Western Times News

Gujarati News

ડીલરોના ઈશારે બોગસ RC બુક બનાવતી ગેંગનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો

અમદાવાદ, પરીક્ષા અને ટ્રાયલ આપ્યા વગર બોગસ લાઈસન્સ કાઢવાનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે હવે બોગસ આર.સી.બુક કાઢી આપવાના કૌભાંડનો પર્દાફાશ ક્રાઈમબ્રાંચે કરતા બે શખ્સોની ધરપકડ કરી છે

જે વાહનોની લોન નહીં ભરી હોય અને ગમે ત્યારે તે સીઝ થાય તેવી શકયતા હોય તેવા વાહનોની આ.સી.બુક બોગસ કાઢી આપતા હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમબ્રાંચે આઠ આર.સી.બુક જપ્ત કરી છે તે તમામ બોગસ હોવાનો ઘટસ્ફોટ કરતા રાજયવ્યાપી કૌભાંડની આશંકા સેવાઈ રહી છે.

ક્રાઈમબ્રાંચમાં ફરજ બજાવતા પીએસઆઈ વાય.જી.ગુર્જર અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે આર.ટી.ઓ. સર્કલ તરફ જવાના રસ્તા પર એક ટુ વ્હીલર પર બે યુવક પુરઝડપે જતા હતા. બંને જણા શંકાસ્પદ લાગતા તેમને ક્રાઈમબ્રાંચે રોકવાનો પ્રયાસ કર્યો હતો.

જાેકે તે નહી ઉભા રહેતા પોલીસે તેમનો પીછો કરીને ઝડપી પાડયા હતા. ક્રાઈમબ્રાંચે બંને જણાની અંગ ઝડતી લેતા તેમની પાસેથી આરટીઓની આઠ આર.સી.બુક મળી આવી હતી, જયારે ટુ વ્હીલરની ડેકી ચેક કરતાં તેમાંથી નંબર પ્લેટ મળી આવી હતી. આર.સી.બુક મામલે ક્રાઈમબ્રાંચની ટીમે પુછતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો નહીં જેથી તેમની અટકાયત કરીને ક્રાઈમબ્રાંચ લાવવામાં આવ્યા હતા.

બંને યુવકો જુહાપુરા અને સરખેજ વિસ્તારમાં રહે છે જેમના નામ ઈમરાન ઈસ્માઈલભાઈ સૈયદ અને મોહંમદઅલી બુખારી છે. ક્રાઈમબ્રાંચ આઠેય આર.સી.બુકની ખરાઈ કરવા માટે ગુલબાઈ ટેકરા ખાતે આવેલી સિલ્વર ટચ ટેકનોલોજિસ લિમિટેડ કંપનીમાં લઈ ગયા હતા. આ કંપનીનો આરટીઓ સાથે આર.સી.બુક કાઢવાનો કરાર થયો છે.

કંપનીએ આર.સી.બુકની ચિપ રીડર મારફતે ચેક કરતા ચોંકાવનારો પર્દાફાશ થયો હતો. પાંચ આર.સી.બુક પર લખેલી માહિતી અને ચિપમાં રહેલી માહિતી અલગ અલગ હતી જયારે ત્રણ આર.સી.બુકનો ડેટા કંપની પાસે હતો નહી.

બંને આરોપીઓની કડક પુછપરછ પોલીસે તથા ક્રાઈમે કરી હતી. જેમાં ઈમરાને ક્રાઈમબ્રાંચને જણાવ્યું હતું કે વાહનોના ડીલરો જેની પાસે બેન્કની હરાજીમાં મળેલા વાહનો આવે છે તેની આર.સી.બુક કસ્ટમર, બેન્ક કે ફાઈનાન્સ કંપની તરફથી મળી શકતી નથી જેથી ડુપ્લિકેટ આર.સી.બુક.ના આધારે તે બોગસ આર.સી.બુક બનાવતા હતા. ઈમરાન પાસે જુદાં જુદાં વાહનોની આર.સી.બુક હોય છે તે તમામ મોહંમદઅલીને આપતો હતો.

આર.સી.બુક પર લખેલી માહિતી મોહંમદઅલી થિનરની મદદથી કાઢી નાખતો હતો. લેપટોપમાં કાર્ડ પ્રેસો નામના સોફટવેરની મદદથી વાહનોની ઈન્ફર્મેશન નાખીને બોગસ આર.સી.બુક કાઢી આપતો હતો.

બોગસ આર.સી.બુક કાઢવાના ત્રણથી ચાર હજાર રૂપિયા મળતા હતાઃ બંને આરોપીએ કબુલાત કરી છે કે એક બોગસ આર.સી.બુક બનાવી આપવાના તેમને ડીલરો ત્રણથી ચાર હજાર રૂપિયા આપતા હતા. જેમાં મોહંમદઅલીને ૧પ૦૦ રૂપિયા મળતા હતા. બંને આરોપીએ સંખ્યાબંધ આર.સી.બુક બનાવી હોવાની કબુલાત કરી છે જયારે કારના ડીલરો પણ હવે આ રેકેટમાં સંડોવાયા હોય તેવી શકયતા છે.

લોન ભરપાઈ ના થાય તો પણ ડુપ્લિકેટ આર.સી.બુક બનાવી દેતા ઃ વાહનો લઈ લીધા બાદ આજે કેટલાક લોકો બેન્કના હપ્તા સમયસર ભરી શકતા નથી, જેના કારણે બેન્ક દ્વારા વાહનો સીઝ કરવામાં આવે છે. વાહનો સીઝ ના થાય તે માટે કેટલાક વાહનચાલકો નંબર પ્લેટ કાઢી નાખે છે.

જયારે કેટલાક વાહનચાલકો બોગસ આર.સી.બુક બનાવીને અલગ નંબર પ્લેટ બનાવી દેતા હોય છે. આ બંને આરોપીઓ બોગસ આર.સી.બુક બનાવીને બોગસ નંબર પ્લેટ તૈયાર કરાવી દેતા હતા.

બોગસ લાઈસન્સ પણ બનાવતા હોવાની આશંકા- ક્રાઈમબ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપીઓ સાથે આરટીઓના કેટલાક એજન્ટો તેમજ વાહનોના ડીલરોની સંડોવણી હોવાની શકયતા છે ત્યારે બંને આરોપીઓ બોગસ આર.સી. બુકની સાથે સાથે બોગસ લાઈસન્સ પણ બનાવતા હોવાની શકયતા છે. ક્રાઈમબ્રાંચે તેમનું લેપટોપ જમા લીધું છે. જેમાં ઘણાં રહસ્યો ખૂલે તેવી શકયતા છે.

બોગસ નામની આર.સી. બુકઃ  (૧) જીનુભાઈ ફૈઝલભાઈ શેખ, રહે. વડોદરા, કાર (ર) પ્રવીણ ચન્દ્રકાન્ત કૈલાસી, રહે. નારણપુરાગામ, બાઈક (૩) વિનોદ મહેશભાઈ અગ્રવાલ, રહે. સુભાષબ્રિજ, બાઈક (૪) હિતેશચંદ્ર જી. પ્રજાપતિ, (રહે. વડોદરા) કાર (પ) ઈશાક અજમેરી, રહે. દાણીલીમડા, બાઈક (૬) કઉશા ઈમ્તિયાઝ પઠાણ, રહે. રસૂલાબાદ, બાઈક (૭) નીતાબહેન ઠાકોર, રહે. ગાંધીનગર, એક્ટિવા (૮) સંજય રામપાલ વર્મા, રહે. આશ્રમ રોડ, બાઈક


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.