Western Times News

Latest News from Gujarat

કર્ણાટકનું મનમોહક શહેર દાંદેલીઃ પ્રકૃતિપ્રેમીઓ માટે એક અવિસ્મરણીય સ્થળ

જાે તમે શિયાળામાં સાહસવૃત્તિ અને પ્રાકૃતિક સુંદરતા વચ્ચે થોડો સમય વિતાવવા ઈચ્છતા હો તો દાંદેલી પરફેક્ટ સ્થળ છે

દિવાળીની રજાઓ પૂરી થઈ ચૂકી છે અને રાબેતા મુજબ સૌ હરીફરી, તાજામાજા થઈને પોતપોતાના કામધંધે વળગી ગયા છે. એવામાં ફરવા માટે ભાગ્યે જ વિચાર આવે. છતાં શિયાળાની શરૂઆતમાં સાહસવૃતિ અને પ્રાકૃતિક સુંદરતા વચ્ચે થોડો સમય વિતાવવાની ઈચ્છા હોય તો તમારે દાંદેલી વિશે ચોકકસ વિચારવું રહ્યું.

દાંદેલી કર્ણાટકનું એક મનમોહક શહેર છે જે દક્ષિણ ભારતનાં મુખ્ય પર્યટન સ્થળો પૈકીનું એક છે. તે આકર્ષક ખીણો અને નયનરમ્ય નદીઓ માટે પ્રસિદ્ધ છે. અહીં એ બધું જ મોજુદ છે, જે એક પ્રકૃતિપ્રેમી વ્યક્તિ ઈચ્છતી હોય છે. અહીં તમે હાથી, વાઘ, દીપડા, ઉડતી ખિસકોલી અને હરણની વિવિધ પ્રજાતિઓને તેના કુદરતી વાતાવરણ વચ્ચે ફરતાં જાેઈ શકો છો.

અહી તમને અનેક પ્રકારની દુર્લભ પ્રજાતિના જીવજંતુઓ અને અનેક પ્રકારની વનસ્પતિઓ જાેવા મળશે. પ્રકૃતિપ્રેમીઓ માટે આ એક અવિસ્મરણીય સ્થળ એટલા માટે છે, કેમ કે અહીં કુદરતી સૌંદર્યની સાથોસાથ અનેક પ્રકારની સાહસિક રમતોની પણ મજા માણી શકો છો.

જેમાં બોટિંગ, નેચર વોક અને બીજી અનેક એડવેન્ચર એક્ટિવિટીનો સમાવેશ થાય છે. પોતાની અદ્‌ભુત પ્રાકૃતિક સુંદરતાને કારણે દાંદેલી હવે એક આદર્શ પર્યટન સ્થળ તરીકે ઓળખાવા લાગ્યું છે.

જાે તમે રાફિંટગ, કેનોઈંગ અને અન્ય એડવેન્ચર એક્ટિવિટીમાં રસ ધરાવો છો તો અહીંની કાળી નદી તમારા માટે પરફેકટ સ્પોટ છે. પોતાના સૌંદર્યને કારણે આ જગ્યા દર વર્ષે મોટી સંખ્યામાં સાહસિકોને આકર્ષે છે. દાંદેલીના વન્યજીવ અભયારણ્યમાં તમને દુર્લભ જીવો અને વનસ્પતિઓથી વાકેફ થવાની તક મળશે.

અહીં તમે તમારા પ્રિયજનો સાથે ખરેખર સાહસિક પળો વિતાવી શકો છો, કેમ કે અભયારણ્ય ૩૩૪ વર્ગ માઈલમાં ફેલાયેલું છે જેમાં હાથી, દીપડો, મગર, ગ્રેટ પાઈડ હોર્નબીલ, પેરગ્રીન ફાલ્કન, બ્લૂથોટેડ બાર્બેટ વગેરેને નજીકથી જાેવાની તક મળી શકે છે. આ અભયારણ્યથી અંદાજે રપ કિ.મી. દૂર આવેલંુ શિરોલી શિખર આ અભયારણ્યની સૌથી ઉંચી જગ્યા છે.

કુદરતના ચાહકો માટે આ જગ્યા એક અદભુત અનુભવ છે. આ સિવાય અહીં દાંડેલપ્પા મંદિર જાેવા જેવું સ્થળ છે જે દાંદેલીના ઈતિહાસ સાથે જાેડાયેલું છે. હરિયાળી વચ્ચે આવેલું આ મંદિર સ્થાનિકો માટે એક મહત્વનું ધાર્મિક સ્થ ળછે. જાેકે આ બધાથી અલગ એ સ્થળ છે, જે તમારા માટે આજીવન સંભારણું બની રહેશે, તે છે મોલંગી જળધોધ, શહેરના શોરબકોરથી દૂર અહીં આવીને તમે બધો થાક, ચિંતા ભુલીને કુદરતના રંગોમાં પરોવાઈ જશો.

દાંદેલીમાં પટ્ટકડલ નૃત્ય મહોત્સવ, મકરસંક્રાતિ અને થાઈ પુષ્પમ એ ત્રણ મુખ્ય તહેવારો અનેઉત્સવો છે. પટ્ટડકલ નૃત્ય મહોત્સવ ત્રણ દિવસ ચાલે છે અને એ દરમિયાન સ્થાનિકો દ્વારા પરંપરાગત નૃત્યના અદ્‌ભુત કાર્યક્રમો યોજાય છે. દાંદેલીમાં ફરવા માટે શિયાળાની સિઝન સૌથી ઉત્તમ ગણાય છે. એટલે કે ઓકટોબરથી ફેબ્રુઆરી સુધી અહીં પરિવાર સાથે સમય વિતાવવાની સાથે મજા જ કંઈક ઓર છે. જાે તમે દિવાળીની રજાઓમાં કોઈ પ્લાનિંગ ન કરી શકયા હો તો દાંદેલનું પ્લાનિંગ બેસ્ટ રહેશે.

કેવી રીતે પહોંચશો ?  રોડ માર્ગે દાંદેલી ભારતનાં અન્ય રાજયો સાથે સારી રીતે જાેડાયેલું છે. એટલે તમે અહીં પહોંચવા માટે તમારી અનુકૂળતા મુજબ પોતાનું વાહન લઈને નેશનલ હાઈવે પરથી સરળતાથી પહોંચી શકો છો. સ્થાનિક બસો પણ મળી રહે છે.

નજીકનું રેલવે સ્ટેશન અલનવર જંકશન છે, જે દાંદેલીથી અંદાજે ર૩ કિ.મી. દૂર આવેલું છે. આ સ્ટેશનથી તમને કેબ કે અન્ય વાહનો મળી રહે છે. નજીકનું એરપોર્ટ હુબલીમાં છે, જે અહીંથી પ૬ કિ.મી. દૂર આવેલું છે અને પૂણે, કોલકાતા, મુંબઈ સહિતના શહેરો સાથે ઘણી સારી એર કનેક્ટિવિટી ધરાવે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers