુજરાતમાં આવેલા ૪ર બંદરો ઉપર મોટી માત્રામાં માલની હેરફેર થઈ રહી છે. ૪ર બંદરોમાંથી કેટલાક બંદરો પર કાર્ગો હેન્ડલ કરે છે ગુજરાતના બંદરો ઉપર આયાત અને નિકાસનો વેપાર સતત વધી રહયો છે ત્યારે તમામ કન્ટેનરની ઝીણવટભરી તપાસ કરવી શક્ય નહી હોવાથી ડ્રગ માફિયાઓ તેનો ગેરલાભ ઉઠાવી રહયા છે.

તા.૧પ.૯.ર૦ર૧ના રોજ મુંદ્રા પોર્ટ પર ટેલકમ પાવડરના નામે આયાત કરાયેલા જથ્થાની તપાસ કરતા ૩ હજાર કિલોથી વધુ હેરોઈનનો જથ્થો ઝડપાયો હતો. ડીઆરઆઈ દ્વારા આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ કન્ટેનર પકડાયા બાદ તેની દેશવ્યાપી તપાસ શરૂ કરવામાં આવી હતી અને તેમાં દેશભરની એજન્સીઓ જાેડાઈ હતી.

શકમંદોની પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી અને ડ્રગ્સની હેરાફેરીના સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શકમંદોની પુછપરછના આધારે ગુજરાતના દરિયા કિનારા મારફતે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહયુ છે તેવુ બહાર આવતા જ એજન્સીઓ સતર્ક બની ગઈ છે અને તમામ ડ્રગ પેડલરોને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરાઈ છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે ૩પ કિલો હેરોઈન સાથે ૬ શખ્સોને ઝડપી પાડયા હતાં

જયારે જખૌ દરિયા કિનારા નજીક જહાજમાંથી ર૮૦ કિલો ડ્રગ્સ સાથે ૬ પાકિસ્તાની નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા હતાં. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે ૩૦ હજાર કરોડનું ડ્રગ્સ પકડી પાડયું છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી શરૂ કરાયેલા ઓપરેશનમાં પોરબંદરના ઝીંઝુડા ગામેથી ૬૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કરાતા ડ્રગ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

પાકિસ્તાન સહિતના દેશોમાં ડ્રગ માફિયાઓ ખુબ જ સક્રિય છે અને તેઓના મારફતે જ આ ડ્રગ્સ ભારતમાં ઘુસાડવામાં આવી રહયું છે. પાકિસ્તાનથી જ મોટાભાગનું ડ્રગ્સ ગુજરાતમાં આવી રહયું છે અને હવે આ તમામ ડ્રગ માફિયાઓનો ટુંક સમયમાં પર્દાફાશ કરવામાં આવશે. ગુજરાત એટીએસની ટીમ હાલમાં સઘન તપાસ કરી રહી છે અને તેમાં અનેક લોકોના નામો બહાર આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.