Western Times News

Gujarati News

પરીક્ષાની તૈયારી માટે પુત્ર સાથે મહેસાણાથી ગાંધીનગર આવતા પરિવારનો અકસ્માત

ગાંધીનગર, ગાંધીનગરનાં રાંધેજા રેલવે ફાટક નજીક ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારી આગળ જતી રિક્ષાને ટક્કર મારી હતી. જેનાં કારણે રિક્ષા થોડેક આગળ જઈને નજીકના પુલ નીચે ઉતરી ગઈ હતી. એજ સમયે પાછળથી ટ્રક પણ ધસી આવતાં ટ્રક નીચે રિક્ષા ચગદાઈ જવાથી પતિ પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

જ્યારે તેમના પુત્રને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. પુત્રની દોડની પરીક્ષા હોવાથી દંપતિ તેને લઈને ગાંધીનગર આવી રહ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જગુદણ ગામમાં રહેતાં કાંતિભાઈ સોલંકી ત્યાંની કૃષિ યૂનિવર્સિટીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા.

જેમના પરિવારમાં પત્ની રમીલાબેન અને પુત્રો જીમી અને સ્મિત છે. 19 વર્ષીય જીમી કૉલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતો હોવાથી આવતીકાલે દોડની પરીક્ષા હતી.

પુત્ર પરીક્ષાને અનુલક્ષીને કાંતિભાઈ તેમના પત્ની રમીલાબેન અને જીમી તેમના સગા નરેશભાઈની રિક્ષામાં ગાંધીનગર તરફ આવી રહ્યા હતા.

કાલે પરીક્ષા હોવાથી તેઓ ગાંધીનગરમાં એક સંબંધીનાં ઘરે રોકવાના હતા. આ દરમિયાન રાંધેજા રેલ્વે ફાટક નજીક ટ્રક ટ્રેલરના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારીને પાછળથી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. જેનાં કારણે ર્ક્ષા થોડેક આગળ જઈને પુલ નીચે ઉતરી ગઈ હતી.

આ સમયે જ ટ્રક પણ પાછળથી ધસમસી આવી હતી અને રિક્ષા પર ચડી ગઈ હતી. જેનાં કારણે રિક્ષાનો ખુરદો બોલી ગયો હતો.

અકસ્માત થતાં મોટી સંખ્યામાં રાહદારી વાહનચાલકો એકઠા થઈ ગયા હતા અને ભારે જહેમત પછી જીમીને ગંભીર હાલતમાં બહાર કાઢ્યો હતો. જ્યારે તેના માતા પિતા ટ્રક નીચે રિક્ષા સાથે ચગદાઈ ગયા હતા. બનાવની જાણ થતાં પેથાપુર પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.