Western Times News

Gujarati News

ઓલરાઉન્ડર ડીવિલિયર્સની ઓલ ફોર્મેટમાંથી નિવૃત્તી

કેપટાઉન, દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર અને મિસ્ટર ૩૬૦ એટલે કે, એબી ડી વિલિયર્સે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ટિ્‌વટર પર તેમણે તેમની ૧૭ વર્ષની લાંબી કારકિર્દીના અંતની જાહેરાત કરી છે. ડી વિલિયર્સે ૨૦૧૮માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી પરંતુ તે આઈપીએલ સહિત વિશ્વભરની ટી૨૦ લીગમાં રમી રહ્યા હતા.

ડી વિલિયર્સે તેમની નિવૃત્તિ પર આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)ના ચાહકો માટે એક ખાસ વિડિયો જાહેર કર્યો છે. તેમણે ખાસ કરીને આરસીબી મેનેજમેન્ટ અને તેમના મિત્ર વિરાટ કોહલીનો આભાર માન્યો હતો. ડી વિલિયર્સે ભાવુક અંદાજમાં કહ્યું કે આરસીબી સાથે ક્યારે ૧૧ વર્ષ વીતી ગયા તે ખબર નથી.

ડી વિલિયર્સે કહ્યું, આ એક શાનદાર સફર રહી પરંતુ મેં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો ર્નિણય કર્યો છે. મારા મોટા ભાઈઓ સાથે બેકયાર્ડમાં મેચ રમવાથી શરૂ કરીને મેં પૂરા જાેશ અને ઉત્સાહથી રમત રમી છે. હવે, ૩૭ વર્ષની ઉંમરે તે આગ ઝડપથી બળતી નથી.

ભૂતપૂર્વ ક્રિકેટરે આગળ કહ્યું, ‘હું જાણું છું કે મારા પરિવાર – મારા માતા-પિતા, મારા ભાઈઓ, મારી પત્ની ડેનિયલ અને મારા બાળકોના બલિદાન વિના કંઈપણ શક્ય ન હોત. હું મારા જીવનના આગલા તબક્કાની રાહ જાેઈ રહ્યો છું જ્યાં હું તેમને પ્રાથમિકતા આપી શકીશ.

તમે આરસીબીને બધું જ આપી દીધું છે અને હું તે મારા મનમાં જાણું છું. તમે આ ફ્રેન્ચાઇઝી અને મારા માટે શું છો તે શબ્દોમાં કહી શકાય તેમ નથી. ચિન્નાસ્વામી સ્ટેડિયમ તમારા માટે ચીયર કરવાનું અને હું તમારી સાથે રમવાનું મિસ કરીશ. આઈ લવ યુ… અને હું હંમેશા તમારો નંબર-૧ ફેન રહીશ.

આરસીબીના ટિ્‌વટર હેન્ડલ પરથી જાહેર કરવામાં આવેલા વિડીયોમાં ડી વિલિયર્સે કહ્યું, ‘મેં આરસીબી સાથે લાંબો અને સારો સમય વિતાવ્યો છે. ૧૧ વર્ષ આમ જ વીતી ગયા અને ખેલાડીઓને છોડવાનું સારું નથી લાગતું.

આ ર્નિણયમાં ઘણો સમય લાગ્યો પરંતુ વિચાર-વિમર્શ બાદ મેં નિવૃત્તિ લેવાનો અને મારા પરિવાર સાથે સમય પસાર કરવાનો ર્નિણય લીધો છે. હું આરસીબી મેનેજમેન્ટ, મારા મિત્ર વિરાટ કોહલી, સાથી ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ, ચાહકો અને સમગ્ર આરસીબી પરિવારનો આભાર માનું છું.

દક્ષિણ આફ્રિકાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાંના એક એવા ડી વિલિયર્સના સમગ્ર વિશ્વમાં ચાહકો છે. ડી વિલિયર્સના ભારતમાં મોટી સંખ્યામાં ચાહકો છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી આઈપીએલની રાહ જાેઈ હતી. આઈપીએલ ઉપરાંત, ડી વિલિયર્સ બાર્બાડોસ, સ્પાર્ટન્સ, રંગપુર રાઈડર્સ, મિડલસેક્સ, બ્રિસ્બન હીટ અને લાહોર કલંદર માટે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમી ચૂક્યા છે.

ડી વિલિયર્સે ૨૦૧૮માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ૧૧૪ ટેસ્ટ, ૨૨૮ વન-ડે અને ૭૮ ટી૨૦ ઈન્ટરનેશનલ રમનાર ડી વિલિયર્સની ગણના સર્વકાલીન શ્રેષ્ઠ બેટ્‌સમેનોમાં થાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે ૪૭ સદી ફટકારી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.