Western Times News

Gujarati News

ભારે વરસાદથી તિરૂપતિ મંદિરમાં શ્રદ્ધાળુ ફસાયા

હૈદ્રાબાદ, બંગાળની ખાડીમાં ભારે દબાણ સર્જાયા બાદ સર્જાયેલી હવામાન પરિસ્થિતિઓમાં ગુરુવારે આંધ્રપ્રદેશના ચિત્તૂર અને તેની આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. આનાથી ભગવાન વેંકટેશ્વરના નિવાસ સ્થાન તિરુમાલામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

તિરુપતિ મંદિરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણીના જાેરદાર પ્રવાહને કારણે સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયેલા જાેવા મળ્યા હતા. જાેકે, તેમને ત્યાંથી બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા.

તિરુમાલા ટેકરીઓ પરના મુખ્ય મંદિરને અડીને આવેલી ચાર ‘માડા સ્ટ્રીટ્‌સ’ અને વૈકુંઠમ કતાર સંકુલ (ભોંયરું) વરસાદને કારણે ડૂબી ગયા હતા. પૂરની સ્થિતિને કારણે યાત્રાળુઓ બહાર નીકળી શક્યા ન હતા, તેથી ગુરુવારે ભગવાન વેંકટેશ્વરના દર્શન પણ અટકાવવા પડ્યા હતા.

ભારે વરસાદના કારણે તિરુમાલા ખાતે આવેલ જપલી અંજનેય સ્વામી મંદિર પાણીમાં ડૂબી ગયું હતું અને દેવતાની મૂર્તિ પણ ડૂબી ગઈ હતી. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) સત્તાવાળાઓએ પવિત્ર ટેકરીઓ પર ફસાયેલા યાત્રાળુઓ માટે મફત ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી છે.

પરિસ્થિતિને જાેતા ટીટીડીના કાર્યકારી અધિકારી કેએસ જવાહર રેડ્ડીએ શુક્રવારે ઓફિસ સ્ટાફ માટે રજા જાહેર કરી છે. નજીકના સત્તાવાર સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું છે કે પૂર અને ભૂસ્ખલનને પગલે તિરુમાલા પહાડી તરફ જતા બે ઘાટ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે અલીપીરીથી મંદિર તરફ જતો વોકવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. રેનિગુંટામાં તિરુપતિ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પણ પાણીમાં ડૂબી ગયું હતું, જેના કારણે ત્યાં આવતા વિમાનોનું લેન્ડિંગ અટકાવવાની ફરજ પડી હતી. એરપોર્ટ ડાયરેક્ટર એસ સુરેશે જણાવ્યું હતું કે હૈદરાબાદ અને બેંગલુરુથી તિરુપતિ આવી રહેલી બે પેસેન્જર ફ્લાઇટને પરત ફરવાનું કહેવામાં આવ્યું હતું જ્યારે પ્રવર્તમાન હવામાનને કારણે નવી દિલ્હીથી નિર્ધારિત ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

તિરુમાલામાં ટીટીડીના અધિક કાર્યકારી અધિકારીની ઓફિસમાં પણ કોઈ કર્માચારી પહોંચી શક્યું નહોવાથી ખાલી હતી.
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ ગુરુવારે જણાવ્યું હતું કે ચેન્નાઈ અને તેના પડોશી જિલ્લાઓમાં વરસાદ સાથે બંગાળની ખાડી પર દબાણ વિસ્તાર રચાયો છે અને ૧૯ નવેમ્બર સુધીમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશ વચ્ચેના દરિયાકાંઠાને પાર કરશે. આઈએમડીએ ટ્‌વીટ કર્યું કે ચેન્નાઈથી ૩૦૦ કિમીથી વધુના અંતરે દબાણ ક્ષેત્ર બન્યું છે.

હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં ઉત્તર તમિલનાડુ અને તેની આસપાસના દક્ષિણી જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન, શહેર અને તેના પડોશી જિલ્લાઓ કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચેંગલપેટમાં રાતોરાત વરસાદ પડ્યો હતો, જેના કારણે અધિકારીઓને શાળાઓમાં રજા જાહેર કરવાની ફરજ પડી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.