Western Times News

Gujarati News

હાલમાં રાત્રિ કરફ્યૂ વધારવાનો હાલ કોઈ વિચાર નથી: આરોગ્યમંત્રી

અમદાવાદ, ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યુ છે. દિવાળી બાદથી કોરોના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. શું આવામાં સરકાર કડક નિયંત્રણો લાવશે તેવી મૂંઝવણ લોકોમાં છે. ત્યારે વધતા કોરોના સંક્રમણ અને રાત્રિ કરફ્યૂ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કોરોનાના કેસ નિશ્ચિતપણે વધ્યા છે. વાયરસ અંગેની તપાસ માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા છે. તેમાં કયા પ્રકારના વેરિયન્ટ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આજે આ અંગે બેઠક કરીને જ્યાં કેસ વધ્યા છે તે અંગેની ચર્ચા કરીશું.

રસીકરણના કારણે લોકોને હોસ્પિટલમાં જવાની જરૂર નથી પડતી તે સારું છે. જે વિસ્તારમાં એક સાથે વધુ કેસ આવ્યા છે, ત્યાં નિયંત્રણો કડક કરાશે. સાથે જ તેમણે કહ્યું કે, બાળકોની રસી અને બૂસ્ટર ડોઝનું હાલ ગુજરાતમાં કોઈ આયોજન નથી. રાત્રિ કરફ્યુ અને અન્ય નિયંત્રણો અંગે હાલ કોઈ અન્ય ર્નિણય નથી લેવાયો. રાત્રિ કરફ્યુ વધારવાનો હાલ કોઈ વિચારણા નથી.

બીજી તરફ, અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને કારણે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. વધુમાં વધુ લોકો સરળતાથી ટેસ્ટિંગ કરાવી શકે એ માટે શહેરમાં ફરી કોરોના ટેસ્ટિંગ ડોમ ઉભા કરાયા છે. ફરી એકવાર વધી રહેલા કોરોના કેસો મામલે અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જાેશીએ કહ્યું કે, હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માત્ર ૧ જ કોરોના પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે અને ૪ શંકાસ્પદ દર્દીઓ દાખલ છે.

દિવાળી સમયે જે ભીડ જાેવા મળી ત્યારે કોરોનાના કેસો વધશે એવી આશંકા હતી. તેમાં પણ કોરોનાના કેસો વધ્યા પણ ખરા, પરંતુ સ્થિતિ નિયંત્રણમાં છે. હવે આગામી એક અઠવાડિયું મહત્વપૂર્ણ રહેશે, જે લોકો બહાર ફરીને આવ્યા છે એમનું મોનીટરીંગ જરૂરી રહેશે. જે કેસો પણ અત્યારે આવે છે એવા કિસ્સાઓમાં અન્ય રાજ્યમાં ફરવા ગયા અને પરત ફરેલા લોકો વધારે છે.

તેમણે જણાવ્યું કે, શહેરમાં સારા પ્રમાણમાં વેકસીનેશન થયું છે એટલે હોસ્પિટલાઈઝેશન આ વખતે નથી જાેવા મળી રહ્યું જે સારી વાત છે. સિવિલ હોસ્પિટલ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. સિવિલમાં હાલ પણ ૨૦૦ બેડ અલગથી કોરોના માટે ફાળવવામાં આવ્યા છે. એ સિવાય તમામ જરૂરી દવાનો સ્ટોક પણ ઉપલબ્ધ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.