Western Times News

Gujarati News

કોરોનાથી મૃત્યુનો સત્તાવાર દસ્તાવેજ મેળવવાનાં ફોર્મ સિવિક સેન્ટરથી મળશે

પ્રતિકાત્મક

જન્મ-મરણ વોર્ડની ઓફિસે અરજદારે ફોર્મ જમા કરાવવાનું રહેશેઃ મ્યુનિ. તંત્રની વેબસાઇટ પર મૃતકનાં પરિવારજનો માટે વિસ્તૃત માર્ગદર્શિકા મુકાઇ

અમદાવાદ, કોરોના મહામારીથી થયેલા મૃત્યુના કેસમાં મૃતકના પરિવારજનોને જરૂરી લાભો મેળવવા માટે મેડિકલ સર્ટિફિકેશન ઓફ કોઝ ઓફ ડેથ (એમસીસીડ)નું ફોર્મ-૪ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. આ પ્રમાણપત્રની નકલ મેળવવા માટેનું ફોર્મ સિટી સિવિક સેન્ટર પરથી મૃતકોના પરિવારજનોને મળી રહેશે.

મ્યુનિ. હેલ્થ વિભાગના જન્મ-મરણના રજિસ્ટ્રાર ડો.દિવ્યાંગ ઓઝાએ ગઇકાલે એક પરિપત્ર પ્રસિદ્ધ કરીને મ્યુનિ. સંચાલિત તમામ સિટી સિવિક સેન્ટરના ઇન્ચાર્જ અધિકારીને મોકલી આપ્યો છે, જેમાં કોરોનાથી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા અંગેનાં ફોર્મ સિવિક સેન્ટર પરથી નાગરિકોની માગણી મુજબ આપવાની સૂચના અપાઇ છે.

મૃતકની મરણ નોંધણી કરનાર જન્મ-મરણ વોર્ડ ઓફિસ ખાતે અરજદારે સિવિક સેન્ટર પરથી મેળવેલા ફોર્મને જમા કરાવવાનું રહેશે. ફોર્મની સાથે મૃતક વ્યક્તિનો મરણ દાખલો અને અરજદારનું આઇડી પ્રુફ બીડવાનું રહેશે.

અરજી જમા લેનાર જન્મ-મરણ કચેરીથી એમસીસીડી અંગેનું ફોર્મ-૪ અથવા તો ૪-એ સહી-સિક્કા સાથે અપાશે, જે નાગરિકે સાચવીને રાખવાનું રહેશે. સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ અંગેના લાભો મેળવવા આ ફોર્મ-૪ અથવા ૪-એ મહત્ત્વનો ડોક્યુમેન્ટ ગણાશે.

આ ઉપરાંત તંત્ર દ્વારા કોરોનાથી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા મૃતકના પરિવારજનો માટે માર્ગદર્શિકા પણ પ્રસિદ્ધ કરાઇ છે, જેને તંત્રની વેબસાઇટ પર લોકો માટે ઉપલબ્ધ કરાઇ છે.

જે મુજબ એમસીસીડીની નકલ મેળવવા માટેનું ફોર્મ જન્મ-મરણ નોંધણી વોર્ડ ઓફિસ, હેડ ઓફિસ, તંત્રની વેબસાઇટ ઉપરાંત સાદા કાગળ પર પરિશિષ્ટ-૧ નમૂના મુજબની અરજી પણ માન્ય રખાશે, જ્યારે જન્મ-મરણના રજિસ્ટ્રાર પાસે એમસીસીડી ફોર્મ-૪ અથવા ૪-એ ઉપલબ્ધ નહીં હોય ત્યારે પરિશિષ્ટ-૨ મુજબ એમસીસીડી અપ્રાપ્યતા પ્રમાણપત્ર સબરજિસ્ટ્રાર દ્વારા અરજદારને અપાશે.

કોઇ સંજાેગોમાં જાે મૃત્યુ અંગે દર્શાવેલા કારણથી અરજદારને સંતોષ ન હોય અથવા તો એમસીસીડી અપ્રાપ્યતા પ્રમાણપત્ર મેળવ્યું હોય અને કોરોનાથી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવો હોય તો કોવિડ-૧૯ મૃત્યુ વિષયક ખાતરી સમિતિ ખાતે પરિશિષ્ટ-૩માં અરજદારે અરજી કરવાની રહેશે.

આ અરજીપત્રક પણ સિવિક સેન્ટર, જન્મ-મરણ નોંધણી વોર્ડ ઓફિસ, વેબસાઇટ પરથી મળશે અને મ્યુનિ. આરોગ્ય ભવન કચેરી ખાતે તેને જમા કરાવવાનું રહેશે. જાેકે પરિશિષ્ટ-૩ના ફોર્મમાં અરજદારે વિવિધ લાગુ પડતા પુરાવા રજૂ કરવાના રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.