Western Times News

Gujarati News

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનો વિવાદ દિલ્હી દરબારમાં

અમદાવાદ , ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખની વરણીનો મુદ્દો એવો કોયડો છે જે હજી સુધી કોઈ ઉકેલી શક્યુ નથી. આંતરિક વિખવાદો જ એટલા છે કે આ મડાગાંઠ ઉકેલાતી નથી. આવામાં ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખની વરણી પહેલાં જુથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે.

પ્રમુખ પદના દાવેદાર નેતાઓના વિરોધી જુથ સક્રિય થઈ ગયા છે. આવામાં મુખ્ય દાવોદારોની પક્ષ વિરોધી પ્રવૃતિનો રિપોર્ટ હાઇકમાન્ડ સુધી પહોંચી ગયો છે.

ભૂતકાળમાં પણ કોંગ્રેસ કાર્યાલયને કરેલા ઘેરાવની વાત દિલ્હી દરબાર સુધી પહોંચાડવામાં આવી હતી. ત્યારે પ્રમુખ પદના કેટલાક દાવેદાર નેતાના સંપર્કમાં હોવાની વાત પણ દિલ્હી પહોંચાડાઈ છે. ગુજરાત કોંગ્રેસના ભૂતકાળ પર એક નજર કરીએ તો, જગદીશ ઠાકોરે વર્ષ ૨૦૧૬માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હતું, તેમના સમર્થકોએ કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવો કર્યો હતો.

હાર્દિક પટેલના પ્રમુખ બનવા સામે કોંગ્રેસના સિનિયર નેતાઓએ વિરોધ કર્યો. તો ભરતસિંહ સોલંકીનો અહેમદ પટેલ જુથના લોકોએ પણ વિરોધ કર્યો. શક્તિસિંહ ગોહિલના નામ સામે પણ વિવાદ ઉઠ્‌યો છે. તેઓ કાર્યકરોને મળતા ન હોવાની વાત સામે આવી છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

હાઈકમાન્ડની પહેલી પસંદ હાર્દિક પટેલ છે. પણ સિનિયર નેતાઓની નારાજગી એટલી છે કે, હાર્દિક પટેલનો પક્ષના પ્રમુખ તરીકે મેળ પડે એમ નથી. પરંતુ જે નામની ચર્ચા થઈ રહી છે, તેમના પક્ષમાં રહેલા વિરોધીઓ જ તેમની માહિતી દિલ્હી સુધી પહોંચાડી રહ્યાં છે.

ભરતસિંહ સોલંકી બે વાર પ્રમુખ બની ચૂક્યા છે, બંનેવાર કોંગ્રેસની હાર થઈ છે. તેઓ અહેમદ પટેલની સામેના જૂથના છે. તેથી તેમના કાર્યકર્તાઓ ભરતસિંહ સામે વિરોધ દર્શાવી રહ્યા છે. સાથે જ ભરતસિંહ સોલંકીના પારિવારિક ડખાની અસર પાર્ટી પર પડે તેવી રજૂઆત દિલ્હીમાં કરાઈ છે.

બીજી તરફ જાેઈએ તો, જેમનુ નામ ચર્ચામા છે તે અર્જુન મોઢવાડિયા અહેમદ પટેના જૂથના છે. જેમનો વિરોધ ભરતસિંહનુ ગ્રૂપ કરી રહ્યું છે. આ ગ્રૂપનુ કહેવુ છે કે, જેઓ પોતે જીતી શક્તા નથી, તે પાર્ટીને શુ જીતાડશે. તેમજ જગદીશ ઠાકોર પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી ચૂક્યા છે.

તેમના માટે એવુ કહેવાય છે કે, તેમના ભાષણો એક કોમ પૂરતા મર્યાદિત હોય છે, તેથી બીજી કોમ તેમની સાથે જાેડાય તેવી શક્યતા ઓછી છે. આવામાં નવુ નામ કનુભાઈ કલસરિયાનુ પણ ઉમેરાયું છે. આમ, પક્ષના જ લોકો એકબીજાના નામે પાવતી ફાડીને દિલ્હી સુધી માહિતી પહોંચાડી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, દિવાળી પહેલા રાહુલ ગાંધીએ ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ગુજરાતના દિગ્ગજ નેતાઓનું ગ્રૂપ રાહુલ ગાંધીને મળવા માટે દિલ્હી પહોંચ્યુ હતું. રાહુલ ગાંધીએ તમામ નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી.

જાેકે, આ મીટિંગ બાદ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના નામની જાહેરાત દિવાળી બાદ થાય તેવી આશા જાગી હતી. જ્યાં સુધી નવા નામની જાહેરાત નહિ થાય ત્યા સુધી વિવાદનો મધપૂડો છંછેડાયેલો રહેશે. હાર્દિક પટેલનું નામ રેસમાં સૌથી આગળ હતું, પણ જુનિયર નેતાઓએ હાર્દિકને કમાન સોંપવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે હવે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીનું નામ રેસમાં છે. આવામાં પક્ષમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.