Western Times News

Latest News from Gujarat

શિક્ષકે સમય સાથે અપડેટ થઇ સમાજને પણ યોગ્ય દિશામાં અપડેટ કરવાનું કાર્ય કરવું જોઈએ : શિક્ષણમંત્રી

ગાંધીનગર, ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન, ગાંધીનગરના ચોથા દિક્ષાંત સમારોહમાં પદવીધારક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી ઉજ્જવળ ભાવિ જીવનની કામના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શિક્ષકની સમાજ પ્રત્યે એક મોટી જવાબદારી છે કારણ શિક્ષક માનવ નિર્માણનું કેન્દ્ર છે.

રાજ્યપાલએ શિક્ષકના કર્મને સૌથી વધુ કઠિન અને સૌથી વધુ જરૂરી કાર્ય ગણાવ્યું હતું તેમને જણાવ્યું હતું કે શિક્ષક જ સમાજ નિર્માણ અને ચરિત્ર નિર્માણનું કાર્ય કરે છે.

ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રેષ્ઠ-કૌશલ્યવાન, જ્ઞાનસંપન્ન શિક્ષકોના નિર્માણ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન આઈઆઈટીઈની સ્થાપના કરી સપનું સેવ્યું હતું. આ સપનાને સાકાર કરી શ્રેષ્ઠ શિક્ષક નિર્માણનું કાર્ય આ સંસ્થા દ્વારા થાય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.

રાજ્યપાલએ શતપથ બ્રાહ્મણ ગ્રંથનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, બાળકના જીવનમાં ત્રણ ગુરુ છે. માતા-પિતા અને આચાર્ય. આ ત્રણેય ગુરુ બાળકનો શારીરિક-માનસિક સ્તરે વિકાસ સાધી શ્રેષ્ઠ, જ્ઞાન સંપન્ન, સંસ્કારવાન અને ચારિત્ર્યવાન નાગરિકોનું નિર્માણ કરે છે. બાળકની ગ્રહણશક્તિ સૌથી તેજ હોય છે તેમ જણાવી રાજ્યપાલ એ ઉમેર્યું હતું કે આચાર-વિચારથી બાળક શિક્ષકનું અનુસરણ કરે છે ત્યારે, શિક્ષકોની જવાબદારી અત્યધિક વધી જાય છે.

શિક્ષકના જીવન-વ્યવહાર જ વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો ઉપદેશ છે તેમ જણાવી રાજ્યપાલશ્રી એ શિક્ષણના વ્યવસાયને આત્મસાત કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મહત્વની જાહેરાત કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતુ કે,ધો.૯થી ધો.૧૨ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતી વિષય સામેલ કરવામાં આવશે.

વિદ્યાર્થી પોતાના અભ્યાસક્રમમાં અલગથી પ્રોફેશનલ અભ્યાસક્રમ પસંદ કરતાં હોય છે ત્યારે, સ્વરોજગાર મેળવી શકાય તેવા સાત અભ્યાસક્રમો સામેલ કરવાનું આયોજન રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યપાલના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કર્યું છે. જે પૈકી કૃષિ અંતર્ગત પ્રાકૃતિક ખેતી એટલે કે ગાય આધારિત ખેતી વિષયનો ઉમેરો કરવામાં આવ્યો છે.

રાજ્યના ખેડૂતોનો ખર્ચ ઘટાડી આવક બમણી કરવાની દિશામાં આ અભ્યાસક્રમ ખૂબ ઉપયોગી સાબિત થશે. આવનારા સમયમાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યની વિવિધ કોલેજાે- યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતી સંદર્ભે વિવિધ સેમિનાર યોજાશે.

તેમણે ઉમેર્યું હતુ કે, ‘શોધ’ યોજના અંતર્ગત વિવિધ વિષયોના સંશોધકોને નવા-નવા સંશોધન માટે સહાય આપવામાં આવે છે. હવેથી પ્રાકૃતિક ખેતી શાખાના સંશોધકોને પણ ‘શોધ’ યોજના અંતર્ગત સહાય મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં કહ્યું કે, શિક્ષક હંમેશ માટે વિદ્યાર્થી જ છે તેણે સતત ભણતા રહેવું જાેઇએ અને સમય સાથે અપડેટ થઇ સમાજને પણ યોગ્ય દિશામાં અપડેટ કરવાનું કાર્ય કરવું જાેઈએ. પદવીધારકો જ્યારે સમાજમાં જઇ રહ્યા છે ત્યારે તેમની વ્યવસાયી સજ્જતા અને સમાજ માટે કટિબદ્ધતા હોવી જરૂરી છે.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers